નિયમની અમલવારી શરૂ:ભાવનગર મહાનગરપાલિકાની ટીમ ઇંડા-નોનવેજનું જાહેરમાં વેચાણ કરતાં આસામીઓ પર ત્રાટકી

ભાવનગર24 દિવસ પહેલા
  • શુક્રવારે જાહેરાત અને શનિવારે ડ્રાઈવ હાથ ધરતા નોનવેજ વેચાણ કરતાં આસામીઓમા ફફડાટ ફેલાયો

ગત શુક્રવારે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અન્ય મહાનગરોની માફક શહેરમાં જાહેર માર્ગો તથા સાર્વજનિક સ્થળોએ ઇંડા-નોનવેજ ફૂડ વેચાણ પર પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર કર્યોં હતો. આ નિયમનો અમલ આજથી શરૂ કરવામાં આવતા નોનવેજનું વેચાણ કરતાં આસામીઓમાં ફફડાટ સાથે ભાગદૌડ મચી જવા પામી હતી.

લોકોની ધાર્મિક લાગણીઓ સાથે આરોગ્ય લક્ષી બાબતો અંગે રાજ્ય સરકારે ગંભીર વિચાર કરી રાજ્યના મહાનગરોમાં રોડ-રસ્તાઓ જાહેર સ્થળો બાગ-બગીચાઓ પાસે ઇંડા તથા માંસ, મચ્છી સહિત નોનવેજ ફૂડનું વેચાણ બંધ કરાવવાનો નિયમ લાગું કર્યોં છે. જેનું પાલન સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાએ પણ અમલવારી હાથ ધરી હતી અને ગત શુક્રવારે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

આજરોજ જાહેરમાં ઇંડા-નોનવેજ ફૂડ વેચતા આસામીઓ વિરુદ્ધ બીએમસી દ્વારા ઢળતી સાંજે ડ્રાઈવ ગોઠવતા નોનવેજ ફૂડનું વેચાણ કરતાં આસામીઓ રીતસર ડઘાઈ ગયાં હતાં અને અફડાતફડી મચી જવા પામી હતી. અલગ અલગ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રાઈવ યોજી તવાઈ બોલાવવા સાથે આજે પ્રથમ દિવસે નોનવેજ ફૂડ વિક્રેતાઓને ચેતવણી આપી હતી જેને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.

બીજી તરફ શાકાહારના હિમાયતીઓ આ કામગીરીને પગલે ખુશ થયા હતા. જ્યારે ઇંડા-નોનવેજનું વેચાણ કરતાં આસામીઓએ ડ્રાઈવને પગલે કાગારોળ મચાવ્યો હતો અને રોજીરોટી છીનવી લેવાનો આરોપ તંત્ર પર લગાવ્યો હતો, પરંતુ નિયમ અને કામગીરી માટે મક્કમ તંત્ર દ્વારા કોઈ જ મચક આપવામાં આવી ન હતી અને ડ્રાઈવ યથાવત શરૂ રાખી કડક શબ્દોમાં ચેતવણીઓ આપી હતી. તંત્ર દ્વારા ડ્રાઈવ શરૂ કર્યાંના વાવડ વાયુવેગે નોનવેજ ફૂડ વિક્રેતાઓને મળતા ધંધો પડતો મૂકી પોતાની 'માયાજાળ' સંકેલી ઘર તરફ પ્રયાણ કરવામાં શાણપણ માન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...