એમકેબી યુનિ. ખાતે નવી શિક્ષણ નીતિને અમલી કરવા માટેની કવાયતનો આરંભ થઇ ગયો છે અને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગરથી ટીમ આવ્યા બાદ સ્પષ્ટ થયું છે કે નવી શિક્ષણ નીતિનો યુનિ.ની કોલેજોમાં આગામી જૂન-2023ના નવા વર્ષથી અમલ થશે પણ આ માટે ભાવનગર સહિતની રાજ્યની તમામ યુનિ.એ આ નવી નીતિ માટે રોડ મેપ તૈયાર કરવાનો આરંભ કરી દેવાનો રહેશે. અને આ માટે ભાવનગર યુનિ.માં સ્નાતક કક્ષાએ સંભવિત અભ્યાસક્રમોનું માળખું પણ તૈયાર કરવામાં આવ્યું છે. જે મુજબ હવે એનસીસી અને એનએસએસને વૈકલ્પિક વિષયના રૂપમાં ભણાવવામાં આવશે. તો ભારતીય સંસ્કૃતિથી ઉચ્ચ શિક્ષણને જોડવામાં આવશે.
મહાવિદ્યાલયોને સ્વાયત્તતા આપવા માટે તબક્કાવાર માળખું એક ક્રમિક પારદર્શી પ્રણાલી દ્વારા સ્થાપવાનું આયોજન છે. બહુવિદ્યાકીયશાખા વિકલ્પ એ પણ નવી શિક્ષણ નીતિનો એક ભાગ છે. સ્નાતક પદવી 3 કે 4 વર્ષમાં સમાવવાની રહેશે. પ્રત્યેક વિદ્યાર્થીની એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ(એબીસી)ની સ્થાપના કરવામાં આવશે. જે ડિઝીટલ સ્વરૂપે માન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત કરેલ શૈક્ષણિક ક્રેડિટનો સંગ્રહ કરશે. જાહેર અને ખાનગી એમ બન્ને સંસ્થાઓમાં વિકાસ કરવામાં આવશે. માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ પાસે મુક્ત ઓનલાઇન દૂરસ્થ શિક્ષણ (ઓડીએલ) અને ઓનલાઇન અભ્યાસક્રમ ચલાવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ થશે.
પ્રોજેક્ટ, પર્યાવરણીય શિક્ષણ, મૂલ્ય આધારિત શિક્ષણ તથા કમ્યુનીટી એંગેજમેન્ટ-સામુદાયિક જોડાણનો પણ સમાવેશ કરાશે. સાથે પ્રવેશ માટે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(સીએટી)થી એડમિશન કરવામાં આવશે. યુનિ.કક્ષાએ આ માટે વર્ષ દરમિયાન અવેરનેસ કાર્યક્રમો યોજાશે. જેથી નવી નીતિ અમલમાં મુકી શકાય.
NCC અને NCC પડકારરૂપ પણ બનશે
યુનિ. કક્ષાએ હવે શિક્ષણમાં એનસીસી અને એનએસએસને ફરજીયાત કરવામાં આવે તેમ નવી શિક્ષણ નીતિમાં દરખાસ્ત છે. આથી મોટી કોલેજોમા આ વિષય હોય તો 2500-2500 જેટલા વિદ્યાર્થીઓ એક એક કોલેજોમાં હોય આથી એક અલગ માળખું રચવું પડશે અને તે માટે કવાયત હાથ ધરવી પડશે તે માટે સમય લાગે તે સ્વાભાવિક છે. > એમ.એમ. ત્રિવેદી, કાર્યકારી કુલપતિ, એમકેબી યુનિ.
પ્રત્યેક સેમેસ્ટરમાં સૂચિત માળખું
ત્રણ વર્ષમાં વિવિધ પેપર અને તેની ક્રેડિટ
3 વર્ષમાં 12 કોર પેપર્સ (પ્રત્યેક પેપરની 6 ક્રેડિટ), 6 ઇલેક્ટિવ પેપર (પ્રત્યેક પેપરની 6 ક્રેડિટ),2 એઇસીસી (એબીલીટી એનહાન્સમેન્ટ કોર કોર્સ - પ્રત્યેક પેપરની મહત્તમ 4 ક્રેડિટ), એસઇસી સ્કિલ એનહાન્સમેન્ટ (પ્રત્યેક પેપરની મહત્તમ 4 ક્રેડિટ) રહેશે તેમ હાલમાં સૂચન કરવામાં આવ્યું છે. > ડો.હેતલબેન મહેતા, સભ્ય, એનઇપી સેલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.