કાર્યવાહી:ભાવનગર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલના 60 હજાર લીટરના જથ્થા સહિત રૂ.47 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

ભાવનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમરાળા મામલતદાર અમૃતલાલ અંટાલા તેમની ટીમની મધરાત્રે દિલધડક કામગીરી
 • બાયોડીઝલના ખરીદ-વેચાણ અંગે કોઇ ગેરરીતિ ધ્યાને આવે તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરીનો સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરાઈ

બાયોડિઝલ સામે છેલ્લા ઘણાં સમયથી કડક કામગીરી કરવા છતાં તંત્રની જ મીઠી નજર તળે અનેક જગ્યાએ બાયોડિઝલના પંપ ચાલી રહ્યા હોવાની બાતમી મળતા જિલ્લાની ટીમે ગુપ્તરાહે રાત્રીની સમયે રંઘોળામાં એકસાથે જુદા જુદા આઠ સ્થળે દરોડો પાડી રૂ.47.19 લાખનો બાયોડિઝલનો જથ્થો સીઝ કર્યો હતો. દરોડામા જોડાયેલી ટીમને પણ જાણ ના હતી કે ક્યાં સ્થળે દરોડો પાડવાનો છે તે રીતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. મોબાઇલ સ્વિચ ઓફ કરાવી નાયબ મામલતદારોને મીટીંગમાંથી જ ઉપાડ્યા હતાં. પુરવઠાની 15ની ટીમે 8 સ્થળો પર ધમધમતા બાયોડિઝલના પંપ પકડી પાડ્યા હતા.

બાયોડિઝલનું ખરીદ વેચાણ ગેરકાયદેસર હોવા છતાં જિલ્લામાં અનેક જગ્યાએ વેચાણ થઇ રહ્યું છે. જેમાં ઘણીવાર તંત્રની પણ સાંઠગાઠને નકારી શકાય નહીં. તંત્ર વાહકોની મીઠી નજર તળે બાયોડિઝલ વેચનારા ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે. ત્યારે ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે આઠ જગ્યાએ બાયોડિઝલનું વેચાણ થતું હોવાની જિલ્લા પુરવઠાની ટીમને બાતમી મળતા તેની સામે કાર્યવાહીની જરાય ગંધ આવી જાય તો દરોડા નિષ્ફળ જવાની પુરી શક્યતાને કારણે જિલ્લા પુરવઠા અધિકારી ભૂમિકા વાટલીયાએ ગત 15મીના રોજ પુરવઠાના નાયબ મામલતદારોની કલેક્ટર કચેરી ખાતે બેઠક હતી. તે પૂર્ણ થતાં જ જિલ્લાના તમામ પુરવઠા નાયબ મામલતદારો અને જિલ્લા પુરવાઠાની ટીમે રંઘોળા ચોકડી અને રંઘોળા હાઈ વે પર રાત્રીના સમયે એકસાથે આઠ સ્થળે બાયોડિઝલના ધમધમતા પંપ પર દરોડો પાડી ગેરકાયદેસર રૂ.47,19,600ની કિંમતનો 60,300 લીટર બાયોડિઝલનો જથ્થો સીઝ કર્યો હતો. પુરવઠા વિભાગની ટીમે આખી રાત્રી કામગીરી કરી હતી. અને ઝડપાયેલ જથ્થાને તપાસાર્થે મોકલવામાં આવ્યો છે. પરંતુ જો પુરવઠાની આ કામગીરીની તંત્રને પણ જાણ થઈ હોત તો દરોડો સફળ થઈ શક્યો ના હોત.

આઠ પંપ પર દરોડા પાડવાનું ઓપરેશન કઈ રીતે પાર પાડ્યું ?
રંઘોળામાં બાયોડિઝલના પંપ ધમધમતા હોવાની જિલ્લાની ટીમને માહિતી મળતા પહેલા તેમના માણસો દ્વારા દરેક સ્થળે ખરાઇ કરાવી અને પછી જિલ્લા કલેક્ટર કચરી ખાતે પુરવઠાની બેઠકમાં તમામ તાલુકાના નાયબ મામલતદારો ઉપસ્થિત હતાં જેઓને માત્ર દરોડા પાડવાના છે સ્થળની માહિતી નહીં આપી દરેકને 15મીની રાત્રે ઘરે નહીં આવેના ફોન કરાવી મોબાઇલ સ્વીચ ઓફ કરાવી દીધા હતાં. ત્યારબાદ રંઘોળાના આઠ સ્થળે જિલ્લા અને તાલુકાના મામલતદાર સહિત 15ની ટીમને ગોઠવી દઈ એકસાથે દરોડા પાડી 60,300 લીટર બાયોડિઝલનો જથ્થો સીઝ કર્યો હતો.

મર્ડર થયું બીજી રાત્રે દરોડા
રંઘોળા અમદાવાદ હાઈવે પર વિપુલભાઈ સુરાભાઈ કુવાડિયાની માલિકીના પંપ પર પણ દરોડો પાડ્યો હતો. પરંતુ વિપુલભાઈ કુવાડિયાનું દરોડાની આગલી રાત્રે જ મર્ડર થયું હતું. જેથી જથ્થો સીઝ નહીં કરી માત્ર સીલ મારી રોજકામ કર્યુ હતું.

કોને ત્યાંથી કેટલો જથ્થો સીઝ

 • સુરેશભાઈ બચુભાઈ ચાવડા- રૂ.3.45 લાખનો 4000 લીટર
 • રસીકભાઈ ભાઈશંકરભાઈ પંડ્યા- રૂ.37.72 લાખનો 49200 લીટર
 • કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ- રૂ.86,100ની કિંમતનો 1400 લીટર
 • વિપુલભાઈ સુરાભાઈ કુવાડિયા રોજકામ કરેલ
 • પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ ગોહિલ- રૂ.2.12 લાખનો 2500 લીટર
 • જયેશભાઈ કાળુભાઈ મેર- રૂ.56,800ની કિંમતનો 700 લીટર
 • દિલીપભાઈ ટીસાભાઈ કોતર- રૂ.1.55 લાખનો 1500 લીટર
 • જીણાભાઈ મારૂ - રૂ.92 હજારનો 1000 લીટર

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેર જનતાને જણાવાયુ છે કે, ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ખરીદ/વેચાણ કરવુ કાયદેસરનો ગુન્હો બને છે. વઘુમાં જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે, જિલ્લામાં બાયોડીઝલના ખરીદ/વેચાણ અંતર્ગત કોઇ ગેરરીતિ જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી, ભાવનગરનો સંપર્ક કરવો અથવા dso-bav@gujarat.gov.in પર ઇ-મેઇલથી જાણ કરવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...