કોઇપણ શહેર કે ક્ષેત્રના વિકાસ માટે મોટા શહેરો સાથે તેની કનેક્ટિવિટી કેવી છે તે પ્રથમ જોવામાં આવે છે. ભાવનગર અત્યાર સુધી કનેક્ટિવિટીની દ્રષ્ટિએ ગુજરાતમાં પછાત ગણાતુ હતુ. પરંતુ હવે ભાવનગરને સડક, રેલ, હવાઇ, જળ માર્ગથી સમૃધ્ધ કનેક્ટિવિટી મળવા જઇ રહી છે. તેના કારણે આગામી દસકામાં ભાવનગરનો વિકાસ હરણફાળ ભરી શકે છે. ભાવનગરથી અમદાવાદ સડક માર્ગે જવા માટે વાયા ધોલેરા અને વાયા વલભીપુર-ધંધુકા એમ બે માર્ગ છે.
અમદાવાદ ગુજરાતનું મહત્વપૂર્ણ શહેર છે. ભાવનગરથી બાવળીયારી સુધીનો રસ્તો ચાર માર્ગીય બની ચૂક્યો છે, પિપળીથી અમદાવાદ સુધી ચાર માર્ગીય છે. ટુંક સમયમાં બાવળિયારીથી પિપળી સુધીનો રસ્તો ફોર ટ્રેક બની જશે અને ભાવનગરથી અમદાવાદ સડકમાર્ગે સાનુકુળતા ઉભી થશે. ઉપરાંત ભાવનગર-વલભીપુર-ધંધુકા-બગોદરાવાળા રસ્તાને પણ ચાર માર્ગીય બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. બીજી તરફ ભાવનગરથી રાજકોટ ચારમાર્ગીય થઇ ચૂક્યો છે.
અને ભાવનગર-સોમનાથ ચાર માર્ગીય બનાવવા માટેની કામગીરી ગતિમાં છે. આમ સડકમાર્ગે ભાવનગર રાજ્યના અન્ય શહેરો સાથે સારી સુવિધાઓથી જોડાઇ જશે. ભાવનગર-બાંદ્રા દૈનિક ટ્રેન અને બ્રોડગેજ હોવાથી અન્ય શહેરો સાથેની કનેક્ટિવિટી સામેલ છે. બોટાદ-અમદાવાદના બ્રોડગેજ કન્વર્ઝનની કામગીરી પૂર્ણતાના આરે છે તેથી ભાવનગર-અમદાવાદ વચ્ચે રેલ માર્ગ પણ સરળ બની જશે. ભાવનગરથી હવાઇ સેવાઓના મામલામાં અત્યાર સુધી ભાવનગર-મુંબઇની ફ્લાઇટ જ હતી.
પરંતુ આગામી સમયમાં ભાવનગર-દિલ્હી, સુરતની ફ્લાઇટો શરૂ થવાની છે, ઉપરાંત દેશના 13 મહત્વપૂર્ણ શહેરો સાથે વન સ્ટોપ કનેક્ટિવિટી પણ મળવાની છે. તેથી હવાઇ માર્ગે પણ ભાવનગર દેશના મહત્વપૂર્ણ શહેરો સાથે જોડાઇ જશે. જળ માર્ગે ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા સુધીની રો-પેક્સ ફેરી સર્વિસ ચાલી રહી છે અને હાલમાં એક જહાજ આ રૂટમાં ચાલી રહ્યું છે, અને ટુક સમયમાં વધુ એક જહાજ આ રૂટ પર ચલાવવાની યોજનાઓ છે.
આ ઉપરાંત ઘોઘા-પિપાવાવ-મુંબઇની રો-પેક્સ ફેરી સેવા અંગેની પણ વિચારણાઓ ચાલી રહી છે. જળમાર્ગે ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મુસાફર પરિવહન ઉપરાંત ટ્રક, બસ, ટેમ્પા, કારનું પણ વહન જહાજ વડે થઇ રહ્યું છે તેથી સડક પરનું ભારણ પણ ઘટી રહ્યું છે.
સૌરાષ્ટ્ર અને દ.ગુજરાત વચ્ચેનું સામાજીક અંતર પણ ઘટી રહ્યું છે. ભાવનગરમાં આગામી દસકામાં નવ ઉદ્યોગો લાવવા માટેની પ્રાથમિક જરૂરીયાતો સમાન કનેક્ટિવિટીની સમસ્યા હાલ પુરતી સામાન્ય થઇ રહી છે હવે જરૂરીયાત છે રાજકીય રીતે પ્રમાણિક પ્રયાસો કરવાની. આગામી દસકામાં ભાવનગરનો વિકાસ હરણફાળ ભરી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.