વિશેષ:ચોમાસા આરંભની રાહ વચ્ચે ઉજવાશે ભીમ અગિયારશ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજી ચોમાસાની જ શરૂઆત ન થઇ હોય ભીમ અગિયારશના પર્વે વાવણી કાર્ય શક્ય નથી

એક તરફ જ્યારે હજી ગરમી ઓછી થઇ નથી અને ચોમાસુ વિધિવત શરૂ થયું નથી ત્યારે આ વર્ષે ભીમ અગિયારસની બે દિવસ ઉજવણી થવાની છે જેમાં આવતી કાલ તા.10 જૂનને શુક્રવારે તથા તા.11 જૂનના શનિવાર બન્ને દિવસ ભીમ અગિયારશ અથવા અને નિર્જળા એકાદશીની ઉજવણી થવાની છે. જેમાં શુક્રવારે શિવ પંથીઓ અને શનિવારે વૈષ્ણવ પંથીઓ આ વર્ષે જેઠ શુદ ૧૧નાં રોજ નિર્જળા એકાદશી ઉજવાશે. નિર્જળા શબ્દ જ જેમ સૂચિત કરે છે તેમ નિર્જળા એટલે આખો દિવસ પાણી ન પીવું. નકોરડો કરવો. સૌરાષ્ટ્રભરમાં ભીમ અગિયારશના દિવસે વાવણી કાર્યને અતિ શુભ ગણવામાં આવે છે પણ આ વર્ષે હજી ચોમાસાની જ શરૂઆત ન થઇ હોય આ વર્ષે ભીમ અગિયારશના પર્વે વાવણી કાર્ય શક્ય નથી.

ભીમ અગિયારશના દિવસે સૌરાષ્ટ્રમાં કેરી ખાવાની અને સાસરે ગયેલી બહેનો અને દીકરીઓને તેના ઘરે કેરી પહોંચાડવાની પરંપરા વર્ષો જૂની છે. આમ તો આ અગિયારશે ઉપવાસનું મહાત્મ્ય છે પણ ફળાહારમાં કેરી ખાવાની પરંપરા રહી છે. આ પર્વ બાદ આમ પણ ચોમાસુ જામવાનું હોય કેરી ખવાતી ન હોય આ પર્વે કેરી ખાવાની મોજ સૌ કોઇ ઉઠાવે છે. જો કે આ વર્ષે હજી ચોમાસાના જામવાના કોઇ એંધાણ દેખાતા નથી.

ભીમ અગિયારશના આ દિવસે ભગવાનને ફળમાં કેરી ધરવાનું મહાત્મ્ય છે. આ એકાદશીનું વ્રત કરનારને તીર્થ યાત્રાનું ફળ મળે, નિર્જળા એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી મનુષ્ય મોક્ષનો અધિકારી બની ઉચ્ચ કોટીમાં ગતિ કરે છે. વૃક નામનો અગ્નિ ધરાવતા ભીમનું એક નામ વૃકોદર પણ છે. આમ ભીમે કરેલા વ્રતનાં કારણે આ એકાદશી ભીમ અગિયારશ તરીકે પ્રસિદ્ધ થઇ. પાંડવ એકાદશી તરીકે પણ કેટલાક વિસ્તારમાં પ્રખ્યાત છે. મોક્ષને મેળવી આપનારી આ એકાદશી એ અત્યંત પૂણ્યદાયક માનવામાં આવે છે.

આ વર્ષે શું કામ બે દિવસ અગિયારશ ?
આ વર્ષે જેઠ સુદ 10ને શુક્રવારે નિર્જલા એકાદશી (સ્માર્ત) અને શનિવારે નિર્જલા એકાદશી (વૈષ્ણવ) એમ ઉજવાશે આ કારણમાં શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યું છે કે તા.10 જૂનને શુક્રવારે સવારે 7.25 કલાકે દશમની તિથિ પૂર્ણ થઇ જાય છે. જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા મુજબ સૂર્યાદય પછીની ત્રણ ઘડી કોઇ તિથિ રહેતી હોય તો તે તિથિ ગણાય છે. અને તે તિથિ કે તહેવાર તે જ દિવસે ઉજવાય છે.જ્યારે વૈષ્ણવ સંપ્રદાયમાં જે દિવસે સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ દિવસે તે તહેવાર ઉજવવાનો હોય છે.

આજે વાવણી તો શું ચોમાસુ પણ શરૂ નથી થયું !!
સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારશની વાવણી કરવાની પણ એક પ્રાચીન પરંપરા રહી છે. જેને આજે પણ ખેડુતો શુભ અને શુકનવંતી માને છે. ભીમ અગિયારશ પછી જ ચોમાસાનો પ્રારંભ થાય એવી પણ એક માન્યતા છે.જો કે આ વર્ષે હજી સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદ તો શું ચોમાસાનું આગમન પણ નથી થયું ત્યારે આ વર્ષે ભીમ અગિયારશે વાવણી થાય તે શક્ય નથી.

અન્ય સમાચારો પણ છે...