હાલાકી:ભાવનગરને મેટ્રો ટ્રેનની લોલીપોપ પણ સીટી બસ સેવા બંધ થવાના આરે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીના વાદળો ઘેરાતા હથેળીમાં ચાંદ બતાવવાની શરૂઆત થઇ
  • જૂની પડતર રેલવે લાઇન પર વાહન વ્યવહારની વ્યવસ્થા થઇ શકે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના વાદળો ઘેરાવા લાગ્યા છે, અને તમામ રાજકીય પક્ષો પોતાની રાજનીતિ ચમકાવવા ગતકડાં શરૂ કરવા લાગ્યા છે. પાંચ વર્ષ સુધી ભાવનગરને હાંસીયામાં ધકેલી દીધા બાદ ટ્રાફિક, જગ્યા, વસતીની દ્રષ્ટિએ ગીચતા હોવા છતા મેટ્રો ટ્રેન અંગે હથેળીમાં ચાંદ બતાવવાની યોજનાઓ તરતી મુકવામાં આવી રહી છે.

ભાવનગર શહેરમાં અગાઉ 65 સિટી બસ દોડાવવામાં આવતી હતી, સિટી બસ એ શહેરીજનોની સગવડતા માટે હોય છે નહીં કે નફાકારતકતા માટે, કોન્ટ્રાક્ટરોએ ભાવનગરમાં 65 રૂટ પૈકી માત્ર સિટી બસ ચલાવવામાં આવી રહી છે.ભાવનગરમાં રેલવે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, એસ.ટી.સ્ટેન્ડ, યુનિવર્સિટી જેવા નાગરિકો-વિદ્યાર્થીઓની અવર-જવર વાળા સ્થળોથી જવા-આવવા માટેની સિટી બસની સુવિધાઓ છીનવી લેવામાં આવી છે. નાગરિકલક્ષી કાર્યો માટે કોઇને પડી નથી અને ભાંગતું ભાવનગર વધુ ભાંગી રહ્યું છે.

ભાવનગર રેલવે સ્ટેશનથી શહેરના મુખ્ય વિસ્તારોની વચ્ચેથી પસાર થતી મહુવાવાળી જૂની રેલવે લાઇનની જગ્યાઓ હજુ રેલવે હસ્તક જ છે, આ જગ્યા પર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે બીઆરટીએસ જેવી વ્યવસ્થાઓ આસાનીથી થઇ શકે તેમ છે, તેના બદલે શહેરમાં ગીચતાને કારણે રસ્તાના વિસ્તૃતિકરણ માટે પણ જગ્યાના વાંધા હોય છે તેમાં રાજ્ય સરકાર મેટ્રો ટ્રેનના શમણા બતાવી રહી છે.ભાવનગર સહિતના ગુજરાતના ચાર શહેરોને મેટ્રો રેલ સેવા મળશે અને તેના માટે ફ્રેન્ચ કન્સલ્ટિંગ ફર્મ SYSTRA એ પ્રોજેક્ટ્સ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPR) તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે.

ભાવનગર, વડોદરા, રાજકોટ, અને જામનગરમાં મેટ્રો સંબંધિત સેવાઓ માટેની રાજ્ય સરકારની યોજના છે. વડોદરા અને રાજકોટ વસતીની દ્રષ્ટિએ પણ પ્રગાઢ હોવાથી ત્યાં મેટ્રો પ્રોજેક્ટ પ્રાથમિક રીતે યોગ્ય ગણી શકાય તેમ છે. સિટીબસ સેવા બંધ થાય તે પહેલા તેને પૂર્વરત કરવી જોઇએ.

મેટ્રો આવકાર્ય, પહેલા હતી તે સુવિધા સુધારો
ભાવનગરમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટ આવકાર્ય છે પણ પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની સીટીબસ સહિતની સુવિધા જે પહેલા હતી તેની સામે અત્યારે સુવિધા નગણ્ય છે. તે બાબતે પણ તંત્રએ ધ્યાન આપવુ જોઇએ.ખાનગી મુસાફરવાહક વાહનો અન્ય શહેર કરતા ભાવનગરમાં ત્રણ ગણુ ભાડુ વસુલે છે. તે પણ નિયંત્રણ કરવુ જોઇએ. - કીરીટભાઇ સોની , પ્રમુખ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોર્મસ

​​​​​​​રૂપાણીની મોનો રેલની, પટેલની મેટ્રોની ચોકલેટ
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગરમાં મોનો રેલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ટ્રેન શરૂ થવાની વાત માત્ર જાહેરાત બની રહી છે. હવે ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ભાવનગરમાં મેટ્રો ટ્રેન સુવિધા શરૂ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે પણ આ જાહેરાતો ચોકલેટ જેવી લોલીપોપ છે પણ ભાવનગરને અમદાવાદ સાથે જોડતો શોર્ટરૂટ પાંચ વર્ષે પણ ફોરલેન બન્યો નથી અને બોટાદ -અમદાવાદ ટ્રેક બ્રોડગેજ બની ગયો હોવા છતા હજી આ ટ્રેક પર પેસેન્જર ટ્રેન દોડતી થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...