મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:ભાવનગરના ઉમરાળા તાલુકામાં ધોધમાર 3 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ પર પાણી જ પાણી

ભાવનગર3 દિવસ પહેલા
  • ગારીયાધારમાં પોણા બે ઈંચ અને સિહોરમાં એક ઈંચ વરસાદ

ભાવનગર શહેર-જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચી હતી. બે દિવસથી ભાવનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકી ને વરસી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા, ગારીયાધાર અને સિહોરમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ઉમરાળામાં ઘોઘમાર 3 ઈંચ વરસાદ વરસ્યો હતો, જેને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા, જ્યારે ગારીયાધારમાં પોણા બે ઈંચ જેટલો અને સિહોરમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.

બગદાણા, ઉમરાળા અને ધોળા પંથકમાં વરસાદી ઝાપટા
ધોળા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના પછી એકાએક વરસાદી મહાલો છવાતા વરસાદી ઝાપટા વરસ્યા હતા. સાંજના સમયે ગાજવીજ સાથે ધોધમાર બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ધોળાની મુખ્ય બજાર અને શેરીઓ પાણી પાણી થઇ ગઇ હતી. તો બીજી તરફ ઉમરાળામાં પણ ધોધમાર વરસાદ વરસતા ઉમરાળાના ચેકડેમો ભરાય ગયા હતા અને નદીમાં નવા નીર વહેતા થયા હતા,ઉમરાળામાં આજનો 71 મીમી વરસાદ પડ્યો હતો અને સીઝનનો 60 ટકા વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો. આજના ખુશ મિજાજી વરસાદથી લોકો અને ધરતી પુત્રો ખુશ ખુશાલ થયા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ
બગદાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું પુનરાગમન થયું હતું, ભાવનગર જિલ્લાના બગદાણાના ગામોમાં મોણપર, ટીટોડીયા, કરમાદીયા, દેગવડા, સહિતમાં વિસ્તારમાં મેઘાની મહેર થઈ હતી, સમયસર વરસાદ આવી જતા ધરતીપુત્રો ગેલમાં આવ્યા હતા, આજે પડેલા ધોધમાર વરસાદના પગલે સ્થાનિક નદી-નાળામાં પાણીની નવી આવક થઈ હતી.

જિલ્લાના 10 તાલુકામાંથી 8 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદની આંકડાકીય માહિતી જોઈએ તો સૌથી વધુ ઉમરાળામાં 71 મિમી, ગારીયાધારમાં 41 મિમી, સિહોરમાં 20 મિમી, વલ્લભીપુરમાં 16 મિમી, તળાજામાં 8 મિમી, ભાવનગરમાં તથા ઘોઘામાં 5 મિમી, જેસરમાં 2 મિમી, મહુવા અને પાલીતાણામાં વરસાદ નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...