ગરમીનો પ્રકોપ:ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર ગરમીનો પારો 43.7 ડિગ્રીએ પહોંચ્યો, 35 કિલોમીટરની ઝડપે ફુંકાયો ગરમ પવન

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાપમાન સવા બે ડિગ્રી વધતા અમદાવાદ, પોરબંદર સાથે ભાવનગરમાં રાજ્યની સૌથી વધુ ગરમી

ભાવનગર શહેરમાં ગઇ કાલે 41.5 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી નોંધાયા બાદ આજે શહેરમાં બપોરે તાપમાનનો આંક વધીને 43.7 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતા આ વર્ષના સૌથી ગરમ દિવસનો અનુભવ નગરજનોને થયો હતો. બપોરે તો રોડ પર ગગનમાંથી જાણે અંગારા વરસતા હોય તેવી ગરમી વરસી હતી. સાથે 34 કિલોમીટરની તીવ્ર ઝડપે પવન પણ ફૂંકાતો હોય શહેરમાં બપોર નીકળો તો રોડ બળતા હોય તેવો અનુભવ દાહક ગરમીથી થાય છે.

ગઇ કાલે ભાવનગર શહેરમાં 41.5 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને  ગરમી રહ્યાં બાદ આજે સૂર્ય નારાયણ ઉગ્ર બન્યા હતા અને એક જ દિવસમાં ગરમીમાં 2.2 ડિગ્રીના વધારા સાથે આજે તાપમાન 43.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા ભાવનગરમાં અાજે આ વર્ષેની સૌથી વધુ ગરમી વરસી હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં હિટવેવ ફરી વળતા ગરમીનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે વધી ગયું છે. જે ગરમી મે માસના મધ્યમાં નોંધાતી હોય છે તે ગરમી મે માસના અંતિમ સપ્તાહમાંનોંધાતા નગરજનો તોબા પોકારી ગયા છે.  ખાસ કરીને 35 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા ગરમ પવનને કારણે આ તાપમાન વધ્યું છે.

ક્યારે ક્યારે તાપમાન 44 ડિગ્રીથી વધ્યું ?
ભાવનગરમાં ઇ.સ.2018 સૂર્ય એ આકાશમાંથી રીતસરની આગ ઓકી હતી અને 2018માં બે વખત શહેરમાં સૌથી વધુ તાપમાન 44 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ નોંધાયું હતુ. જો કે આ 21મી સદીમાં વિતેલા 20 વર્ષમાં ભાવનગર શહેરમાં સૌથી ગરમ દિવસ ઇ.સ.2010માં 19મી મેના રોજ નોંધાયો હતો. જ્યારે તાપમાન 45.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. ત્યાર બાદ 2014ના વર્ષમાં બે વખત અને 2018માં પણ બે વખત પારો 44 ડિગ્રી નોંધાયો હતો. 
દર્દીઓએ વિશેષ તકેદારી રાખવી જરૂરી
ખાસ કરીને બાળકો, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હ્રદયરોગના દર્દીઓએ વિશેષ તકેદારી રાખવી જરૂરી છે. બપોરના 12થી સાંજના 5 વાગ્યા દરમિયાન તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ.
ડિહાઇડ્રેશનથી બચવા પુષ્કળ પ્રવાહી લેવું
હીટ સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણો જેવા કે ચોક્કસ માથાનો દુખાવો ઝાડા ઉલટી ની તકલીફો વધી છે લોકોએ હિટ સ્ટ્રોકથી બચવા માટે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું. ગરમીના આ તીવ્ર મોજામાં કોટનના કપડાં પહેરવા, બાઈક પર લાંબા અંતરે જતી વખતે પંદર પંદર મિનિટે છાયામાં ઊભા રહેવું તેમજ વારંવાર પાણી પીવું વધુમાં વધુ જ્યુસ, લસ્સી, શરબત જેવા પ્રવાહી પીવા જોઈએ અને રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો પ્રયત્ન કરવો જોઈએ. ઉપરાંત ગરમ પડે તેવા ખોરાકથી આ સિઝનનમાં દૂર રહેવું જોઈએ.- ડો.બી.એસ. શર્મા, ફિઝીશિયન

અન્ય સમાચારો પણ છે...