અપહરણ અને ખંડણીનો મામલો:ભાવનગરના સિવિલ એન્જિનિયરને બંધક બનાવી ચાર કરોડની માગણી કરનારા ચાર શખ્સો ઝડપાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્જિનિયરનું અપહરણ કરી ડર લાગતા છોડી મૂકાયો
  • અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત થયા બાદ એન્જિનિયરે ફરિયાદ નોંધાવી
  • આર્થિક સંકડામણના કારણે આરોપીઓએ અપહરણ અને ખંડણીનું કાવતરું રચ્યું હતું

ભાવનગર શહેરમાંથી સિવિલ એન્જિનિયરનું અપહરણ કરી ખંડણીની માગણી કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવાત પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આર્થિક સંકડામણનો અનુભવ કરતા આરોપીઓએ સિવિલ એન્જિનિયરના અપહરણ અને ખંડણીનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે.

ભાવનગરમાંથી બે દિવસ પહેલા ચાર કરોડની ખંડણી સાથે અપહરણનો ગુનો સામે આવ્યો હતો. ભાવનગર શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા અને સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા મિલનભાઈ શાહ વરતેજ જીઆઈડીસીમાં ચાલતી બાંધકામની સાઈટ પરથી નીકળી રહ્યા હતા ત્યારે જ આરોપીઓએ વરતેજ પોલીસ સ્ટેશન નજીકથી જ મિલનભાઈનું અપહરણ કર્યું હતું.

ભાવનગરના 4 શખ્સોએ સિવિલ એન્જિનિયર મિલનભાઈ શાહને બળજબરીથી કારમાં બેસાડી પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ તેમ કહી કારમાં છરી બતાવી તેના મોબાઇલ ફોન તથા કારની ચાવી ઝૂંટવી લીધી હતી અને ચાર શખ્સોએ પૈસાની માગણી કરી હતી. પૈસા નહીં આપે એન્જિનિયર અને તેની પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી. ચાર કરોડની માગણી બાદ અંતે 18 લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. અપહરણ કરનાર શખ્સોએ વારંવાર સિવિલ એન્જિનિયરને માનસિક ટોર્ચર કરીને પૈસા મંગાવવાનું કહેતા હતા. 18 લાખની તાત્કાલિક વ્યવસ્થા કરીને અપહરણકર્તાઓએ રાજપરા ખોડીયાર ચાલ્યા ચોકડીએ પહોંચતા કરવાનું જણાવેલ હતું. ત્યારબાદ અપહરણ કરનાર શખ્સો મિલનભાઈ શાહને કલોલ તથા મહેસાણા બાજુ લઈ ગયા હતા. રસ્તામાં મિલનભાઈના પાકીટમાંથી 8000 રૂપિયા અને મોબાઈલ ફોન લઈ લીધો હતો. અપહત એન્જિનિયર પાસેથી પૈસા મળે તેમ ન લાગતા આરોપીઓએ પકડાઈ જવાના ડરે એન્જિનિયરને છોડી મૂકાયા હતા.

સિવિલ એન્જિનિયર અપહરણકર્તાઓની ચુંગાલમાંથી મુક્ત થતા જ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરી હતી અને વરતેજ પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા જાણીને તમામ ચાર શખ્સો વિરુદ્ધ ઇ.પી.કો.કલમ 120 બી, 170, 342, 364(ક), 394, 504, 506(2) તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં અપહરણ કરનાર દ્વિપાલ સોલંકી, મિતુલ રાઠોડ, નિકુંજ રાઠોડ, પિયુષ મકવાણા વિરોધ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં તમામ આરોપીને ઝડપી પાડી સમગ્ર બનાવને ઉજાગર કર્યો હતો. એએસપી સફિન હસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આર્થિક ભીંસમાં હોવાના કારણે ગુનાને અંજામ આપી પૈસાની માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...