રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ આગામી તા. 18 જાન્યુઆરી 2023 ને બુધવારે સવારે 9:30 કલાકે મોરારીબાપુ દ્વારા એનાયત થશે. સને 2000ની સાલથી પ્રારંભાયેલા આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આ જ દિવસે પ્રતિવર્ષ અર્પણ થાય છે. આ દિવસે તલગાજરડા (તા. મહુવા) ની કેન્દ્રવતી શાળા - ચિત્રકૂટ ધામ ખાતે કુલ મળીને 33 પ્રાથમિક ભાઈ-બહેનો ની પૂ.મોરારીબાપુ દ્વારા આ એવોર્ડ આપીને વંદના કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લામાંથી (33 જિલ્લા) એક પ્રાથમિક શિક્ષકને આ એવોર્ડ અપાય છે.જેમાં પ્રતિવર્ષની જેમ આ સાલના 33 શિક્ષકો ને એવોર્ડ ફાળવવાની ઘોષણા કરવામાં આવી છે.
રાજ્યભરના બે લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદગી કરવાનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે.આ ચિત્રકૂટ પારિતોષિકથી પુરસ્કૃત શિક્ષકોને પૂ. મોરારીબાપુ દ્વારા પ્રત્યેકને 25000 રૂપિયા નો ચેક, કાળી કામળી, સૂત્રમાલા, રામનામી તેમજ સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવે છે. આ સાથે પૂ. સીતારામ બાપુ અધેવાડા દ્વારા પણ પુરસ્કૃત શિક્ષકોને શાલ, સુંદરકાંડ પુસ્તકથી સન્માનિત કરવામાં આવે છે.આ વેળાએ મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન સાથે મહુવા તાલુકામાંથી સેવા નિવૃત્ત થનાર પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોને પણ સન્માન સાથે વિદાય નિવૃત્તિ આપવામાં આવે છે.
સ્થાનિક કક્ષાએ કાર્યક્રમની સફળતા માટે મહુવાના ગજુભા વાળા, ગણપતભાઈ પરમાર, મનુભાઈ શિયાળ, ભરતભાઈ પંડ્યા, રસિકભાઈ અમીન વગેરે સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે. પ્રાથમિક શિક્ષણ પાયાનું શિક્ષણ છે, એને અને તેને સાર્વત્રિક એવમ ઘનિષ્ઠ બનાવવાના પ્રયાસોમાં પોતાના ફાળે આવેલી કર્તવ્ય પાલનતામાં સિંહ ફાળો અને યોગદાન આપનાર પ્રાથમિક શિક્ષકો સાચા શિલ્પીઓ છે ત્યારે પૂજ્ય મોરારિબાપુ દ્વારા પ્રતિવર્ષ નિષ્ઠાવાન-ચારિત્રવાન પ્રાથમિક શિક્ષકો ને એનાયત થતો આ એવોર્ડ રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં ગૌરવવંતો અને મૂલ્યવાન લેખાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.