વિરોધ:સિટી બસની સુવિધા મીંડુ થતા કોંગ્રેસ દ્વારા આજે બાઇક રેલી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે શહેરમાં ભરતનગરને બાદ કરતા એક પણ વિસ્તારમાં સિટી બસની સુવિધા નથી

ભાવનગર મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સિટી બસનો જે કોન્ટ્રાકટ અપાયો છે તે સિટી બસના સંચાલકો દ્વારા હાલ ભરતનગર સિવાય કોઈપણ વિસ્તારમાં ચલાવાતી નથી. શહેરમાં હવે વ્યાપક પ્રમાણમાં વિસ્તારો વધ્યા છે અને તેમાં પણ પાંચ ગામ કોર્પોરેશનમાં મેળવવામાં આવ્યા હોવા છતાં આ ગામ તેમજ શહેરના એક વિસ્તારને બાદ કરતાં એક પણ વિસ્તારમાં સિટી બસ સુવિધાનો લાભ મળતો નથી અને આ મોંઘવારીમાં લોકોને અતિશય મોંઘા રિક્ષા ભાડા ખર્ચીને નાછૂટકે પોતાનાં કામ-ધંધા કે રોજગાર ઉપર જવા આવવા માટે રીક્ષાનો ઉપયોગ કરવો પડે છે.

આ સંજોગોમાં ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં લોકોને સિટી બસની સુવિધા મળે તેવી માંગ સાથે આવતીકાલ તા.6 જૂનને સોમવારે સાંજે 4.30 કલાકે કાળીયાબીડ પાણીની ટાંકીથી કોર્પોરેશન ઓફિસ સુધી બાઇક રેલી યોજીને મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે.

શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો શહેરના છેવાડાના વિસ્તાર, નારી, રુવા, તરસમિયા, ફુલસર, સીદસર જેવા વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે. ભાવનગરમાં એક સમયે લગભગ 50 સિટી બસો દોડતી હતી અને ત્યારે આવા આવાસ યોજનાના મકાનો પણ ન હતા પણ હવે ભાવનગરનો વિસ્તાર વધ્યો છે ત્યારે લોકોને આવવા-જવા માટે મોંઘા રિક્ષા ભાડા ચૂકવવા પડે છે.

રવિવારે યાત્રાધામ ખોડીયાર મંદિર સુધી જવા આવવાની સિટી બસ સુવિધા મળતી હતી તેમ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું છે. ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગરના તમામ વિસ્તારમાં તમામ લોકોને સીટી બસની સુવિધાનો લાભ મળે તેવી માંગ સાથે બાઇક રેલી યોજી મ્યુ.કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...