વિશ્વ ફિઝિયોથેરાપી ડે:ભાવનગર ફિઝિયોથેરાપીના ક્ષેત્રમાં અવ્વલ, બાળકોની સારવાર માટે મેટ્રિક્સ થેરાપી અને ગેટ ટ્રેનર સાધનથી સજ્જ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

8 સપ્ટેમ્બર વિશ્વમાં ફિઝિયોથેરાપી ડે તરીકે ઉજવવામાં આવે છે. રક્તદાન દેહદાન ચક્ષુદાન જેવા ક્ષેત્રે સુંદર કામગીરી કરતું ભાવનગર આ ફિઝિયોથેરાપીના ક્ષેત્રમાં પણ અવ્વલ છે. નાના બાળકોને આ સારવાર માટે સમગ્ર ગુજરાતમાં સૌથી આધુનિક, પણ ટ્રસ્ટના સેવાકીય ભાવ સાથે અને ઉત્તમ સારવાર ભાવનગરમાં ઉપલબ્ધ છે.

વિશેષ ઉપકરણો માત્ર પીએનઆર સોસાયટીમાં
શહેર અને જિલ્લામાં પ્રાઇવેટ અને ટ્રસ્ટ સંચાલિત અનેક ફિઝિયોથેરાપી સેન્ટર ચાલે છે આ સેન્ટર પર અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ પણ છે પરંતુ બાળકોની સારવાર કરી શકાય તેવા સાધનો અને તેમાં પણ કેટલાક વિશેષ ઉપકરણો માત્ર પીએનઆર સોસાયટી સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટરમાં ઉપલબ્ધ છે અને તેના કારણે બાળકો માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની છે. બાળકને જન્મજાત ખોડખાપણ પણ હોય, હાથ કે પગ બરાબર કામ ન કરતા હોય, આંખ ત્રાંસી રહેતી હોય કે પછી કોઈ અકસ્માતે ઓપરેશન કર્યા બાદ શરીરના અંગો યોગ્ય કામ ન કરતા હોય આ સમયે આ સંસ્થા દ્વારા સંચાલિત ભાવનગર ઉપરાંત તળાજા, મહુવા, પાલીતાણા, સિહોર ખાતેના સેન્ટર ઉપયોગી થતા હોય છે. અહીં ખાસ કરીને બાળકો માટેના વિશિષ્ટ સાધનો અને સારવાર પદ્ધતિઓ ઉપલબ્ધ છે.

નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા બાળકની સારવાર કરવામાં
મેટ્રિક્સ થેરાપી કે જેના દ્વારા કડક થઈ ગયેલા સ્નાયુઓને ઢીલા કરવામાં આવે છે. ગેટ ટ્રેનર સાધનથી બાળકોને યોગ્ય રીતે ચાલતા કરવાની સારવાર અને તાલીમ આપવામાં આવે છે. બેલેન્સ બોર્ડ દ્વારા શરીરનું સંતુલન રાખવાની સારવાર તાલીમ આપવામાં આવે છે. ફિઝિયોબોલ, એક્સરસાઇઝ મશીન આ અને આવા ઉપકરણો તથા તેના નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા બાળકની સારવાર કરવામાં આવે છે.

આ સેન્ટર પર સહુ માટે સુવિધા ઉપલબ્ધ છે
સ્થાપક ટ્રસ્ટી બાબાભાઈ શાહે જણાવ્યું હતું કે, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ તથા ખોડ ખાપણવાળા બાળકો માટે તો આ છે જ, ઉપરાંત બાળકોને કોઈ ઓપરેશન બાદ આ પ્રકારની ફિઝિયોથેરાપીની જરૂર જણાય તો આ સેન્ટર પર સહુ માટે સુવિધા ઉપલબ્ધ છે. વિશેષ રીતે આ સેન્ટર બાળકો માટે જ સેવારત હોય તેને ધ્યાનમાં રાખી સારવાર અને સેવાઓ ઉપલબ્ધ છે. વધુમાં દાતાઓના સહયોગથી તદન રાહતદરે આ સેવા ઉપલબ્ધ થઈ શકી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સેક્રેટરી જનરલ પારસભાઈના જણાવ્યા મુજબ, સંસ્થાના તાલુકા મથકો પરના સેન્ટર પર જ્યારે ભાવનગર શહેરમાં પીએનઆર હોસ્પિટલ વિદ્યાનગર તથા નટરાજ કેમ્પસ સીપી સ્કૂલ કાળીયાબીડ ખાતે પણ આ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે ટેલિફોન નં.9427423757 ઉપર સંપર્ક કરી શકાય છે.

સરખું ચાલી ન શકતા બાળકોને દોડતા કરવા માટે ચાલી રહ્યા છે આ સેન્ટર
ક્રિસિવને શું થયું તે સમજાતું ન હતું. તે બરાબર ચાલી શકતો ન હતો, તેના પગ જે રીતે વળવા જોઈએ તે વળતા ન હતા અને તે પોતાનું વજન પણ પગ ઉપર ઝીલી શકતો ન હતો. કોઈ મોટી સમસ્યા તો નહીં હોય ને ? માતા-પિતાને ચિંતા સતાવતી હતી તેમણે તબીબને બતાવ્યું તો ખ્યાલ પડ્યો તેના પગના સ્નાયુઓ નબળા છે અને તેના કારણે જ તેને આ મુશ્કેલી છે. કોઈ ઓપરેશન કે દવાઓની જરૂર ન હતી પરંતુ યોગ્ય ફિઝિયોથેરાપીની આવશ્યકતા હતી. આ સમયે પીએનઆર સોસાયટી દ્વારા ચાલતું ફિઝિયોથેરપી સેન્ટર તેની મદદથી આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...