ઉજળી તક:વેહિકલ સ્ક્રેપ યાર્ડ માટે ભાવનગર એક આદર્શ સ્થળ !

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેહુલભાઈ વડોદરીયા, પૂર્વ મેયર - Divya Bhaskar
મેહુલભાઈ વડોદરીયા, પૂર્વ મેયર
  • રોજગારી માટે ઝઝુમતા ભાવનગરના લોકો માટે આશાના કિરણસમુ

ભાવનગરને કુદરતે શ્રેષ્ઠ દરિયા કિનારો આપ્યો છે, એરપોર્ટ છે, બ્રોડગેજ લાઇન છે, અલંગનું શિપબ્રેકિંગ યાર્ડ છે, રો-રો ફેરી સર્વિસ છે, વીજ-પાણી છે, સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ મેન પાવર પણ છે. એક ઉદ્યોગ સ્થાપવા માટે જરૂરી તમામ બાબતોની પાત્રતા ભાવનગરમાં છે, તેથી વેહિકલ સ્ક્રેપ યાર્ડ ભાવનગરમાં આવવાથી આ ઉદ્યોગને તો ફાયદો થશે જ પરંતુ જિલ્લાના હજારો લોકોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે રોજીરોટી મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગરમાં વેહિકલ સ્ક્રેપ યાર્ડની સ્થાપના કરવા માટે કામગીરી આગળ ધપાવવામાં આવી છે. ભાવનગર પાસે એક ઉદ્યોગને જરૂર હોય તેટલી સરકારી બિનખેતી જમીન ઉપલબ્ધ છે. ભાવનગર જિલ્લામાંથી નેશનલ હાઇ-વે પસાર થાય છે. ગુજરાતના મુખ્ય શહેરો સાથેની પરિવહન કનેક્ટિવિટી શ્રેષ્ઠ છે. રેલ, હવાઇ, જળ અને સડક માર્ગનું પરિવહન ભાવનગરના નસીબમાં આવેલું છે. ચોક્કસ સમયાવધિ સમાપ્ત કરી ચૂકેલા વાહનોને સ્ક્રેપ માટે મોકલી દેવા અંગેના કાયદા પર ભારત સરકાર આગળ ધપી રહી છે.

ઉપરાંત સમગ્ર વિશ્વમાં પણ વાહનોને સ્ક્રેપમાં મોકલવાના નિયમો અમલમાં છે.ભાવનગર જિલ્લામાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડ આવેલું છે, અને જહાજ ભાંગવાની પ્રવૃત્તિમાંથી નિકળતો સ્ક્રેપ જિલ્લાની અનેક રી-રોલિંગ મિલોમાં કાચા માલ તરીકે જાય છે. વેહિકલ સ્ક્રેપ યાર્ડની ભાવનગરમાં સ્થાપનાથી નવા સ્ટીલ પ્લાન્ટ પણ ભાવનગર ભણી નજર દોડાવશે. વાહનોને ભાંગવા દરમિયાન તેમાંથી નિકળતા દરેક પ્રકારના કચરાના સંચાલન માટે આધૂનિક ટીએસડીએફ પ્લાન્ટ અલંગમાં મોજુદ છે.

દુનિયાના કોઇપણ દેશોમાંથી જૂના વાહનો સ્ક્રેપ માટે લાવવા હોય તો માત્ર 130 કિ.મી.ના અંતરે પિપાવાવ પોર્ટ આવેલુ છે ત્યાં વાહનો અનલોડ કરી ભાવનગર લાવી શકાય. ઉપરાંત ભાવનગરની નજીકથી જ દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પસાર થઇ રહ્યો હોવાથી અન્ય શહેરોમાં માલ મોકલવો હોય તે તેમાં પણ સરળતા થઇ શકે તેમ છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં કામ કરી રહેલા કામદારો જહાજ ભાંગવા માટે તાલીમબધ્ધ હોય છે, અલંગમાં કામદાર તાલીમ સંકુલ પણ આવેલું છે, તેથી વેહિકલ સ્ક્રેપ યાર્ડ માટે તાલીમબધ્ધ કામદારો પણ ભાવનગર જિલ્લામાં આસાનીથી ઉપલબ્ધ બની શકે છે.

ભાવનગર જિલ્લામાં વેહિકલ સ્ક્રેપ યાર્ડની સ્થાપના થાય તો આનુષંગિક ઉદ્યોગોને પણ વેગ મળી શકે, રી-રોલિંગ મિલોને કાચો માલ સતત મળી શકે તેમ છે. સડક, જળ, રેલવે, હવાઇ કનેક્ટિવિટી, સ્કીલ્ડ-અનસ્કીલ્ડ મેનપાવર ભાવનગર જિલ્લામાં મોજુદ હોવાથી વેહિકલ સ્ક્રેપયાર્ડના આગમનથી જિલ્લાની આર્થિક શકલ ફેરવાઇ જશે.

અન્ય સમાચારો પણ છે...