તપાસ:GST કૌભાંડમાં ભૂરો, દેવાંશુ પાંચ દિવસના રીમાન્ડ ઉપર

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂરાના રોડબિલના કામકાજની સમગ્ર રાજ્યમાં તપાસ
  • 3 વર્ષથી રોડ બિલના કરવામાં આવી રહેલા કામ GST તંત્રની નજરે કેમ ચડ્યા નહીં...?

જીએસટીના બોગસ બીલીંગનો ધંધો કરતી ગેંગને ભાવનગર એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડે ઝડપી લીધી હતી. દરમિયાન બે શખ્શોને કોર્ટ સમક્ષ રજૂ કરાતા તેઓના 5 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓ સમગ્ર રાજ્યમાં રોડ-બિલના કામ કરતા હોવાથી રીમાન્ડમાં ચોંકાવનારી માહિતીઓ બહાર આવવાની શક્યતા અધિકારીઓએ વ્યક્ત કરી છે.3 વર્ષથી રોડ બિલના ગેરકાયદે કામ સાથે ભેજાબાજો સંકળાયેલા હતા છતા અત્યાર સુધી જીએસટી વિભાગ દ્વારા તેઓની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાથી, રીમાન્ડ દરમિયાન જીએસટી અધિકારીઓ સાથેની સાંઠગાંઠ અંગે પણ પુછપરછ કરવામાં આવનાર છે.

અમદાવાદ હાઇ-વે નિરમા પાટીયા પાસે વાહન ચેકિંગમાં લોખંડના સળીયા ભરેલા બે શંકાસ્પદ ટ્રકોને રોકીને ચેક કરાતા અને જીએસટી પાસે બિલો ચેક કરાવાતા આ બિલો બનાવટી અને ખોટા હોવાનું જણાયું હતુ. આ ગુન્હા સબબ આરોપી મૃગેશભાઇ ઉર્ફે ભુરો હસમુખભાઇ અઢીયા તથા દેવાંશુ બિપીનભાઇ ગોહેલની ધરપકડ કરાઇ હતી. બાદમાં કોર્ટે 5 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.

ભૂરો રોડબિલ ગેરરીતિ ઉપરાંત 4 વર્ષથી શ્રોફનું કામકાજ પણ સંભાળતો હતો અને તેના પુરાવા મળી આવ્યા છે. ભૂરાના શ્રોફ સાથે જે લોકોના આર્થિક વ્યવહારો જણાઇ આવશે તે તમામ લોકોની પણ જીણવટભરી તપાસ કરવામાં આવનાર છે.આમ છેલ્લા ત્રણ વર્ષથી રોડના કામકજાો થતા હતા જેમાં ગેરકાયદેસર બિલીંગ ચાલતુ હતુ છતાં GST વિભાગ દ્વારા તે કેમ નજરે ન ચડ્યું અને કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તે પ્રશ્ન સૂચવે છે કે આ મામલે તંત્ર અને આરોપી વચ્ચે સાંઠગાંઠ હોઈ શકે છે તેમાં તપાસ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...