ભાવનગર હત્યા અને આપઘાત કેસ:સાળાએ મૃતક બનેવી સામે બહેન અને બે ભાણેજને રિવોલ્વરથી ગોળી મારી હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. - Divya Bhaskar
પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
  • સાઢુભાઈ યશવંતસિંહ રાણા સાથે તેમને ભાગીદારીમાં કોઈ ધંધો હતો અને એ બાબતે મનદુ:ખ થયું હોવાની ચર્ચા

ભાવનગરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા નિવૃત્ત Dyspના પુત્ર પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ ગઈકાલે પોતાના ઘરે પત્ની, 2 પુત્રી અને શ્વાનને પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી હત્યા કર્યા બાદ પોતાને પણ ગોળી મારી આપઘાત કરી લેતાં તમામનાં મોત નીપજ્યાં હતાં. આ મામલે મૃતક પ્રદ્યુમનસિંહ ઉર્ફ પૃથ્વીરાજસિંહ સામે સાળાએ બહેન અને બે ભાણેજની ગોળી મારી હત્યા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

5.39 વાગે ગ્રુપમાં પરિવાર સાથે આત્મહત્યા કરું છુંનો મેસેજ મૂક્યો હતો
મૃતક પ્રદ્યુમનસિંહ ઉર્ફ પૃથ્વીરાજસિંહના સાળા સુખદેવસિંહ વનરાજસિંહ ગોહિલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પોતાના મૃતક બનેવી પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના ઘરે હતા. ત્યારે સાંજના 5:39 મિનિટે તેમના મોબાઈલમાં ભાઈ-બહેનોના પારિવારિક ગ્રુપમાં બનેવી પૃથ્વીરાજસિંહ જાડેજાએ લખાણવાળો ફોટો મૂક્યો હતો, જેમાં હું મારા સમગ્ર પરિવાર સાથે આત્મહત્યા કરું છું, દરવાજો ખુલ્લો છે તેવું લખ્યું હતું. બાદમાં સુખદેવસિંહ તરત વિજયરાજનગરના તેમના ઘરે દોડી ગયા અને જોયું તો બનેવી પૃથ્વીરાજસિંહ સોફા પર મૃત હાલતમાં હતા અને તેમના હાથમાં રિવોલ્વર જોવા મળી હતી.

મૃતક પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહના ઘરની તસવીર
મૃતક પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહના ઘરની તસવીર

સામૂહિક આપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રસોડાની ગેલેરીમાં મારાં બહેન બીનાબાની ડેડબોડી જોવા મળી હતી, જેથી બીજા માળે તપાસ કરવા જતાં નંદિનીબા (ઉં.વ.19) અને યશસ્વીબા બંને ભાણીબાની ડેડબોડી જોવા મળી હતી. નીચેના રૂમમાં શ્વાનને પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાનું જોવામાં મળ્યું હતું. બનેવી પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહ જાડેજાએ કોઈપણ કારણોસર મારાં બહેન અને બન્ને ભાણીબાને રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી મોત નીપજાવી તેમણે પણ એ જ હથિયારથી આત્મહત્યા કરી લીધી છે. હાલ તો પોલીસે ફરિયાદ પરથી તપાસ હાથ ધરી છે. જોકે હત્યા અને આત્મહત્યા કરવા પાછળનું કારણ શું છે એ હજુ સુધી બહાર આવ્યું નથી.

બુધવારે સાંજે સામૂહિક આપધાતની ઘટના બની હતી
આત્મહત્યા કરતાં પહેલાં પૃથ્વીરાજસિંહે મિત્રોને મેસેજ કર્યા હતા. ઘટનાની વિગત અનુસાર વિજયરાજનગર વિસ્તારમાં નિવૃત્ત DYSP નરેન્દ્રસિંહ બી. જાડેજાના પુત્ર પુથ્વીરાજસિંહ ઉર્ફે પદ્યુમનસિંહે (ઉં.વ.36)એ બુધવારે મોડી સાંજે લગભગ 5.34 વાગે તેમના મિત્રો તથા સગાં-વહાલાંઓને મોબાઇલમાં મેસેજ કર્યો હતો કે પોતે પોતાના પરિવાર સાથે સુસાઇડ કરે છે. ઘરનાં બારણાં ખુલ્લાં છે તેવો મેસેજ વાઇરલ કરી બંગલામાં ઉપરના માળે રહેલી તેમની મોટી દીકરી નંદિનીબા (ઉં.વ.15 ) તથા નાની દીકરી યશસ્વીબા (ઉ.વ.11)ને માથાના ભાગે ગોળી મારી, પછી મકાનના નીચેના ભાગે આવી તેમનાં પત્ની બીનાબા (ઉં.વ.આશરે 33 )ને પણ માથાના ભાગે ગોળી મારી નજીકના બેડરૂમની પાછળ રહેલા પોતાના પાલતુ શ્વાનને પણ ગોળી મારી તમામની હત્યા કરી પોતે હોલમાં સોફા પર બેસી લમણે ગોળી મારી દેતાં તમામનાં મોત નીપજ્યાં હતાં.

આર્થિક સંપન્ન પૃથ્વીરાજને સાઢુ સાથે મનદુ:ખ હતું
જાળિયાના જમાઈ પૃથ્વીરાજસિંહનું કુટુંબ આર્થિક રીતે સંપન્ન હોવાનું કહેવાય છે. તેમના વતનમાં વિશાળ જમીન પણ છે. તેમના સાઢુભાઈ યશવંતસિંહ રાણા સાથે તેમને ભાગીદારીમાં કોઈ ધંધો હતો અને એ બાબતે મનદુ:ખ થયું હોવાની ચર્ચા છે. આપઘાત ક્ષણિક આવેશમાં આવીને કરાયો હશે, પણ પોતાની ફૂલ જેવી માસૂમ બે દીકરી અને પત્નીને ગોળી મારતાં પૃથ્વીરાજસિંહનો જીવ કેમ ચાલ્યો હશે ? તેની લોકોમાં ચર્ચા છે.

(ભરત વ્યાસ-ભાવનગર)