ઉજળી તકો:સમગ્ર દેશના સ્ક્રેપ ઉદ્યોગના નકશા પર ભાવનગરનું નામ ઉપસી આવશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગરમાં વેહિકલ સ્ક્રેપ યાર્ડ માટે કેન્દ્રની આગેકૂચ
  • ઉદ્યોગને આમંત્રણ ; વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયા બાદ ઉદ્યોગકારોને તૈયાર કરાશે

ભાવનગર જિલ્લામાં શિપબ્રેકિંગ અને રી-રોલિંગ વ્યવસાય સારી રીતે આકાર પામેલા છે અને તેના કારણે દેશના સ્ટીલ ઉદ્યોગમાં ભાવનગરની ઓળખ પણ છે. હવે આ શ્રેણીમાં ઉમેરો થવા જઇ રહ્યો છે, કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં વેહિકલ સ્ક્રેપ યાર્ડની સ્થાપના કરવાના દિશામાં આગેકૂચ કરી છે. ચોક્કસ સમય મર્યાદા વટાવી ચૂકેલા વાહનોને સ્ક્રેપ કરવા માટે મોકલી દેવા અંગેના નિયમો સરકાર લાવવા થનગને છે, પરંતુ આવા નિયમોથી વય મર્યાદા વટાવી ચૂકેલા વાહનોનું શું કરવું તેના અંગે કેન્દ્ર સરકારે પહેલા વિચાર કર્યો છે.

ભાવનગર જિલ્લામાં આવું વેહિકલ સ્ક્રેપ યાર્ડ વિકસાવવાની દિશામાં કામ કરવામાં આવશે. સંભવત: અલંગની આજુબાજુના વિસ્તારોમાં આ વેહિકલ સ્ક્રેપ યાર્ડ આકાર લે તેવી સંભાવના છે. અને તેના માટે વ્યવસાયકારોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ વેહિકલ સ્ક્રેપ યાર્ડ ચાલુ થઇ જાય તે દિશામાં કામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે.

વેહિકલ સ્ક્રેપ યાર્ડ કેવી રીતે કામ કરશે ? તેમાં કેવા પ્રકારના સાધનોની આવશ્યક્તાઓ રહે છે? આ વ્યવસાય શરૂ કરવા માટે પ્રારંભમાં કેટલો ખર્ચ આવી શકે ? વેહિકલ સ્ક્રેપ યાર્ડ સંબંધિત વ્યવસાયનું ભવિષ્ય કેવું ? તેમાંથી નિકળતો સ્ક્રેપ, મેટલ ક્યાં ક્યાં વેચાણાર્થે જઇ શકે, તેના માટે ટ્રાન્સપોર્ટેશનની શું વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કેટલો થઇ શકે? વાહનો તોડવા દરમિયાન નિકળતા કચરાથી પ્રદૂષણ ફેલાય નહીં તેના માટે અલંગમાં ટીએસડીએફ સાઇટ છે ત્યાં કેવા પ્રકારના કચરાને મોકલી શકાય? તેનો ખર્ચ કેટલો આવી શકે? આ તમામ બાબતો અંગે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. શિપબ્રેકિંગ યાર્ડમાંથી નિકળતા કચરા, ખરાબ ઓઇલ, જોખમી કચરાના નિકાલ માટે શ્રેષ્ઠતમ સુવિધા છે.

ભાવનગરની જ પસંદગી શા માટે ?
ભાવનગરમાં વિશ્વમાં અગ્રીમ હરોળનું શિપબ્રેકિંગ યાર્ડ આવેલું છે, દેશમાં સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રે હિસ્સો ધરાવતી રી-રોલિંગ મિલો પણ આવેલી છે. જહાજ ભાંગવાથી નિકળતા કચરાનો નિકાલ કરવા માટેનો આધૂનિક પ્લાન્ટ પણ છે, જિલ્લામાં ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા, રસ્તા, પાણી, વિજળીની પર્યાપ્ત વ્યવસ્થા છે. ઉપરાંત વેહિકલ સ્ક્રેપયાર્ડમાંથી નિકળતો ભંગાર રી-રોલિંગ મિલોને કામમાં આવી શકે છે, અન્ય મેટલ કડી, કલોલ, જામનગરના ઉદ્યોગોમાં કામ આવી શકે તેમ છે. તમામ દ્રષ્ટિએ વેહિકલ સ્ક્રેપ યાર્ડ મહત્વપૂર્ણ બની શકે છે.

એક્સપર્ટ ઓપિનિયન : આનુષંગિક ઉદ્યોગોને ફાયદો
સિહોર રી-રોલિંગ મિલ એસો.ના પ્રમુખ અને રોલિંગ મિલ, શિપબ્રેકિંગ વ્યવસાય સાથે 30 વર્ષથી સંકળાયેલા હરેશભાઇ ધાનાણીના મતે, વેહિકલ સ્ક્રેપ યાર્ડ ભાવનગરમાં આવે તો તેનો સ્ક્રેપ રોલિંગ મિલોને ઉપયોગમાં આવી શકે, તેથી તેઓનું વેચાણ ઘરઆંગણે અને આસાન બની જાય. જિલ્લામાં જહાજ તોડવાના સ્કીલ્ડ લેબર મળે છે, તેથી આ નવા વ્યવસાયને પણ સ્કીલ્ડ લેબરની કોઇ સમસ્યા નડે નહીં. ઉપરાંત આનુષંગીક ઉદ્યોગો ખીલી ઉઠશે.

ભાવનગરમાં રોજગારીની નવી તકો ખુલશે
વેહિકલ સ્ક્રેપ યાર્ડ ભાવનગરમાં બનાવવા માટે કેન્દ્ર સરકાર તાબડતોબ તૈયારીઓ કરી રહ્યા છે. શિપબ્રેકિંગ, રો-રોલિંગ મિલનો વ્યવસાય એકબીજા સાથે સંકળાયેલા છે. રોલિંગ મિલમાં કાચા માલ તરીકે સ્ક્રેપ વપરાય છે તેને કાચો માલ પણ વેહિકલ યાર્ડ બનવાથી મળશે. ઉપરાંત જિલ્લામાં નવી રોજગારીની તકોનું નિર્માણ મોટા પાયે કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...