ફાગણના અંતમાં અષાઢી માહોલ:ભાવનગરમાં ઢળતી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો, ધરતીપુત્રોની ચિંતા વધી

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં આજ સવારથી જ ઘેરાયેલા વાદળો ઢળતી સાંજે અષાઢી માહોલ જેમ ગાજવીજ સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું. ગાજવીજ-ધૂળની ડમરીઓ વચ્ચે શરૂ થયેલ વરસાદને પગલે રોડપરથી પાણી વહેતા થયા હતા.

ગોહિલવાડમાં ઉનાળાનો આરંભ છતાં માવઠાનો માહોલ "કેડો" મુકવા તૈયાર ન હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી ઋતુચક્ર ખોરવાયુ છે. ભરઉનાળે વરસાદી માહોલને પગલે ખેતી બરબાદ થવાની તૈયારીમાં છે. ત્યારે છેલ્લા બે દિવસથી માવઠું ચોક્કસ થશે એવાં અણસારો પ્રબળ બની રહ્યાં હતાં. ત્યારે આજ સવારથી જ સૂર્યનારાયણ વાદળો વચ્ચે અંતર્ધ્યાન જોવા મળ્યાં હતાં. ગઈકાલની જેમ આજે પણ વાતાવરણ ધૂંધળું જ રહેવા પામ્યું હતું.

આજરોજ જિલ્લાના અનેક ગામડાઓમાં ઝાપટાં-ઝરમર વરસાદ થયો હતો. ત્યારે આજે શહેરમાં ઢળતી સાંજે પ્રથમ ધૂળની ડમરીઓ ચડતાં રોડપર વાહન ચાલકો રાહદારીઓને તકલીફો પડી હતી. તીવ્ર ગતિએ ફૂંકાયેલ પવનને કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો અને વીજળીના તેજ લીસોટાઓ વચ્ચે જોરદાર ગડગડાટ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. થોડા સમય માટે જ રહેલ આ માવઠાના વરસાદે રોડપર પાણી વહેતા કર્યાં હતાં. તો બીજી તરફ ખેત ફસલોને માવઠાથી બચાવવાની આશા ખેડૂતો માટે ઠગારી નિવડી હતી અને હવે રવિ સિઝન સાથે બાગાયત ખેતી બરબાદ થઈ જાય એવી સંભાવના વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...