ખાતમુહૂર્તની ઔપચારિક્તા:ભાજપ કાર્યાલયનો વેરો બાકી, લાઈટ કટ્ટ થઈ હતી નવા કાર્યાલયના ભૂમિપૂજનના 4 વર્ષ બાદ ખાતમુહૂર્ત

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ભાજપના માલિકીના કાર્યાલયના અભાવે માલિકી અને મિલકત વેરાના ઉભા થયા હતા વિવાદો
  • નારી ચોકડી પાસે જિલ્લા ભાજપ કાર્યાલયના ખાતમુહૂર્ત પ્ર્સંગે 5 મહિનામાં લોકાર્પણની પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલની ખાત્રી

ભાવનગર જિલ્લા ભાજપનું પોતાનું કાર્યાલય નહીં હોવાથી હવે માલીકીના કાર્યાલય માટે વરતેજ નારી ચોકડી પાસે વિશાળ જગ્યામાં બિલ્ડીંગ બનાવાશે. જેની માટે ચાર વર્ષ પૂર્વે ભાજપ કાર્યાલય બનાવવા તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના હસ્તે ભૂમિપુજન કર્યું હતું અને ચાર વર્ષ બાદ આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષના હસ્તે ખાતમુહૂર્તનું મુહૂર્ત આવ્યું હતું. ત્યારે ભાજપ કાર્યાલયનું લોકાર્પણ પાંચ મહિના પછી કરવાની ભાજપના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કાર્યકર્તાઓને પણ ગળે ઉતરતી ના હતી. પરંતુ હાલમાં શહેરના કેસરીનંદન કોમ્પલેક્ષ ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલયનો છેલ્લા છ વર્ષનો મિલકત વેરો પણ બાકી છે.

જેની માટે જપ્તિની નોટીસ પણ કઢાઈ હતી. તદુપરાંત ચારેક મહિના પહેલા લાઈટ બીલ નહીં ભરતા વીજ જોડાણ પણ કપાઇ ગયું હતું ત્યારે આગામી દિવસોમાં નવુ કાર્યાલય નિર્માણ પામશે તો આ બધી ઉપાધીમાંથી ભાજપ બહાર આવશે. ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની માલિકીના બિલ્ડિંગમાં કાર્યરત નથી. કોઈવાર માલિકી તો કોઈવાર મિલકતવેરાના વિવાદો પણ ઊભા થયેલા છે. કોર્પોરેશન સામાન્ય કરદાતાનો વેરો બાકી હોય તો સીલીંગની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જિલ્લા ભાજપ કાર્યાલયનો છ વર્ષનો મિલકત વેરો બાકી હોવા છતાં માત્ર નોટીસો જ અપાય છે.

પરંતુ હવે નિશ્ચિત કર્યું હોય તેમ વરતેજ નારી ચોકડી પાસે નાના ખોડીયાર મંદિર નજીક વિશાળ જગ્યામાં જિલ્લા ભાજપ કાર્યાલય બનાવવામાં આવશે. ભાજપમાંથી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થતાં હોય છે તેમાં પણ ખાતમુહૂર્ત થયાના વર્ષો બાદ પણ લોકાર્પણના મુહૂર્ત આવતા નથી. ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલયનું આજે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ અન સ્થાનિક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

પરંતુ ચાર વર્ષ પૂર્વે વર્ષ 2018 માં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ જ્યારે ભાવનગર આવી નેશનલ હાઈવેનું ખાતમુહૂર્ત કર્યું હતું તત્કાલીન સમયે તત્કાલિન મુખ્યમંત્રી રૂપાણી અને તત્કાલીન ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણીના હસ્તે આ જમીન પર જિલ્લા ભાજપ કાર્યાલયનું ભૂમિપૂજન કરાયું હતું. ભૂમિપૂજન ના ચાર વર્ષ બાદ ખાતમુહૂર્તનું મુહૂર્ત આવ્યું છે. ત્યારે આજે કાર્યક્રમ દરમ્યાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટિલ દ્વારા આગામી 1લી મે 2022ના રોજ જિલ્લા ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જિલ્લા ભાજપ કાર્યાલયના કન્સ્ટ્રકશનની જવાબદારી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ટી.એમ.પટેલને સોંપવામાં આવી છે.

લ્યો બોલો કોર્પો. બિલ્ડીંગનું રિનોવેશનનું પણ ખાતમહૂર્ત
મહાનગરપાલિકાના મુખ્ય ઓફિસ બિલ્ડીંગના 50 લાખના ખર્ચે રીનોવેશનના કામ માટે મેયર, સ્ટેન્ડિંગના ચેરમેનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલુ હતું. આજ સુધીના નવા કામ માટેના ખાતમુહૂર્ત યોજાતા હતાં પરંતુ હવે રિનોવેશનના ખાતમુહૂ્ર્ત થવા લાગ્યા છે.

વાઘાણી ભાજપના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ભૂમી પુજન અને મંત્રી બન્યા ત્યારે ખાતમુહૂર્ત
ભાજપ દ્વારા એક ના એક વિષય વસ્તુને જુદા જુદા નામે પ્રસિદ્ધ મેળવતા હોય તેમ વરતેજ નારી ચોકડી પાસે જિલ્લા ભાજપ કાર્યાલયનું અાજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને તે જ જમીનનું ચાર વર્ષ પૂર્વે ભૂમિપુજન કરાયું હતું. વાસ્તવમાં સહજ રીતે બન્ને એક જ થાય છે. છતાં ભાજપ દ્વારા જુદા જુદા નામે કર્યા. ભાવનગરના ધારાસભ્ય અને શિક્ષણના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતમાં આજે ખાતમુહૂર્ત કરાયું હતું અને જ્યારે જીતુભાઈ વાઘાણી ભાજપના પ્રદેશ પ્રમુખ હતાં ત્યારે આ જ ભાજપ કાર્યાલયનું ભૂમીપુજન તેઓની ઉપસ્થિતમાં કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...