કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા-સુશાસન અંગેના કાર્યક્રમની શહેરી કક્ષાની ઉજવણી ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે આજે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આ 8 વર્ષની ઉપલબ્ધિની ઉજવણી નથી, પરંતુ ગરીબ લોકોને જે સુખ અને આનંદ મળ્યો છે તેની વહેંચણીનો અવસર છે.કેન્દ્ર સરકારની અનેક પ્રજા કલ્યાણકારી યોજનાઓને કારણે લોકોના જીવનમાં જે બદલાવ આવ્યો છે તેની સામૂહિક વહેંચણી કરવાનો આ અવસર છે. અને તે દ્વારા ખરાં અર્થમાં લોકોને રામરાજ્યની વિભાવના સાકાર થતી જણાઇ રહી છે. આ સાચું સુશાશન છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
લોકોને થાય છે પોતાની સરકારનો અનુભવ- જીતુ વાઘાણી
લોકોને આજે પોતાની સરકારનો અનુભવ થાય છે. આ ભાવ, લાગણી અને સંવેદના એ સાચું સુશાશન છે. લોકો કહે કે, મારી પાસે મા કાર્ડ છે અને તેને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ મળવાની જે ખાતરી થાય તે સુશાશન છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. સંસ્કૃતિ, ધરોહર અને વારસો જાળવીને ભવ્ય અને દિવ્ય ભારતનું નિર્માણ કરવાં માટે કેન્દ્ર સરકાર કટિબધ્ધ છે તેની ભૂમિકા આપીને તેમણે કહ્યું કે, વિકાસની રાજનીતિને વરેલી અમારી સરકારે વિકાસ સાથે રામ મંદિર નિર્માણ, ભવ્ય કાશી- દિવ્ય કાશી જેવી આપણી ધાર્મિક ધરોહરને જાળવવાનું કાર્ય કરવાં સાથે કાશ્મીરમાંથી કલમ- 370 હટાવવાં જેવાં પગલાં લઇને એક ભારત- શ્રેષ્ઠ ભારતને સાકાર કર્યું છે.
મંત્રીએ વડાપ્રધાનને અભિનંદન આપતાં કહ્યું કે, અથક પ્રયત્નોને કારણે તથા વિકાસને લઇને ચરૈવેતી ચરૈવેતીના મંત્ર સાથે વિરામ કે વિશ્રામ વગર સતત કામગીરી કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારત વિશ્વગુરૂ બને તેમજ ભારતનું નામ વિશ્વમાં દૈદિપ્યમાન થાય તે માટેના તેમના પ્રયત્નોને આપણે જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછા છે.
'અમારી સરકારે યુવાનોને શિક્ષિત બનાવવાં સાથે પ્રશિક્ષિત બનાવવાનું કાર્ય કર્યું'
મંત્રીએ કહ્યું કે, પહેલાં પણ આ સુવિધાઓ હતી, પરંતુ ઇચ્છાશક્તિનો અભાવ અને અનિર્ણાયકતાને કારણે તે થઇ શક્યું નહોતું. આજે માલેતુજારોને જ પાલવે તેવી હોસ્પિટલોમાં ગરીબ લોકો માટે પણ રૂા. 5 લાખની સારવાર શક્ય બની છે તે કેન્દ્ર સરકારની નિર્ણાયકતાને કારણે શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે, અમારી સરકારે યુવાનોને શિક્ષિત બનાવવાં સાથે પ્રશિક્ષિત બનાવવાનું કાર્ય કર્યું છે. જેના કારણે તેઓ આત્મનિર્ભર બનવાં સાથે આત્મનિર્ભર ભારત બનાવવામાં તેમનો ફાળો આપી રહ્યાં છે. દૂનિયાની આંખમાં આંખ પરોવીને આજનો યુવાન ઉભો રહી શકે તે માટે નવી શિક્ષણ નીતિ તેમજ નવા આયોજનોનું સાયુજ્ય કરીને યુવાનોને સક્ષમ બનાવવાનું કાર્ય કર્યુ છે.
'કેન્દ્રની યોજનાઓની લોકોના જીવનધોરણમાં બદલાવ આવ્યો'
લોકોને ઘરનું ઘર મળે તે માટે રૂા.3 લાખ સુધીની સહાય, ધંધો રોજગાર કરવાં માટે સહાય, નલ સે જલ યોજના દ્વારા દરેક ઘરે પાણી, ઉજ્જવલા યોજના વગેરે જેવી યોજનાઓ દ્વારા લોકોના જીવનધોરણમાં આવેલ બદલાવની તેમણે વિસ્તૃત સમજણ આપી હતી. કોરોનાકાળમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ કરીને લોકોને મોતના મુખમાંથી બચાવવાનું કાર્ય કેન્દ્રની સરકારે કર્યું છે. 80 કરોડ દેશવાસીઓને ઘર બેઠાં રાશન પહોંચાડીને લોકોના ઘરનો ચૂલો સળગતો રાખવાનું કાર્ય કેન્દ્રની સંવેદનશીલ સરકારે કર્યું છે તેની વિગતો તેમણે આપી હતી.
ખેડૂતો માટે જમીનનું સોઇલ ટેસ્ટિંગ, કિસાન ક્રેડિટ કાર્ડ, કિસાનોને રૂા.3 લાખની વગર વ્યાજની લોન વગેરે જેવાં પગલાઓ દ્વારા ખેતી અને ખેડૂતને બચાવવાનું કાર્ય વડાપ્રધાને કર્યું છે. તો સખી મંડળો તથા મહિલાલક્ષી યોજનાઓ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાં સાથે ગામડાઓનું પણ સશક્તિકરણ કરવાનું કાર્ય કર્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
8 વર્ષમાં જે વિકાસ થયો તે પાછલા 60 વર્ષમાં નથી થયો- મેયર
મેયર કીર્તિબાળા દાણીધારીયાએ કેન્દ્ર સરકારની આઠ વર્ષ પૂર્ણ થવાની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં છેલ્લા આઠ વર્ષમાં જે વિકાસ થયો છે. તેવો છેલ્લાં 60 વર્ષોમાં પણ થયો નથી. ગરીબ, વંચિત અને છેવાડાના માનવીને સુખ-સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક હકારાત્મક પગલાં ભરવામાં આવ્યાં છે. કલમ-370 અને ત્રિપલ તલાકની નાબૂદી કરીને તેમજ છેવાડાના માનવી સુધી કોરોનાના સમયગાળામાં રાશન પહોંચાડીને લોકોનું જીવનધોરણ ટકાવી રાખવાનું અને તેને સુધારવાનું અદભૂત કાર્ય કેન્દ્રની વર્તમાન સરકારે કર્યું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, ગત વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેનાથી છેવાડાના અનેકોનેક નાગરિકોને લાભ થયો છે અને તેમના જીવનમાં બદલાવ આવ્યો છે.
આ અવસરે ડેપ્યુટી મેયર કૃણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, ભાજપના શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.એમ. રાજપૂત, સ્થાનિક કોર્પોરેટરઓ, લાભાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.