​​​​​​​​​​​​​​આશાવાદ:ભાવનગરના ક્રિકેટરો ઝળકે છે પરંતુ નેતાઓ વચન પુરા કરી ક્યારે ઝળકશે?

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રિકેટ સ્ટેડિયમમાત્ર વચનોમાં જ
  • IPLમાં ચેતન સાકરીયા અને શેલ્ડન જેકસને કાઠુ કાઢ્યું : ઘર આંગણે સુવિધા મળે તો નવા ખેલાડીનું હીર બહાર આવે
  • આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ ભાવનગર ઝંખે છે : છેલ્લા 28 વર્ષથી ભાવનગરમાં રણજીટ્રોફી રમાઈ નથી

ઇન્ડિયન પ્રીમિયર લીગ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભાવનગરના ખેલાડીઓની ઉપસ્થિતિ નોંધ સમગ્ર દેશ લઈ રહ્યું છે, પરંતુ ભાવનગર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમ ની વાત વર્ષોથી બે પૂંઠા વચ્ચે ઢબુરાયેલી પડેલી છે. નવાઈની વાત તો એ છે કે ભાવનગરમાં છેલ્લા 28 વર્ષથી પ્રથમ શ્રેણી ક્રિકેટ મેચો રમાય કેવું મેદાન પણ ઉપલબ્ધ રહ્યું નથી.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને હાલના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભુતકાળમાં વારંવાર ભાવનગરના સ્ટેડીયમ માટે જાહેરાતો કરી વચનો આપ્યા છે. અને ભાવનગરના ખેલાડીઓ જ્યારે આંતરરાષ્ટ્રિય કક્ષાએ પોતાનું કૌવત દેખાડી રહ્યા છે ત્યારે ભાવનગરમાં ક્રિકેટ સ્ટેડીયમના અભાવે ક્રિકેટના આશાવાદી ખેલાડીઓમાં નિરાશા ફેલાઈ છે. ભાવનગરના રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ નેતાઓ છે ત્યારે ભાવનગરના ખેલાડીઓમાં ક્રિકેટ સ્ટેડીયમની આશા જન્મી છે.

રવિવારે સંપન્ન થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં ભાવનગરના શેલ્ડન જેક્સન અને ચેતન સાકરીયાને કોલકાતા નાઇટ રાઇડર્સને દિલ્હી કેપિટલ્સ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત વર્ષો અગાઉ ભાવનગરના અશોકભાઈ પટેલ ઇન્ડિયન ક્રિકેટ ટીમ વતી રમ્યા હતા અને તાજેતરમાં ડાબેરી ફાસ્ટ બોલર ચેતન સાકરીયા પણ ભારત વતી વન-ડેમાં રમી ચુક્યા છે. તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ ખાતે સંપન્ન થયેલા અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ટીમ ચેમ્પિયન બની હતી અને આ ટીમમાં ભાવનગરના અંશ ગોસાઈ નો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો હતો.

આમ ભાવનગરના ક્રિકેટનું પ્રદાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધપાત્ર રહ્યું છે. વર્ષ 1992 અને 1994માં ભાવનગર યુનિવર્સિટી ક્રિકેટ મેદાન ખાતે રણજી ટ્રોફીની મેચ રમાઈ હતી. પરંતુ દુઃખદ વાત છે કે છેલ્લા 28 વર્ષથી ભાવનગરમાં એક પણ પ્રથમ શ્રેણી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી શકાયું નથી. તેના મૂળમાં ભાવનગરમાં નેશનલ ક્રિકેટના ધારાધોરણ મુજબનું ક્રિકેટ મેદાન અને તેને સંલગ્ન સવલતો મોજુદ નથી તે છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડૉ.દિલીપસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે, ભાવનગર યુનિવર્સિટી ક્રિકેટ મેદાનનું ટૂંક સમયમાં નવીનીકરણ કરવામાં આવનાર છે. પ્રથમ શ્રેણી ક્રિકેટના માપદંડ મુજબ નું મેદાન અને સંલગ્ન સગવડતાઓ ઉભી કરવામાં આવશે.

ભરૂચના ક્રિકેટ ક્લબ ખાતે સર ભાવસિંહજી ક્રિકેટ એકેડેમી, સંસ્કાર મંડળ ક્રિકેટ એકેડેમી, યુનિવર્સિટી મેદાન ખાતે ભાવનગરના એક હજારથી વધુ યુવા ક્રિકેટરો પોતાની કારકિર્દી ઘડવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ભાવનગરમાં પ્રથમ શ્રેણી કક્ષાની ક્રિકેટ મેચોનું આયોજન નહીં થતું હોવાને કારણે ખેલાડીઓને પૂરતું પ્રોત્સાહન મળી શકતું નથી.

જવાહર મેદાન એકદમ આદર્શ સ્થળ
ભાવનગરમાં ક્રિકેટ સ્ટેડિયમ માટે જવાહર મેદાન એકદમ આદર્શ સ્થળ છે. મોટી જગ્યા, પાર્કિંગ તમામ બાબતો ઉપલબ્ધ છે, મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એક જ શાસક પક્ષની છે, તેથી પ્રામાણિક પ્રયાસો કરવામાં આવે તો જવાહર મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું સપનું સાકાર થઈ શકે.

ભાવનગરમાં અદ્યતન મેદાનની યોજના
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ ના ક્રિકેટ સ્ટેડિયમ આવેલા છે. હવે એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં ક્રિકેટની સગવડતાઓ વિસ્તારવામાં આવી રહી છે. ભાવનગરમાં પણ પ્રથમ શ્રેણી ક્રિકેટ ટુર્નામેન્ટ રમી શકાય તેવા મેદાન બનાવવાની યોજના છે અને તેના અંગે કામગીરી ચાલી રહી છે. > હિમાંશુ શાહ, સેક્રેટરી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન.

અન્ય સમાચારો પણ છે...