મુલાકાત:ભાવનગરની ખેલકૂદ પ્રેમી જનતા સપોર્ટિવ : અખિન

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રિકેટ છોડી ને કેરળનો યુવાન વોલીબોલની રમતમાં આવ્યો અને બની ગયો ઇન્ટરનેશનલ ખેલાડી
  • લીગ સ્થાપિત થશે ત્યારથી વોલીબોલનું રો-મટિરિયલ મળી રહેશે

પોતાની ટીમને સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં સિંહ ફાળો આપનાર ઇન્ટરનેશનલ વોલીબોલ ખેલાડી અખિન જી.એસ. ક્રિકેટ છોડી અને વોલીબોલમાં જોડાયો હતો. 36મા નેશનલ ગેમ્સ પૈકીની વોલીબોલ ટુર્નામેન્ટમાં કેરળ વતી રમી રહેલા અખિનના મતે વોલીબોલ ક્ષેત્રે ભારતમાં પ્રતિભા છે, માત્ર એક્સપોઝરની જરૂરીયાત છે.

કેરળની ટીમને મેડલની નજીક દોરી જવામાં મુખ્ય ભૂમિકા અદા કરનારા અખિનના જણાવ્યા પ્રમાણે ભાવનગરની ખેલકૂદ પ્રેમી જનતા જે ટીમ સારો દેખાવ કરે છે તેને ખેલદીલી પૂર્વક સપોર્ટ કરે છે, આટલી મોટી સંખ્યામાં સપોર્ટર અને સ્ટેડિયમમાં હાજરી ભાગ્યેજ હોય છે.

ભાવનગરમાં હોટલથી લઇ અને સ્ટેડિયમ સુધી વોલીબોલની રમતના ખેલાડીઓ પણ ક્રિકેટરોની જેમ જ પ્રચલિત હોય તેવી રીતે ચાહકો સપોર્ટ કરે છે, સેલ્ફી પડાવવા માટે પડાપડી કરે છે, સારૂ માન-સન્માન આપે છે. અખિનના મતે, ભારતમાં વોલીબોલની પ્રોફેશનલ લીગ થોડા વર્ષમાં એસ્ટાબ્લિશ થઇ જશે, અને ત્યારબાદ ગ્રાસરૂટ લેવલેથી સારા અને ખડતલ ખેલાડીઓ મળવા લાગશે.

સામાન્ય રીતે વોલીબોલની રમત ભારતના નાના-નાના ગામડાઓ સુધી પહોંચેલી છે, માત્ર શૂટિંગ અને પાસિંગ ગેમ વચ્ચેનો તફાવત છે. પરંતુ લીગના આયોજન થવા લાગે તો નાના ગામડાઓના ખેલાડીઓને પણ તક મળવા લાગશે, અને પરિણામે ભારતીય ટીમને આવનારા દિવસોમાં ખેલાડીઓ મળી રહેશે.

અખિને કહ્યું હતુકે, જ્યારે અમે ભાવનગર આવવા માટે કેરળથી નિકળ્યા ત્યાં સુધી ભાવનગરનું નામ ક્યારેય સાંભળ્યુ ન હતુ, પરંતુ આ એક વેલ પ્લાન્ડ, સ્વચ્છ, સગવડતાભર્યુ શહેર છે, અહીંનું ઇનડોર સ્ટેડિયમ ખૂબ જ સરસ છે. ગુજરાતની ટીમ પણ વોલીબોલમાં સારો દેખાવ કરી રહી છે. અમે સાંભળ્યુ છે કે અહીં ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાને કારણે ખેલાડીઓ મળી રહે છે.

ખેલો ઇન્ડીયા પ્રોગ્રામની જેમ ભારતના તમામ રાજ્ય પોતાની ગેમ્સનું આયોજન કરે તો તમામ સ્પોર્ટ્સમાં ખેલાડીઓની નવી જનરેશન ફટાફટ આવશે. શાળા કક્ષાએથી જ ખેલાડીઓને ફરજીયાતપણે કોઇપણ એક સ્પોર્ટ્સમાં લાવવા જોઇએ. અત્યારના મોબાઇલ યુગમાં વિદ્યાર્થી અને યુવાધન મેદાનોમાં આવવાનું ટાળે છે, જે તેઓની શારીરિક ફિટનેસ માટે ખતરનાક છે. અખિનના મતે વોલીબોલમાં ભારતની ટીમ આગામી સમયમાં સારો દેખાવ આંતરરાષ્ટ્રીય સ્તરે કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...