પાણી માટે પાણીદાર રાજકારણ:પાણી માગવા ગયેલા ભાજપના નગરસેવકોને તંત્રએ પાણી દેખાડતા મામલો રાજીનામા સુધી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઉનાળાની વિદાયવેળાએ વિવાદો
  • પાણી પ્રશ્ને વડવા-બ વોર્ડના નગરસેવિકાના ઘરે ગયેલા મહિલાઓને પડોશીએ આપી ભડાકે દેવાની ચિમકી
  • પાણીના પ્રશ્ને ડેલીગેશન સાથે ગયેલા નગરસેવકોની હાજરીમા ગેરવ્યાજબી વ્યવહારથી હોબાળો, અંતે સમાધાનકારી નિવેડો

ભાવનગર શહેરમાં ઉનાળાની વિદાય વેળા પીવાના પાણીના વિવાદો ઉભા થયા છે. ભાવનગરના પ્રજાની માંગ પ્રમાણે રો વોટર તો પુરતા પ્રમાણમાં મળી રહે છે પરંતુ વારંવારના વીજકાપ અને લોપ્રેશરને કારણે લોકો પાણી માટે તોબા પોકારી ગયા છે. અને જેઓના પાણીના ગરમાવાને ટાઢા પાડવાને બદલે વધુ ઘેરા બનાવવામાં આવતા હોવાના બનાવો બની રહ્યા છે.

એક જ અઠવાડિયામાં બે ઘટના એવી બની છે કે, બાનુંબેનની વાડી વિસ્તારમાંમાં પાણી માટે રજૂઆત કરવા ગયેલા મહિલાના ટોળાને કોર્પોરેટરના પડોશીએ ભડાકે દેવાની ધમકી આપી તો કરચલીયાપરા વિસ્તારમાં પાણી પ્રશ્ને તંત્રના અસહકારભર્યા વલણને કારણે ભાજપના જ નગરસેવકો રાજીનામા સુધી પહોંચી ગયા હતાં.

મોટાભાગના વિસ્તારમાં પાણીની વર્ષો પહેલા ઉનાળામાં પડતી હાડમારી સહન કરવી પડી ના હતી. પરંતુ તેમ છતાં ખાસ કરીને પછાત વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી જ હતી. ઘણાં વિસ્તારમાં તો આવા આકરા ઉનાળામાં પણ બબ્બે ત્રણ ત્રણ દિવસ સુધી પાણી આવતું ના હતું, તો ઘણાં વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદ લાંબો સમય સુધી નિવારી શક્ય‍ ના હતાં. પરંતુ શહેરના રૂવાપરી રોડ પર ગણેશનગર, ગેડીવાળો ખાચો સહિતના વિસ્તારમાં તો છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની ભારે મુશ્કેલી પડી રહી છે.

અઠવાડિયામાં બે-ચાર દિવસ તો પાણી જ આવ્યું ન હોવાથી આ વિસ્તારનું ડેલિગેશન કોર્પોરેશન ખાતે વોટર વર્કસ વિભાગમાં રજૂઆત માટે પહોંચ્યું હતું. સાથે આ વિસ્તારના ભાજપના નગરસેવકો પણ સાથે ગયા હતાં. પરંતુ અધિકારી દ્વારા સંતોષકારક જવાબ નહી આપતા તેમજ વેરા નહીં ભરતા હોવા અને મફતીયા શબ્દ પ્રયોગ કરતા નગર સેવકો પણ ગીન્નાઈ ગયા હતા અને રોષે ભરાયેલા નગરસેવકો મેયર પાસે દોડી ગયા હતા.

તંત્રવાહકો દ્વારા ભાજપના જ નગર સેવકો સાથે અસભ્યભર્યું વલણ દાખવતા મામલો બિચક્યો હતો અંતે મેયર, ચેરમેન અને કમિશનરની દરમિયાનગીરીથી સમાધાનકારી નિવેડો લાવ્યા હતા. જોકે ત્યારબાદ આ વિસ્તારમાં પાણીના પ્રશ્નમાં પણ રાહત થઈ ગઈ હતી. તેવી જ રીતે કુંભારવાડા ભાનુબેનની વાડી શેરી નંબર 6 વિસ્તારમાં પાણીના પ્રશ્ને મહિલાઓ થાળીઓ વગાડતી વડવા- બ વોર્ડના નગરસેવિકાના ઘરે જતાં નગરસેવિકા તો ઘરે ના હતી પરંતુ પડોશી દ્વારા ચાલ્યા જાવ નહીં તો ભડાકે દેવાની ધમકી આપી હતી. આમ પાણી માટે ભારે વિવાદો સર્જાઈ રહ્યા છે.

વીજકાપથી પાણીકાપ લોકોને બન્ને તરફ હાડમારી
આ વર્ષે પાણીના જથ્થામાં રાહત છે તો વીજ ઝટકાએ હેરાનગતિ કરી છે. આ બે મહિના દરમિયાન વારંવાર મેન્ટેનન્સના નામે વીજકાપ લાદવામાં આવે છે જેને કારણે તે વિસ્તારમાં પાણી વિતરણ થઈ શકતું નથી. જેથી લોકો પાણી વિહોણા રહે અને વીજ વગર પરસેવે રેબઝેબ થાય છે.

લોકો પાણીની રજૂઆત લઇ આવ્યા હતાં પ્રશ્ન હલ થયો
શહેરના રૂવાપરી રોડ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન લઈ આવ્યા હતાં સાથે કોર્પોરેટરો પણ હતાં. વીજકાપને કારણે પાણી વિતરણ થઈ શકતું ના હતું. તેમજ અન્ય સમસ્યા હતી તે પણ હલ થઈ ગઈ છે. હવે કોઈ પ્રશ્ન રહ્યો નથી. - સી.સી. દેવમુરારી, કાર્યપાલક ઇજનેર વોટર વર્કસ

પાણી પ્રશ્ને રોષ હતો, કોઇએ રાજીનામા નથી આપ્યા
રૂવાપરીરોડ પર પાણીનો પ્રશ્ન હતો. રજૂઆત લઇ અધિકારી પાસે ગયાં હતાં. કદાચ વ્યવસ્થિત પ્રત્યુત્તર નહીં મળતા નગર સેવકોમાં નારાજગી હતી. પરંતુ કમિશનર સહિતનાની દરમિયાનગીરીથી ઉકેલ આવી ગયો છે. કોઈએ રાજીનામા નથી આપ્યા. - કીર્તિબેન દાણીધારીયા, મેયર

અન્ય સમાચારો પણ છે...