દોઢ વર્ષ પુર્વે ભાવનગર શહેરના તખ્તેશ્વર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ઘરે મસાજ માટે બોલાવેલી મહિલા સાથે ઝઘડો થતા એક શખ્સ ઉશ્કેરાઇ જઇ મહિલાની હત્યા કરી દીધી હતી ત્યારબાદ આ સમયે સાક્ષી એવા મહિલાના 11 વર્ષના પુત્રની પણ હત્યા કરી દીધી હતી. આમ માતા તથા પુત્રની બેવડી હત્યામાં સંડોવાયેલા આરોપી સામે ઇપીકો કલમ 302 સહિતનો ગુનો જે તે સમયે નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલની દલીલો, આધાર, પુરાવા, વિગેરે ધ્યાને રાખી આરોપી સામે ગુનો સાબિત માની આરોપીને આજીવન કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.
બંનેની લાશને ગોદડા તથા દોરી વડે બાંધી હતી
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના આરોપી હેમલભાઇ ભુપેન્દ્રભાઇ શાહને મરણજનાર અંકીતાબેન પ્રકાશભાઇ જોષી ઉ.વ.30 રહે.અંકોલા ફડકેનગર, શેલાણીનગર પાસે (મહારાષ્ટ્ર) વાળાઓ સાથે એકાદ વર્ષથી મિત્રતા થયેલ હોય જેઓ અવાર નવાર બંને મળતા અને બંનેની રાજીખુશીથી મળતા હતા. બાદ ગઇ તા.7/7/2021ના રાત્રીના સાડા નવેક વાગ્યે મરણ જનાર અંકીતાબેનને આરોપીએ પોતાના ઘરે રાત્રીના રોકાવવા આવવાનું જણાવતા મરણજનાર અંકીતાબેન તથા તેમનો પુત્ર શિવમ ઉ.વ.13નાઓ બંન્ને આરોપીના ઘરે આવેલા. બાદ રાત્રીના એટલે કે તા.8/7/2021ના બે વાગ્યના સમયે અંકીતાબેન બીજા કોઇ વ્યક્તિ સાથે મોબાઇલ ફોનમાં વાતો તથા ચેટ કરતા હોય તે બાબતે આરોપી તથા અંકીતાબેનને ઝઘડો થયેલો અને અંકીતાબેનએ આરોપીને જણાવેલ કે મારા ફ્રેન્ડ સાથે મારે તારા લીધે બ્રેકઅપ થઇ જશે. મારે કાલે સ્કુટર છોડાવવાનું છે અને મને પૈસા કોણ આપશે ?તેમ કહી રૂપીયા એક લાખાની માંગણી કરી બાદ માંગણી રકમ વધારતા ગયેલ અને જેના કારણે આરોપીએ ક્રોધમાં આવી સુયાનો એક ઘા તથા બીજા ઘા છરી વડે મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી અંકીતાબેનનું મોત નીપજાવેલ અને બાદમાં અંકીતાબેનના પુત્ર શિવમને છરી વડે ગંભીર જીવલેણ ઘા મારી ઇજાઓ કરી મોત નીપજાવી બંનેની લાશને ગોદડા તથા દોરી વડે બાંધી દઇ બાદ શિવમની લાશને પોતાની આઇ ટ્વેન્ટી કારની ડીકીમાં નાખી સેલ્ફ ડ્રાઇવીંગ કરી વહેલી સવારે આશરે ચાર વાગ્યના સુમારે ઘરેથી નીકળી સિદસરથી વરતેજ જવાના રોડ ઉપર ગૌશાળાથી આગળ વૃક્ષ મંદીરની સામેના ભાગે અવાવરૂ જગ્યામાં રોડથી નજીક લાશ ફેંકી દઇ પુરાવાનો નાશ કરી પરત ઘરે આવી ગયેલ આમ ઉક્ત આરોપીએ માતા તથા પુત્ર સહિત બેવડી હત્યા કરી હતી.
માતા-પુત્ર બંનેની લાશને એક જ રેશમની દોરી બાંધી
ઉક્ત બનાવ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ તા.8/7/2021ના રોજ વરતેજ સીદસર રોડ પર મામા કા ઢાબા પાસે પ્રતિકભાઇ ધીરૂભાઇ મકવાણાઓને એક નાના બાળકની લાશ ગોદડામાં વિટાળેલ હાલતમાં જોવા મળેલ જેથી વરતેજ પોલીસમાં તે અંગે ફરિયાદ આપેલ ત્યારબાદ પોલીસ તપાસ શરૂ હતી તે દરમ્યાન નિલમબાગ પોલીસ સ્ટેશનના કર્મચારીને માહીતી મળેલ કે જન કલ્યાણના બ્લોક નંબર 8 તખ્તેશ્વર તળેટી ખાતે એક માનવ લાશ બંધ મકાનમાં પડેલ છે તે અંગે તપાસ કરતા પોલીસને તે સ્ત્રી અંકીતાબેનની લાશ હોવાનું માલુમ પડેલ જે બાબતે સ્થળ પર મળી આવેલ રેશમની દોરી અને વરતેજ સીદસર રોડ પર મળી આવેલ બાળકની લાશ પાસેની રેશમની દોરી બંન્ને એક જ પ્રકારની હોવાનું જણાય આવતા પોલીસે તત્કાલીન મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઇ નિલમબાગ પોલીસ સ્ટેશન તથા વરતેજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જાડેજાએ સાયોક પુરાવાના આધારે આરોપી હેમલ ભુપેન્દ્રભાઇ શાહની ધરપકડ કરેલ ત્યારબાદ તપાસમાં પુરતો પુરાવો મળી આવતા આરોપી હેમલ સામે ઇપીકો કલમ 302 સહિતનો ગુનો નોંધાયો હતો.
કોર્ટ સજા અને દંડ ફટકાર્યો
આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એલ.એસ.પીરઝાદાની કોર્ટમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ મનોજભાઇ આર.જોષી દ્વારા ફરિયાદ પક્ષ તરફથી તપાસવામાં આવેલ કુલ 36 સાહેદો તથા રજુ કરવામાં આવેલ કુલ 58 દસ્તાવેજો તથા કાયદાકીય દલીલો કરવામાં આવેલ જે ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી હેમલ શાહને ઇપીકો કલમ 302 અન્વયેનો ગુનો સાબિત માની આરોપીને કસુરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા રૂા.10 હજારનો દંડ તથા કલમ 201 અન્વયે 5 વર્ષની સજા અને રૂા.5 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.