મધરાતે મોસમે મિજાજ બદલ્યો:ભાવનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે કરા પડ્યા, દોઢ ઈંચ વરસાદ ખાબકડા રોડ-રસ્તા પર પાણી ભરાયા

ભાવનગર3 દિવસ પહેલા

ભાવનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા એટલા ભયાનક હતા કે, રાત્રીના સમયે સુતેલા લોકો અચાનક જાગી ઉઠ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં વીજળીના કડાકા સાથે કરા પણ પડ્યા હતા. ભાવનગર શહેરમાં સવા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સવારે ધુમ્મસ, બપોરે તડકો, મોડીરાત્રે વરસાદ
રાજ્યમાં ચાર-પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ભાવનગર જિલ્લામાં ત્રણ-ચાર દિવસથી વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. જેમાં ગઈકાલે વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, તો બપોરે થોડા તડકો અને રાત્રીના વીજળીના કડાકા તથા કરા સાથે ઘોઘમાર વરસાદ વરસ્યો હતો અને રોડ પર પાણી પાણી થઈ ગયા હતા.

રોડ રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા
સમગ્ર રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે દિવસભર શહેર અને જિલ્લામાં ઘાબડિયું વાતાવરણ રહ્યુું હતું. ભાવનગર શહેરમાં મોડી રાત્રે એકાએક ઘોઘમાર વરસાદ પડ્યો હતો. જિલ્લાના કેટલાક ગ્રામ્ય પંથકમાં પણ વરસાદનું ઝાપટું વરસી ગયું હોવાનું જાણવા મળ્યું છે. તદુપરાંત મોડી રાત્રેના સમયે મોસમે અચાનક મિજાજ બદલ્યો હોય તેમ વીજળીના કડાકા તથા કરા સાથે ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં વરસાદ પડતા રોડ રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. ધોધમાર વરસાદને પગલે શહેરના મોટાભાગના રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...