એનાલિસિસ:પૂર્વ વિધાનસભામાં લઘુમતી વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ લગોલગ તો પોશમાં ભાજપ ખાસ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્ઞાતિનું સમીકરણ, ભાજપ કાર્યકરોની નારાજગીની કોઈ અસર નહી
  • ભરતનગર​​​​​​​, તળાજા રોડ તેમજ કણબીવાડમાં પણ કોંગ્રેસ કરતા આપના ઉમેદવારના મત વધુ, કોંગ્રેસના પોકેટ વિસ્તાર આનંદનગર ખેડૂતવાસમાં કોંગ્રેસને પડ્યો ફટકો

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક ભાજપ માટે સિક્યોર બેઠક છે. જે આ વખતે ચૂંટણીમાં પણ સાબિત થઈ ગયું છે. તેમજ ગત ચૂંટણી કરતાં આ વખતે ભાજપના ઉમેદવારને પોણા ત્રણ ગણા મત મળ્યા છે. ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો તેમજ બ્રહ્મ સમાજની ચૂંટણી સમયેની નારાજગીની મતદાન પર કોઈ અસર દેખાય નહીં. આ તમામ પરિબળો વચ્ચે લીડ ઘટવાને બદલે વધી ગઈ હતી. જ્ઞાતિનું સમીકરણ પણ કોઈ અસર કરી શક્યું નહોતું. ઉમેદવાર કે પક્ષને બદલે આ બેઠક પર પણ મોદીનો જાદુ જ ચાલી ગયો હતો.

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા સભા સરઘસો અને પ્રચાર પ્રસાર માટે અન્ય બેઠકોની સરખામણીમાં ઘણો જ ઓછો ખર્ચ કર્યો હતો. પૂર્વ વિધાનસભાના મુખ્ય વિસ્તારો પૈકી મહાનગરપાલિકામાં નવા ભળેલા રૂવા, તરસમીયા, માલણકા અને અકવાડામાં ભાજપના ઉમેદવારને 8,970, કોંગ્રેસના ઉમેદવારને 4,328 અને આપના ઉમેદવારને 1598 મત મળ્યા હતા.કોંગ્રેસના પોકેટ ગણાતા વિસ્તારો જેવા કે આનંદનગર, ખેડૂતવાસ, નવા બંદર રોડ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને માત્ર 1505 મત અને ભાજપના ઉમેદવારને 7,522 મત મળ્યા હતા. આપના ઉમેદવારને 1112 મત મળ્યા હતા. તેવી જ રીતે જ્ઞાતિનું સમીકરણ પણ નબળું રહ્યું હતું તે કરચલીયાપરા, મામા કોઠા, પ્રેસ રોડ, રાણીકા, વાલકેટગેટ વિસ્તારમાં સાબિત થાય છે.

આ વિસ્તારોમાં ભાજપના ઉમેદવારને 8592 અને કોંગ્રેસના ઉમેદવારને 50 ટકા ઓછા 4219 મત મળ્યા હતા. કણબીવાડ વિસ્તારમાં પણ ભાજપને 1686, કોંગ્રેસને 288 જ્યારે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના ઉમેદવાર કરતા પણ વધુ 333 મત મળ્યા હતા.સુભાષનગર, અખિલેશ સર્કલ, શિવાજી સર્કલ, ઘોઘા સર્કલ અને ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પણ ભાજપની હરણફાળ રહી હતી. આ વિસ્તારમાં ભાજપના ઉમેદવારને 14,564 અને કોંગ્રેસના ઉમેદવારને 4345 જ્યારે આપના ઉમેદવારને 1656 મત મળ્યા હતા.

મહિલા કોલેજ, ડાયમંડ ચોક, યશવંતરાય, ગીતા ચોક અને ડોક્ટર હોલ વિસ્તારમાં પણ ભાજપના ઉમેદવારને સારી એવી લેટ મળી હતી. આ વિસ્તારમાં ભાજપના ઉમેદવારને 8388, કોંગ્રેસના ઉમેદવારને 1589 અને આપને 1170 મત મળ્યા હતા.ભરતનગર સહિતના વિસ્તારોમાં પણ કોંગ્રેસ અને આપના ઉમેદવારને નહીવત મત મળ્યા હતા.

ભરતનગર, તળાજા રોડ, શિવનગર, શ્રીનાથજીનગર સહિતના વિસ્તારમાં ભાજપના ઉમેદવારને 10,957 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 1484 અને આપના ઉમેદવારને 1723 મત મળ્યા હતા. સુભાષ નગર, અખિલેશ, શિવાજી સર્કલ, ઘોઘા સર્કલ અને ઘોઘા જકાતનાકા વિસ્તારમાં ભાજપના ઉમેદવારને 14,564, કોંગ્રેસના ઉમેદવારને 4,345 અને આપના ઉમેદવારને 1656 મત મળ્યા હતા. આમ ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં મતદારોનો મિજાજ એક તરફી ભાજપ તરફી રહ્યો હતો.

શિશુવિહાર, રૂવાપરી રોડ, બોરડીગેઈટ પ્રભુદાસ તળાવમાં ભાજપ - કોંગ્રેસ કસોકસ
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના લઘુમતી અને દલિત સમાજના વિસ્તાર જેવા કે શિશુવિહાર, પ્રભુદાસ તળાવ, રૂવાપરી રોડ, બોરડીગેટ સહિતના વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને કસોકસ મત મળ્યા હતા. આ વિસ્તારમાં ભાજપના ઉમેદવારને 5500 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 4,484 મત મળ્યા હતા.

સિંધી વસાહતમાં કોંગ્રેસને આપ આંબી ગયું
પૂર્વ વિધાનસભા બેઠકના સિંધી વસાહતના વિસ્તારો જેવા કે સિંધુનગર અને રસાલા કેમ્પ સહિતમાં ભાજપ તો અગ્રેસર રહ્યો હતો પરંતુ કોંગ્રેસને આપના ઉમેદવાર વચ્ચે રસાકસી રહી હતી. જેમાં ભાજપના ઉમેદવારને 5226 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 767 અને આપના ઉમેદવારને 746 મત મળ્યા હતા.

ફેકટ ફાઈલ
કુલ મતદાન : 162940
કુલ માન્ય મત : 162596
રદ મત : 344
નોટા : 2796
પોસ્ટલ બેલેટ : 1051

અન્ય સમાચારો પણ છે...