અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તા. 6 જાન્યુઆરીને શુક્રવારથી ગુજરાતનું 54મું પ્રદેશ અધિવેશન ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, ભાવનગર ખાતે આરંભાશે. તા. 6 થી 8 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ પ્રદેશ અધિવેશનમાં શુક્રવારે બપોરે ત્રણ કલાકે ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ અધિવેશનમાં ગુજરાત પરના વિવિધ જિલ્લાઓમાંથી 1000 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ ભાગ લેવાના છે.
આ અધિવેશનમાં વિવિધ ભાષણ સત્રો યોજાશે જેમાં સ્વરોજગાર, સ્ટાર્ટઅપ, ઇનોવેશન જેવા વિષયો પર પ્રોત્સાહન મળે તે હેતુથી સ્વાવલંબી ભારત પર તથા યુવાનોના વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર નિર્માણ ઉપરાંત નેરેટીવ બિલ્ડીંગ, રાજ્યની સમુદ્રી સીમાની સુરક્ષા, વધતા જતા ડ્રગના દુષણને દૂર કરવા વિશે ચિંતન, રાષ્ટ્રીય શિક્ષણનીતિ તથા સોશિયલ મીડિયાનો પ્રભાવ જેવા વિષયો પર ચર્ચા સાથેના સત્રો યોજાશે.
આ અધિવેશનનો આરંભ આજે સાંજે પ્રદર્શનીની ઉદ્ઘાટન સાથે થયો જેમાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી પ્રતિક મહેતા અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા ડો.લક્ષ્મણભાઈ ભુતડીયા હાજર રહ્યા હતા. આ પ્રદર્શનીમાં સ્વાવલંબી ભારત, જી ટ્વેન્ટી વિશ્વનું પ્રતિનિધિત્વ કરતું ભારત અને ભાવનગરના ઐતિહાસિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક વાર્તા આધારિત સમગ્ર પ્રદર્શનની ભાવનગરની જાહેર જનતા માટે તારીખ 8 જાન્યુઆરી સુધી ખુલ્લી રહેશે.
આવતીકાલ તારીખ 6 જાન્યુઆરીને શુક્રવારે સવારે 9:00 કલાકે ધ્વજારોહણ થશે અને ત્યારબાદ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મંત્રી પદ ભારગ્રહણ કરશે શુક્રવારે બપોરે 3 કલાકે અધિવેશનનું ઉદ્ઘાટન સત્ર યોજાશે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણવિદ ડો. અનુપમા શુક્લા (ડાયરેક્ટર સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પ્રોદ્યોગિક સંસ્થાન), ડો. છગનભાઈ પટેલ (પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ એબીવિપી) અસ્તિત રહેશે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સત્ર સંબોધવામાં આવશે.
ત્યારબાદ અધિવેશનનો વિધિવત આરંભ કરવામાં આવશે. સાત જાન્યુઆરીના રોજ શોભાયાત્રા યોજાશે જેમાં દરેક જિલ્લાના પ્રતિનિધિ પારંપરિક વેશભૂષા ધારણ કરીને ભાગ લેશે અને શોભાયાત્રાના અંતે સહકારી હાટ ખાતે જાહેર સભા યોજાશે. અંતિમ દિવસે કારોબારીની ઘોષણા કરવામાં આવશે ત્યારબાદ સમાપન સત્ર યોજાશે. ત્રણ દિવસ દરમિયાન વિવિધ સત્રો, પ્રદર્શનની, શોભાયાત્રા, જાહેર સભા, શિક્ષણ અને સામાજિક પરિવર્તન હેતુથી આગામી વર્ષમાં દિશા પ્રદાન કરતા વિવિધ પ્રસ્તાવો પણ પાસ કરવામાં આવશે.
સ્થળોના નામકરણ
અધિવેશન જે સ્થાને યોજાયું છે તેને મહારાજા કૃષ્ણકુમારસિંહજી નગર નામ અપાયું છે. સભાગૃહનું નામ ગુરુ તેગ બહાદુરજી સભાગૃહ રાખવામાં આવ્યું છે જ્યારે પ્રદર્શનીનું નામ ગીજુભાઈ બધેકા અને ભોજનાલયનું નામ પૂજ્ય બજરંગદાસ બાપા ભોજનાલય રાખવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.