મેઘમહેર:ભાવનગરમાં ભાદરવામાં અષાઢી માહોલ છવાયો, શહેરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી વહેતા થયા

ભાવનગર10 મહિનો પહેલા
  • ઘોઘા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો

ભાવનગર શહેર-જિલ્લામાં ભાદરવા માસે મેઘરાજાએ અષાઢી રૂપ ધારણ કર્યું હોય તેમ છેલ્લા પાંચેક દિવસથી છવાયેલ વરસાદી માહોલને પગલે અષાઢ તથા શ્રાવણ માસમાં પડેલી વરસાદ ની ઘટ ભાદરવે પુરી થઈ જાય એવી સુંદર સ્થિતિ નું નિર્માણ થયું છે.

ભાવનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસ થી વરસાદની જોરદાર જમાવટ જોવા મળી રહી છે ખાસ્સો સમય રાહ જોવડાવ્યા બાદ સચરાચર મેઘ મહેરથી લોકો-ધરતીપૂત્રો ના હૈયે ટાઢક થઈ છે ભાવનગર શહેર માં છેલ્લા ત્રણ દિવસ થી સમય સમયાંતરે હળવા-ભારે ઝાપટાં થી લઈને એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે આજરોજ સવારથી જ વરસાદ ચોક્કસ વરસે એવું વાતાવરણ સર્જાયું હતું દરમ્યાન બપોરેથી જ ધીમીધારે શરૂ થયેલ વરસાદ સાંજે સુધી વરસ્યો હતો.

શહેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હોવાનું શહેરની હવામાન વિભાગ ની કચેરી દ્વારા જણાવ્યું છે એજ રીતે જિલ્લામાં પણ સતત શરૂ રહેલ વરસાદ ને પગલે નાનાં મોટાં જળાશયો, ખેત તલાવડા,ચેકડેમ છલકાઈ ગયાં છે જે ધરતીપૂત્રો માટે વરદાન થી કમ નથી તો બીજી તરફ અછત સાથે મુરજાતી મોલાતોને પણ કળ વળવાનો સોનેરી અવસર મળ્યો હોય તેમ ખરીફ પાકો સિમ વાડીમાં સોળે કળાએ ખીલી ઉઠી છે નદી-નેરાઓ માં પણ પાણી ની નોંધપાત્ર આવક શરૂ થઈ ગઈ છે.

ભાવનગર શહેર સાથે આજે ઘોઘા પંથકમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને મોડી સાંજે ફરી ઝરમર વરસાદ શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે ધીમી ધારે અને અવિરતપણે વરસતા વરસાદને પગલે જમીનમાં પણ પાણી ઉતરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...