વાત વિકાસની:ભાવનગર કોસ્ટલ રેલવે યોજનાથી સમગ્ર જિલ્લાની થઇ શકે કાયાપલટ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર પોર્ટ, ઘોઘા, અલંગ, તળાજા, મહુવા, પિપાવાવને સાંકળતી રેલ લાઈન
  • દરિયાઈ માર્ગોને સાંકળતી રેલવે 40 વર્ષથી બંધ
  • કોસ્ટલ લાઈન રેલવે સાકાર થાય તો માર્ગ અક્સ્માતોની સંખ્યામાં ઘટાડો થાય અને બંદરોનો વિકાસ શક્ય બની શકે

સમગ્ર ગુજરાતને 1660 કિ.મી.નો દરિયાકાંઠો સાંપડેલો છે, તે પૈકી ભાવનગરમાં 152 કિ.મી.નો લાંબો દરિયાકાંઠો છે. આ દરિયાકાંઠાને સાંકળતી રેલવે લાઇન પોર્ટ સેક્ટર, શિપ રીસાયકલિંગ, પ્રસ્તાવિત વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સહિતના ઔદ્યોગિક ક્ષેત્રોને સાંકળતી યોજના મૂર્તિમંત કરવા માટે પ્રમાણિક પ્રયાસોની આવશ્યક્તા છે.

ભાવનગર-મહુવા વચ્ચે દરિયાકાંઠાના નજીકના ગામોને સાંકળતી રેલવે લાઇન અગાઉ સફળતાપૂર્વક ચાલતી હતી, પરંતુ 1982-83માં તેને બંધ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ આ વિસ્તારોમાં અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ, મહુવા ડીહાઇડ્રેશન ઉદ્યોગ, તળાજા જીનિંગ ઉદ્યોગ વિકાસ પામ્યા છે. હજુ રેલવે તે સમયની જમીનોની માલીકી ધરાવે છે. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાને સાંકળતી રેલવે લાઇનની તાતી જરૂરીયાત છે.

ભાવનગર જિલ્લા ભાજપના અગ્રણી અને વંદેમાતરમ્ સેવાસંઘના સુપ્રિમો કિશોરભાઇ ભટ્ટના જણાવ્યા પ્રમાણે ભાવનગર રેલવે ટર્મિનસથી નવા બંદર સુધીની રેલવે લાઇન ચાલુ અવસ્થામાં છે. આ લાઇનની સાથે અકવાડા, ઘોઘા, કોળીયાક, હાથબ, મીઠી વિરડી, અલંગ, સરતાનપર, તળાજા, મહુવા અને પિપાવાવ પોર્ટ સુધી કોસ્ટલ રેલ લાઇન સાંકળી શકાય તેમ છે, અને તેના અંગે સંબંધિત સરકારી મંત્રાલયોમાં વખતો વખત રજૂઆતો પણ કરેલી છે.

અલંગને દેશના રેલ નેટવર્ક સાથે જોડાશે
હયાત બ્રેકિંગ પ્લોટમાં પર્યાવરણને ધ્યાનમાં રાખી અને 120 મીટર ઉંડાઇની જગ્યા રીઝર્વ રાખી લગત પ્લોટ હોલ્ડરને ફાળવવા. ફોરટ્રેક રોડની જરૂરીયાત હોવાથી 45 મીટર ડીપી રોડ અને કોસ્ટલ રેલવેની સંભાવના હોવાની વધુ 30 મીટરની જગ્યા એમ કુલ 75 મીટરનો ડીપી રોડ મુકવા માટે. અલંગને સમગ્ર ભારતના રેલ નેટવર્ક સાથે જોડવા માટે અને ભાવનગર બંદર સાથે 42 કિ.મી.ના અંતરનું પ્રોવિઝન કરવા, ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને આ રેલટ્રેક સાથ જોડવામાં આવે તો અલંગની કાયાપલટ થઇ શકે છે, અને રેલ માર્ગે જોડાઇ જવાથી માલ પરિવહનને સરળતાથી સમગ્ર દેશ સાથે કનેક્ટ કરી શકાય તેમ છે.

કોસ્ટલ રેલવે યોજનાથી શું ફાયદો થઇ શકે ?
કોસ્ટલ રેલવે યોજના માટે ભાવનગર નવા બંદર સુધી બ્રોડગેજ લાઇન છે. હવે આ લાઇનને અકવાડા, ઘોઘા, અલંગ, તળાજા, મહુવા, પિપાવાવ પોર્ટ સાથે સાંકળવામાં આવે તો આ ઔદ્યોગિક વિસ્તારોમાં ધમધમી રહેલા ઉદ્યોગોને માલ પરિવહનનું એક જડપી અને સલામત નવું માધ્યમ મળી શકે, ઉપરાંત લોકલ પેસેન્જર ટ્રેનો પણ જિલ્લાને સાંકળી શકે તેમ છે.

ભાવનગર-મહુવાના રોડ ટ્રાફિકને રાહત થશે
ભાવનગર-મહુવાના ટ્રાફિકથી ધમધમતા માર્ગને પણ રાહત મળી શકે તેમ છે, અને વૈકલ્પિક માર્ગ અલંગ-ભાવનગરને જોડતો મળવાથી ભારણ ઘટી શકે છે. વિકાસ નકશા 2027માં આ બાબતોનો સમાવેશ થવાથી અલંગનો વિકાસ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...