ક્રાઈમ:ચકચારી હત્યા-આપઘાત પ્રકરણમાં પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ કારણભૂત

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેસેજ વાયરલ કરી સામુહિક આપઘાત કર્યાના 24 કલાક બાદ મૃતદેહો માદરે વતન લઇ જવાયા
  • બનેવી સામે સાળાએ બહેન અને બે ભાણીની હત્યા કરી હોવાની ફરિયાદ કરી

શહેરના વિજયરાજનગર ખાતે રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા તેમજ નીવૃત ડીવાયએસપીના પુત્રએ પત્નિ અને બે દીકરીઓ તથા પાળેલા કૂતરાને ગોળી મારી હત્યા કરી પોતે પણ રીવોલ્વરનુ સ્ટીયરીંગ લમણે રાખી દબાવી આત્મ હત્યા કરી લીધાની સાળાએ પોતાના બહેન અને બે ભાણીબાઓની હત્યા કરી પોતે પણ આપઘાત વહોરી લીધાની એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભાવનગર શહેરના વિજયરાજનગર ખાતે પ્લોટ નંબર-629માં રહેતા નીવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ બી.જાડેજાના પુત્ર પદયુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહ એન.જાડેજાએ બુધવારે સાંજે 5.39 કલાકે તેમના સગા-સબંધીઓના વોટસએપ ગૃપમા ફોટો લખાણવાળા મેસેજ કરી જણાવેલ કે હું મારા સમગ્ર પરિવાર સાથે આત્મહત્યા કરૂ છુ.ઘરનો દરવાજો ખુલ્લો છે.આ મેસેજ ભાવનગર ખાતેના ચિત્રા વિસ્તારમાં આવેલી નીર્ભય સોસાયટીમા રહેતા પદયુમનસિંહના સાળા સુખદેવસિંહ વનરાજસિંહ ગોહિલને પણ મળતા તેઓ બનેવીના ઘરે પહોંચ્યા હતા. જયાં બેઠક રૂમમાં સોફા પર તેમના બનેવી મૃત હાલતમા પડેલા હતા. અને તેમના હાથમાં રિવલ્વર જોવા મળી હતી.

ત્યારબાદ તેઓ રસોડાની ગેલેરીમાં જતા ત્યાં સુખદેવસિંહના બહેનબા બીનાબા જાડેજાની લાશ પડી હતી. જેથી હાફળા-ફફાળા તેઓ ઉપરના માળે ગયા હતા. જયાં તેમના બન્ને ભાણીબાની લાશો પડી હતી તેમજ બનેવીએ પાળેલ કૂતરૂ પોમેરીયન પણ ગોળી વાગેલી હાલતમા પડેલ હતુ. ગત સાંજે બનેલી આ ચકચારી ઘટનાંની જાણ મૃતકના પિતા અને નીવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાને તેમના સગા સંબંધીઓ દ્વારા કરવામાં આવતા તેઓ ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા. અને ગુરૂવારે તમામ મૃતકોની પી.એમ.સહિતની કાર્યવાહી પુર્ણ કર્યા બાદ સાંજે 5-30 કલાકે તમામ મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફત તેમના માદરે વતન કાલ મેઘડા-કાલાવાડ ખાતે લઇ જવાયા હતા.

બીનાબા અગાઉ રિસામણે ચાલ્યા ગયા હતા
વિજયરાજનગર ખાતે બનેલી ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યું થયાની ઘટનામાં મૃતકોના કુટુંબીજનોમાંથી જાણવા મળ્યા મુજબ મૃતક બીનાબા તથા પદ્યુમનસિંહ વચ્ચે ગૃહકલેશ ચાલતો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ બીનાબા ત્રણેક માસ તેમના પિયર જાળીયા ચાલ્યા ગયા હતા.

આર્થિક રીતે સુખી છતાં આપઘાતનું કારણ શું ?
ચકચારી ઘટનામાં મૃત્યુ પામનાર પદ્યુમનસિંહ જાડેજા આર્થીક રીતે સુખી સંપન્ન હતા. તેઓનો વ્યવસાય વ્યવસ્થિત ચાલતો હતો. તેમજ તેઓના નામે અંદાજીત 1100 વિઘા જેટલી જમીન પણ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. મિત્ર વર્તુળોમાં તેઓ સારી નામના ધરાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...