દબાણો જપ્ત કર્યા:પ્રભુદાસ તળાવમાં તંગદીલ વાતાવરણ વચ્ચે 31 બાંધકામો પર બુલડોઝર ફર્યુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંભારવાડા અને સ્ટેશન રોડ પરથી પણ દબાણો જપ્ત કર્યા
  • ટેકરી ચોક ફાયર સ્ટેશન સામે દબાણોથી રસ્તો દબાઈ ગયો હતો, લોકો બેકાબુ થતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ

શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં થયેલા કાચા પાકા બાંધકામના દબાણોને કારણે રોડનો ભાગ પણ દબાઈ ગયો હતો જેથી આજે એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કરતાં સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને રહીશોના આક્રોશને કારણે વાતાવરણ તંગ બની ગયુ હતું. તંગ વાતાવરણ વચ્ચે કોર્પોરેશન દ્વારા 31 બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું.

પ્રભુદાસ તળાવ ટેકરી ચોક ફાયર સ્ટેશનની સામે રોડને દબાવીને કરેલા બાંધકામો હટાવવા જતાં સ્થાનિક રહી સોના ટોળા ઉમટ્યા હતા. ઘણા રહીશોના આખા મકાન રસ્તામાં આવતા હતા જ્યારે ઘણાના ટોયલેટ બાથરૂમ સહિતના બાંધકામો પણ રસ્તા પર હોવાથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું હતું.

પરંતુ દબાણકારો દ્વારા જ સામસામા આક્ષેપો થતા અને તંત્ર દ્વારા વહાલા દવલાની નીતિ અપનાવતા હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. વાતાવરણ તંગ બની જતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. તેમજ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પૂર્વ નગર સેવકો સહિતના પણ સ્થળ પર આવી ગયા હતા. તંગ વાતાવરણ વચ્ચે 31 જેટલા પાકા બાંધકામોના દબાણો દૂર કર્યા હતા.

સ્ટેશન રોડ પરથી બે કાઉન્ટર જપ્ત કરી પાર્ક કરેલા એક ટુ વ્હીલર અને એક ફોર વ્હીલરને લોક કરેલા હતા અને 2000 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો. તેમજ કુંભારવાડા કોર્પોરેશનના પ્લોટ માં રાખેલા સામાન અને ફોર વ્હીલરને ખાલી કરાવ્યો હતો. જ્યારે હેવમોર ચોક પાસેથી 2 લારીઓ જપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...