ત્રિપાંખીયા જંગ:ત્રિપાંખીયા જંગમાં ભાજપ રિસ્ક લેવા માંગતું નથી, 5ને રીપીટની શક્યતા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વમાં બ્રાહ્મણ મહિલા ઉમેદવારને જ પ્રાધાન્ય, પશ્ચિમ, ગ્રામ્ય, ગારીયાધાર, મહુવામાં ધારાસભ્યોને તક બળવતર

વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થતા ત્રિપાંખીયા જંગને કારણે ભાજપ ઉમેદવારોમાં પણ મોટું રિસ્ક નથી લેવા ખાતર મહત્તમ ઉમેદવારોને રીપીટ કરવાના મૂડમાં હોવાનું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે ભાવનગરમાં સાત પૈકી ચાર થી પાંચ બેઠકો પર સીટિંગ ધારાસભ્યોને ઉમેદવાર તરીકે ઉભા રાખી શકે.

ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ભાજપના નિરીક્ષકો દ્વારા દાવેદારી અને સેન્સ લેવાના બહાના તળે ભાજપના આગેવાનો કાર્યકરોની હૈયા વરાળ બહાર લાવ્ય‍‍ા હતા. પરંતુ ભાજપના સિનિયર આગેવાનો તેમજ સક્રિય કાર્યકર્તાઓની રજૂઆતો નિરર્થક સાબિત થનાર હોય તેમ ભાજપ પક્ષ હાલમાં મોટાભાગના ધારાસભ્યોને રીપીટ કરવાના મૂડમાં હોય તેવું જાણવા મળી રહ્યું છે.

વિધાનસભા બેઠકોની દાવેદારોની પેનલ બનાવી મુખ્યમંત્રી અને સી આર પાટીલ દિલ્હી પહોંચ્યા છે અને ભાજપ કોર કમિટીની બેઠકમાં ઉમેદવારોની ચર્ચા બાદ કેન્દ્રીય સંસદીય દળની બેઠકમાં ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર લગાવવાશે. અને ગુરુવારે પ્રથમ તબક્કાની ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.

પરંતુ જો અને તો સાથે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી ચારથી પાંચ બેઠકો પર સીટિંગ ધારાસભ્યોને રીપીટ કરવામાં આવનાર હોવાનું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. તે મુજબ ભાવનગર પૂર્વમાં બ્રહ્મ સમાજમાંથી મહિલા ઉમેદવાર પર પસંદગી ઉતારાશે જેમાં વિભાવરીબેન દવે અથવા તો અન્ય બ્રહ્મ સમાજની મહિલાને તક આપવામાં આવશે.

જ્યારે ભાવનગર પશ્ચિમમાં જીતુભાઈ વાઘાણીને રીપીટ કરવાની પ્રબળ શક્યતા છે. સાથોસાથ ક્ષત્રિય સમાજમ‍ાંથી પણ ઉમેદવાર માટે તાકાત લગાવી રહ્યા છે. તેમજ ભાવનગર ગ્રામ્યને ડિસ્ટર્બ નહીં કરી પુરુષોત્તમભાઈ સોલંકીને રીપીટ કરાશે. મહુવામાં આર.સી.મકવાણા અને ગારીયાધારમાં કેશુભાઈ નાકરાણીને વધુ એક તક આપવામાં આવનાર હોવાનું તેમજ પાલીતાણામાં ભીખાભાઈ બારૈયા અને મહેન્દ્રસિંહ સરવૈયા વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે.

તળાજામાં ગત ટર્મમાં હાર્યા બાદ પણ વધુ એક ચાન્સ ગૌતમ ચૌહાણને આપી શકે અથવા તો કોળી સમાજમાંથી અન્ય આગેવાનને મેદાનમાં ઉતારી શકે છે. દિલ્હીમાં હાલમાં ઉમેદવારોને લઈ ગહન ચર્ચાઓ થઈ રહી છે. ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં 40 થી વધુ ધારાસભ્યો કપાવાની શક્યતા વચ્ચે કોની ટિકિટ કપ‍ાશે અને કોને ફરી પ્રજાનો વિશ્વાસ સ્થાપિત કરવાની તક આપવામાં આવશે તેની પર સૌની મીટ મંડાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...