તપાસ:647 કરોડના GST કૌભાંડમાં ભાવનગરની ફાઈલો

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોહમદહનિફ અન્સારીના સુરત-અમદાવાદ કેસની તપાસના તાર લંબાયા

જીએસટી સાથેની ગેરરીતિની વાત આવે એટલે ભાવનગરનો ઉલ્લેખ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિકળે જ. તાજેતરના 647 કરોડના બોગસ બિલિંગ કૌભાંડની તપાસ ભાવનગર સુધી લંબાવવામાં આવી છે. ગરીબ, મજૂર, અભણ અને મજબૂર લોકો સાથે શાબ્દિક છેતરપિંડી રચી સરકારી સહાય, લોન અપાવવા સહિતના બહાના બતાવી ડોક્યુમેન્ટ મેળવી અને તેના વડે બોગસ પેઢીઓના જીએસટી રજીસ્ટ્રેશન મેળવવામાં આવે છે. અને બાદમાં તેવી પેઢીઓમાંથી બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ લેવા જેવી ગેરરીતિઓ આચરવામાં આવે છે. આવા પ્રકારનું કૌભાંડ તાજેતરમાં પ્રકાશમાં આવ્યુ છે.

મોહમ્મદહનિફ મોહમ્મદહુસૈન અન્સારીએ અમદાવાદમાં 51 અને સુરતમાં 15 એમ કુલ 66 બોગસ પેઢીઓની રચના કરી 647 કરોડનું બોગસ બિલિંગ આચર્યુ છે. આ બોગસ બિલિંગ વડે તેઓએ 116 કરોડની ખોટી વેરાશાખ ભોગવી અને પાસઓન કરી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મોહમ્મદહનિફ અન્સારીની ધરપકડ કરી હતી. અને તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા, કોર્ટે 11 દિવસના કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન મંજૂર કર્યા છે.

66 બોગસ પેઢીઓની રચના કરવા માટેની ફાઇલો મોહમ્દહનિફ અન્સારીએ ભાવનગરના લોકો પાસેથી મેળવી હોવાની શંકા સેવાઇ રહી છે. અન્સારીએ 116 કરોડની વેરાશાખ સ્ક્રેપ, બ્રાસ પાર્ટ્સ, કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પાસઓન કરી હોવાની દિશામાં તપાસ લંબાવવામાં આવી રહી છે. અન્સારીની વિસ્તૃત પુછપરછ ચાલી રહી છે, પરંતુ પ્રારંભિક ધોરણે તેઓએ બોગસ પેઢીઓની રચના કરવા માટે ભાવનગરમાંથી ફાઇલો લીધી હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. ઉપરાંત અન્સારીએ 647 કરોડનું જે બોગસ બિલિંગ કૌૈભાંડ આચર્યુ છે, તેમાં પણ ભાવનગરના લોકો સંડોવાયેલા હોવાની શંકાના આધારે ગુપ્તરાહે તપાસ ચાલુ કરવામાં આવી છે.

બીજી તરફ 2700 બોગસ રજીસ્ટ્રેશન નંબરોની પણ તપાસ ચાલી રહી છે, આમ ભાવનગરમાં જુદી જુદી સરકારી એજન્સીઓ દ્વારા બોગસ બિલિંગ જેવી જીએસટી ગેરરીતિઓની તપાસ કરવામાં આવી રહી છે. ફાઇલો બનાવનારા પન્ટરો, બોગસ બિલરોમાં લાકડીયો તાર ફરી વળતા મોટાભાગના ભેજાબાજો ગામ છોડી નાસી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...