ભાવનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરો દ્વારા એક નવતર અને આશ્ચર્ય જનક કાર્યક્રમ થકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં માધવપુરના મેળામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કૃષ્ણ અને સુભદ્રાને પતિ-પત્ની તરીકે દર્શાવવાને લઈ તેમની આધ્યાત્મિક જ્ઞાનની ઉણપ હોવાથી તેમનાં માટે આપ દ્વારા શ્રીમદ્દ ભાગવતગીતા સાથે યાદશક્તિ નિ વૃદ્ધિ માટે બદામની ભેટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ માટે આપવા પહોંચ્યા હતા.
તાજેતરમાં માધવપુર ધેડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપવા આવેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પોતાના વક્તવ્યમાં ભાંગરો વાટ્યો હતો. જેમાં ભગવાન શ્રી કૃષ્ણની પત્ની તથા બહેનના નામ વચ્ચે પ્રદેશ પ્રમુખને અસમંજતા સર્જાતાં ભારે ચકચાર મચી હતી. આ મુદ્દો ચર્ચાના એરણે ચડ્યો હતો. ત્યારે આ મુદ્દાને લઈને ભાવનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ મહિપાલસિંહ ઝાલા તથા કાર્યકરો દ્વારા પ્રદેશ ભાજપા પ્રમુખે વાટેલા ભાંગરા મુદ્દે અનોખો વિરોધ સાથે આશ્ચર્ય જનક કાર્યક્રમ યોજ્યો હતો.
આપના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા પ્રદેશ પ્રમુખને આધ્યાત્મિકતાની સાચી સમજ મળે અને ઉંડુ આધ્યાત્મિક બળ મળે સાથે રાજનીતિના પાઠ પણ શિખી શકે એ માટે શ્રીમદ્દ ભગવતગીતા નુ પુસ્તક સાથે પ્રદેશ પ્રમુખની બુદ્ધિ ક્ષમતામાં વૃદ્ધિ થાય અને સાચું જ્ઞાન યાદ રહે એ માટે બદામનું પાઉચ આ બંને વસ્તુઓની ભેટ લઈને ભાવનગર શહેર ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતાં. જયાં પ્રદેશ પ્રમુખ માટે શહેર ભાજપના પ્રમુખ રાજીવ પંડ્યાએ ભગવતગીતા તથા બદામનું પાઉચ સહર્ષ સ્વીકાર્યું હતું. જોકે, રાજ્યમાં આપ દ્વારા અગાઉ ઘટેલી ઘટનાને પગલે સતર્ક થઈને ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલયે પોલીસના ધાડેધાડા બંદોબસ્ત માટે અગાઉથી જ ઉતારી દિધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.