પોષણ યુક્ત અભિયાન:ભાવનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુખડી તુલા કરાઈ, આકર્ષક આંગણવાડી મોડેલનું લોકાર્પણ કર્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • સુખડીઓના બોક્ષ કુપોષિત બાળકોને અર્પણ કરવામાં આવ્યા
  • ગુજરાતને પોષણયુક્ત આહાર અભિયાન સહિતના વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા

ગુજરાતને પોષણ યુક્ત અભિયાન અંતર્ગત આજે ભાવનગરમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુખડી તુલા કરવામાં આવી હતી. ICU ON WHEEL તેમજ આરોગ્યના અનેક સાધનો સર.ટી.હોસ્પિટલ અને ભાવનગર મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યા હતા. તેનું તેમજ અધ્યતન આકર્ષક આંગણવાડી મોડેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતેના અટલ ઓડિટોરિયમમાં આજે ગુજરાતને પોષણયુક્ત આહાર અભિયાન સહિતના વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ડીજીટલ કાટા પર સુખડી તુલા કરવામાં આવી હતી. આ સુખડી તુલા બાદ સુખડીઓના બોક્ષ શાળાના ઓછા વજનવાળા કુપોષિત બાળકોને અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ આ સુખડી સગર્ભા મહિલાઓ અને સર.ટી.હોસ્પિટલની પ્રસૂતા વોર્ડમાં દાખલ મહિલાઓને પણ આપવામાં આવશે.

કોરોનાના કપરા કાળમાં કોરોનાના દર્દીઓને પડતી મુશ્કેલીઓ માટે સર.ટી.હોસ્પિટલમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી રૂ.1.5 કરોડના ખર્ચે શહેરની સૌ પ્રથમ ICU ON WHEEL VAN અને આરોગ્યસેવા માટે જરૂરી સાધનો સર.ટી.હોસ્પિટલ અને ભાવનગર મહાનગરપાલિકાને ફાળવ્યા હતા. તેમજ અદ્યતન આકર્ષક અને 14 લાખના ખર્ચે તૈયાર થયેલી મોડેલ આંગણવાડીનું ડિજિટલ લોકાર્પણ ઉપસ્થિત મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિભાવરીબેન દવે, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, મેયર, જિલ્લા ભાજપ પ્રમુખ, કલેકટર, સ્ટેન્ડિંગ ચેરમેન, સંગઠનના હોદ્દેદારો, સર.ટી.હોસ્પિટલના ડીન અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં ભાજપના ભાઈઓ-બેહનો કાર્યકરો શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ પાટીલે કાર્યકર્તાઓને જણાવતા પ્રવચનમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે વિધાનસભા ચૂંટણીને લઈને જે 40 અઠવાડિયા આપવામાં આવ્યા હતા જેમાં હવે માત્ર 25 અઠવાડિયા જ બાકી છે ત્યારે કાર્યકરોને કામે લાગી જવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...