સીટી મામલતદાર કચેરીએ જનસેવા કેન્દ્રની જુદી-જુદી સેવાઓ માટે ભારે ધસારો રહે છે અને દૂર દૂરથી આવતા લોકોને પણ હાડમારી ભોગવવી પડે છે. જેના ઉકેલરૂપે નવા ભળેલા ગામો પૈકી નારી,અધેવાડા અને સીદસરની પંચાયત ઓફિસમાં કોર્પોરેશનની માલિકીની જગ્યામાં શહેરી જનસેવા કેન્દ્ર શરૂ કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો હતો. તદુપરાંત અકવાડા રુવા અને તરસમીયામાં પણ કેન્દ્ર શરૂ કરવા સ્ટેન્ડિંગમાં સહમતિ દર્શાવી હતી.
મહાનગર પાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રજાજનો અને સીધો સ્પર્શતો જન સેવા કેન્દ્રના પ્રશ્નના ઉકેલ માટે નિર્ણય લેવાયો હતો. શહેરીજનો માટે યુસીઈ માધ્યમથી જુદી જુદી સેવાઓ જેમ કે, આવકના દાખલા, વારસાઈ પ્રમાણપત્ર, પછાત વર્ગના પ્રમાણપત્ર, સોગંદનામા, વિધવા પ્રમાણપત્ર, જ્ઞાતિના દાખલા, બિન અનામત પ્રમાણપત્ર વિગેરે સેવા હાલમાં સીટી મામલતદાર કચેરીએ પૂરી પાડવામાં આવે છે પરંતુ કોર્પોરેશનનો ભોગોલીક વિસ્તાર વધતા દૂર દૂરથી લોકો સીટી મામલતદાર કચેરીએ ધક્કા ખાતા હોય છે.
જેથી શહેરમાં જ જુદા જુદા વિસ્તારમાં લોકોની સગવડતા ખાતર કોર્પોરેશનની માલિકીની જગ્યાઓમાં સીટી મામલતદાર હસ્તક શહેરી જનસેવા કેન્દ્રો શરૂ કરવા આજે નિર્ણય કરાયો હતો. આજે દરખાસ્ત મુજબ નારી સીદસર અને અધેવાડા ગ્રામ પંચાયત કચેરીના એક એક રૂમ ફાળવણી માટે મંજૂરી અપાઇ હતી. પરંતુ સભ્યોની રજૂઆતને સાથે સાથે અકવાડા, રૂવા અને તરસમયામાં તેમજ કરચલીયા પરા આનંદનગર વિસ્તારમાં કોર્પોરેશનની જગ્યામાં જન સેવા કેન્દ્ર શરૂ કરવા નિર્ણય કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ચાર્જ કમિશનર તરીકે કલેકટર હોવાથી જનસેવા કેન્દ્રનો નિર્ણય ફટાફટ લેવાયો હતો.
સ્ટેન્ડિંગ કમિટીમાં તદુપરાંત જુદા જુદા વિકાસકામોની મુદતમાં વધારો, લીઝ હોલ્ડ પ્લોટની મુદ્દત રિન્યૂ કરવા સહિતના તમામ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. આગામી દિવસોમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સહિતના આગેવાનો ભાવનગરમાં હોવાથી વિવાદાસ્પદ કાર્યો કે અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ માટે સ્ટેન્ડીંગ દૂર રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.