ગેસ કૌભાંડ:ભાવનગરમાં ગેસના બાટલામાંથી અમુક ટકા ગેસ કાઢી કોમર્શિયલ બાટલાઓમાં નાખવાનું કૌભાંડ ઝડપાયું, 6 શખ્સની અટકાયત

ભાવનગર12 દિવસ પહેલા
  • ભેજાબાજો એક બાટલામાથી ત્રણ કિલો ગેસ કાઢી ખાલી બોટલો ભરતા રંગેહાથ ઝડપાયા
  • પોલીસે કોમર્શિયલ રિફીલ 34, કુલ 96 ગેસ સિલિન્ડર તથા બે વાહનો કબજે કર્યા

ભાવનગરમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેસ કાઢી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના ચૌદનાળા વિસ્તારમાં આવેલા મફતનગર સ્થિત રહેણાંકી મકાનમાં રાંધણ ગેસના બાટલામાથી ગેસ કાઢી ખાલી રીફીલ ભરવાનું કૌભાંડ ઝડપાયું છે. ભેજાબાજોએ એક બાટલામાથી ત્રણ કિલો ગેસ કાઢી ખાલી બોટલો ભરતા રંગેહાથ ઝડપાયા હતા. જેથી પોલીસે 6 આરોપીઓની અટકાયત કરી છે.

આ સમગ્ર બનાવ અંગે એએસપી સફિન હસન પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના ચૌદનાળા વિસ્તારમાં રાંધણગેસના બાટલામા ઓછું વજન હોવાની ગઈકાલે ફરિયાદ મળી હતી. જેથી તંત્ર દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટીમને બાતમી મળી હતી કે, શહેરના ઘોઘા રોડપર આવેલા ચૌદનાળા મફતનગર વિસ્તારમાં રહેતા રજાક મનસુર ડેરૈયાના રહેણાંકી મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે મકાન માલિક સહિત 5 શખ્સો રાંધણગેસના બાટલામાથી ગેસ કાઢી ખાલી બાટલામા ભરી રહ્યાં હતાં.

એએસપી સફીન હસનની ટીમ તથા બી ડીવીઝન પોલીસની ટીમે 6 શખ્સોની અટકાયત કરી છે. પોલીસે લોડીંગ રીક્ષા નં જી-જે-3-એડબલ્યુ 4341 તથા જી-જે-04 ડબલ્યુ 7219, કોમર્શિયલ રિફીલ 34, ગૃહ વપરાશમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર 62 ઈન્ડેન ગેસ મળી કુલ 96 ગેસ સિલિન્ડર તથા બે વાહનો પણ કબજે કર્યા છે. પોલીસે હાલ 6 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...