તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડબલ મર્ડર:ભાવનગરમાં માતા-પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો, મૃતક મહિલાને શરીર સંબંધ બાંધવા માટે બોલાવ્યા બાદ બેવડી હત્યાને અંજામ આપ્યાનો ખુલાસો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
માતા-પુત્રની હત્યા એક જ વ્યકિતએ કરી હોવાનો ખુલાસો - Divya Bhaskar
માતા-પુત્રની હત્યા એક જ વ્યકિતએ કરી હોવાનો ખુલાસો
  • પ્રાથમિક તપાસમાં બંને હત્યા એક જ શખ્સે નિપજાવી હોવાનું ખૂલ્યું
  • પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

ભાવનગર શહેરમાં ગુરુવારે થયેલી બે અલગ અલગ હત્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બંને મૃતક માતા-પુત્ર હોવાનું અને બંનેની હત્યા એક જ શખ્સે નિપજાવી હોવાનું ખૂલ્યું છે. માતા સાથે ગાઢ સંબંધ ધરાવનાર આરોપીએ બુધવારે રાત્રિના મહિલાને શરીરસુખ માણવા માટે બોલાવી હતી. બાદમાં કોઈ કારણોસર આરોપીએ માતા અને તેના સગીર પુત્રની હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વરતેજ-સિદસર રોડ પરથી પુત્રની લાશ મળી હતી
વરતેજ-સિદસર રોડ પરથી પુત્રની લાશ મળી હતી

માતાના આડાસંબંધમાં નિર્દોષ પુત્રનો ભોગ લેવાયો?
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ આરોપી હેમલ શાહે જ અંકિતા જોશીને બુધવારે રાત્રિના શરીરસંબંધ બાંધવા માટે બોલાવી હતી. અંકિતા જોશી તેના સગીર પુત્રને લઈ હેમલ શાહના ફ્લેટ પર પહોંચી હતી. જ્યાં કોઈ કારણોસર હેમલ શાહ અને અંકિતા જોશી વચ્ચે ઝઘડો થતા આરોપીએ માતા-પુત્રની હત્યા નિપજાવી હતી. આરોપીએ પ્રથમ કોની હત્યા નિપજાવી તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે.

હેમલ શાહના ફ્લેટમાંથી માતાની લાશ મળી હતી
હેમલ શાહના ફ્લેટમાંથી માતાની લાશ મળી હતી

મહિલાની લાશનો નિકાલ થાય તે પહેલા ગુનાનો ભેદ ઉકેલાયો
ગુરુવારે સવારે વરતેજ-સિદસર રોડ પરથી પોલીસને એક સગીરની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતકના શરીર પરથી 20 થી વધુ તીક્ષણ હથિયારના ઘા મળી આવ્યા હતા. પોલીસે સગીરની ઓળખ મેળવવા અને આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ સાંજના સમયે પરિમલ ચોક પાસે આવેલા જનકલ્યાણ ફ્લેટના બીજા માળેથી મહિલાની લાશ મળી હતી. જે લાશ મળી હતી તેને ગોદળામાં વીંટાળીને રાખી મુકાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને મૃતકો વચ્ચે માતા-પુત્રનો સંબંધ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ફ્લેટમા માલિક હેમલ શાહની પુછપરછ કરતા તેમણે જ બંને હત્યાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.

જે ફ્લેટમાં ડબલ મર્ડર થયા ત્યાં પોલીસ તપાસ માટે પહોંચી હતી
જે ફ્લેટમાં ડબલ મર્ડર થયા ત્યાં પોલીસ તપાસ માટે પહોંચી હતી

મૃતક મહિલા અને આરોપી બંને ડિવોર્સી
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અંકિતા જોશી તેના પતિ સાથે છુટાછેડા લઈ અલગ રહેતી હતી. જ્યારે આરોપી હેમલ શાહ પણ તેની પત્ની સાથે છુટાછેડા લઈ એકલો રહેતો હોવાનું સામે આવ્યું છે. હેમલ શાહ ભૂતકાળમાં ચોરી,પશુ અતિક્રમણ-અત્યાચાર તથા પ્રોહિબિશન ના ગુનામાં જેલની હવા ખાઈ આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

ગુનાના કામમાં વપરાયેલી એક કાર કબજે કરવામા આવી
ગુનાના કામમાં વપરાયેલી એક કાર કબજે કરવામા આવી

ડબલ મર્ડરનું કારણ શું?
માતા-પુત્રની હત્યા મામલે પોલીસે હેમલ શાહની અટકાયત કરી કોવિડ રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. માતા-પુત્રની હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ હજી પોલીસ જાણી શકી નથી. તો સાથે આ મામલામાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

ઈનસાઈટ ઈન્વેસ્ટીગેશન
હત્યારો ગુનાહીત માનસ ધરાવે છે

હત્યારા હેમલે પણ છૂટાછેડા લીધેલ છે અને અગાઉ મોબાઈલ ચોરીના કેસમાં, કુતરાને પીડા આપવાના કેસમાં સંડોવાયેલ હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.

કારમાં પુત્રની લાશ ફેંકી આવ્યો
માતાની હત્યા કર્યા બાદ તેના પુત્રની ઠંડા કલેજે હત્યા કરી આરોપીએ પુત્રની લાશને પોતાની કારમાં લઈ જઈ સીદસર-વરતેજ રોડ પર નાખી દીધી હતી. પોલીસે નેત્રની મદદથી કારની આવનજાવન અને ત્યારબાદ કારના માલિકનો પતો કરતા તે આરોપી હેમલ નીકળ્યો હતો.

રાહદારીએ લાશની જાણ કરી
સીદસર રોડ પરથી મળેલી શિવમની લાશ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રતિક ઉર્ફે ભુરો ધીરૂભાઈ મકવાણાએ જાણ કરી હતી. જ્યારે જનકલ્યાણ ફ્લેટમાં રહેલી લાશ અંગે પોલીસને કોણે જાણ કરી હતી તે અંગે પોલીસ કોઈ ફોડ પાડતી નથી.

અંકિતાની લાશનો નિકાલ ન કરી શકયો
માતા અને પુત્ર એમબે-બે હત્યા જન કલ્યાણ ફ્લેટમાં થઈ ત્યારે સ્વાભાવિક રીતે બુમાબુમ કે રાડારાડી થઈ હશે પણ ફ્લેટમાં રહેતા હેમલની આવારા પ્રવૃત્તિ અંગે ફ્લેટવાસીઓ વાકેફ હોવાથી કોઈએ દરમિયાનગીરી નહીં કરી હોય પણ આરોપી હેમલ શિવમની જેમ અંકિતાની લાશ પણ સગેવગે કરવાનો હતો અને એ માટે લાશને સીવી પણ નાખી પણ ફ્લેટના દાદર ટૂંકા હોવાથી અને લાશ વજનદાર થઈ જતા તે લાશને ઉઠાવી શકયો ન હતો અને લાશ દુર્ગંધ મારતા પાપ પ્રકાશ્યું હતું.

સાથે રહેવા આવ્યાન ે24 કલાક થયા
અંકિતા સાથે આરોપી હેમલને ઘણા સમયથી શરીર સંબંધ હતો પણ તેના ઘરમાં હજી બુધવારે જ રહેવા આવી હતી અને 24 કલાકમાંજ મોતને ઘાટ ઉતરી હતી.

FSL અને નેત્રએ ભેદ ઉકેલ્યો
24 કલાકમાં બે-બે હત્યાના બનાવથી પોલીસ ચોંકી ઊઠી હતી. પણ નેત્રમના પોલીસના કેમેરાની મદદથી કારનું લોકેશન અને આરોપી મળ્યા અને ફોરેન્સીક લેબ.ની ઝીણવટભરી તપાસે બન્ને હત્યા એક જ સ્થળે થઈ હોવાનું બાહર આવયું હતું.

ફ્લેટના રહેવાસીઓ મૌન બની ગયા
જનકલ્યાણ ફ્લેટના રહેવાસીઓ બેવડી હત્યાના બનાવ અંગે કશુ બોલવા તૈયાર નથી. જોકે ફ્લેટના લોકોએ આરોપી હેમલ અને તેના કરતુતો અંગે અણગમો વ્યક્ત કર્યો હતો. પણ હત્યા સમયે ચીસાચીસ થઈ હતી કે કેમ ? અંકિતાની લાશ ફ્લેટમાં હતી તેની દુર્ગંધ આવતી હતી કે કેમ ? તે અંગે કશી વાત કરવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...