વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય આગેવાનોની ખેંચતાણ શરૂ થઇ જાય છે. તેવી જ રીતે ભાવનગર જિલ્લામાં પણ તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરીયા ભાજપમાં જોડાવાની અફવા ઉડી છે ત્યારે બન્ને કનુભાઈએ કોંગ્રેસ પક્ષમાં જ રહેવા અને ભાજપમાં નહીં જોડાવાની સ્પષ્ટતા કરી હતી.
ભાવનગર સહિત રાજ્યભરમાં વિધાનસભાની ચુંટણીનો ગરમાવો શરૂ થયો છે. અને રાજકીય આગેવાનો પણ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવાની ઘટનાઓ સહજ બની છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કોંગ્રેસને છોડી ભાજપમાં જોડાતા હોવાના સમાચાર બાદ કોંગ્રેસપક્ષે આજે જાહેરમાં બંને પાસે કોંગ્રેસ નહી છોડતા હોવાની જાહેરાત કરાવી હતી.
આજે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજેલી પત્રકાર પરિષદમાં કનુભાઈ કળસરીયાએ જણાવ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાવાના હોવાની વારંવાર સોશિયલ મિડીયામાં પણ અફવા ફેલાતી હોય છે પરંતુ અમે કોંગ્રેસ પક્ષ છોડીને કોઈ અન્ય પક્ષમાં નહીં જવાનું જણાવ્યું હતું. તેવી જ રીતે કનુભાઈ બારૈયાએ પણ વારંવાર આવા ખોટા પ્રચાર થતાં રહે છે. કોંગ્રેસ આઝાદી લાવનાર પક્ષ છે. અમે વિદ્યાર્થી કાળથી કોંગ્રેસના સૈનિકો છીએ. જેની સાથે જોડાયેલા જ રહેવાના હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.