રાજનીતિ:ગઢડાની પેટા ચૂંટણી પૂર્વે બોટાદ જિલ્લા ભાજપમાં જુથવાદ, મહામંત્રીએ જિલ્લા ભાજપ પ્રમુખ સામે મોરચો માંડ્યો

ભાવનગર2 વર્ષ પહેલા
બોટાદ જિલ્લા ભાજપના મહામંત્રી છનાભાઈ તુલસીભાઈ કેરાળીયા
  • બોટાદ જિલ્લા ભાજપના મહામંત્રી છનાભાઈ તુલસીભાઈ કેરાળીયા આજે ગઢડા આવ્યા હતા

ગઢડાની પેટા ચૂંટણી પૂર્વે બોટાદ જિલ્લા ભાજપમાં જુથવાદ, મહામંત્રીએ જિલ્લા ભાજપ પ્રમુખ સામે મોરચો માંડ્યો છે. બોટાદ જિલ્લા ભાજપના મહામંત્રી છનાભાઈ તુલસીભાઈ કેરાળીયા આજે ગઢડા આવ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી મને અને અમારા કોળી સમાજને અન્યાય કરી રહ્યા છે. 4 જુલાઇના રોજ ગઢડા ખાતે સંકલનની બેઠક હતી. તેમાં મને આમંત્રણ ન હતું. જેથી મેં બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી અમોહભાઈ શાહને રજૂઆત કરતાં તેમણે સુરેશગોધાણીને આ બાબતે પૂછતા તેમણે મેં નથી બોલાવ્યા તેવું કહ્યું હતું.  

સુરેશ ગોધાણી પાર્ટીમાં પોતાની રીતે નિર્ણય કરી રહ્યા છે
સુરેશ ગોધાણી પાર્ટીમાં પોતાની રીતે નિર્ણયો કરી રહ્યા છે અને વારંવાર અપમાનિત કરતાં હોય છે. કોળી સમાજને અંદરોઅંદર સામસામા કરી ભાંગલા કરો અને રાજ કરોની નીતિ સુરેશ ગોધાણી અપનાવી રહ્યા છે. સુરેશ ગોધાણી પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે. છનાભાઈ કેરાળીયા કોળી સમાજના શરણે પહોંચ્યા છે અને સમાજમાં બેઠકો યોજી રહ્યા છે. પેટા ચૂંટણી પહેલા બોટાદ જિલ્લા ભાજપનો જુથવાદ સપાટી પર આવ્યો છે. ભાજપમાં થયેલા જુથવાદને કારણે પેટા ચૂંટણીમાં અસર પહોંચાડે તેવું અનુમાન રાજકીય વર્તુળોમાં મુકાઈ રહ્યું છે.
(ભરત વ્યાસ, ભાવનગર)