જોખમકારક વેચાણ:ભાવનગર શહેરમાં ધમધમે છે 5 હજારથી વધુ ફટાકડાના સ્ટોલ અને ફાયર NOC માત્ર 30 દુકાનોની જ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં જાહેર માર્ગો અને રહેણાંકી વિસ્તારમાં ફટાકડાનું વેચાણ જોખમકારક
  • ફટાકડાના વેચાણ માટે ફાયર સેફ્ટીની સુવિધા સાથે NOC ફરજીયાત પરંતુ વેપારીઓ બેદરકાર, તંત્ર નિષ્ક્રિય

ભાવનગર શહેરમાં ફાયર એન.ઓ.સી.ની ઐસી તેસી કરી ઠેર ઠેર જાહેર માર્ગો પર ફટાકડાના સ્ટોલ ઉભા થઈ ગયાં છે. ફાયર બ્રિગેડ દ્વારા અવારનવાર તાકીદ છતાં અંદાજીત પાંચેક હજાર જેટલી ફટાકડાની ખડકાયેલી દુકાનો છતાં માત્ર 30 જેટલા ફટાકડા સ્ટોલ દ્વારા જ ફાયર સુવિધા ઉભી કરી એન.ઓ.સી. લેવામાં આવ્યા છે.

દિવાળીના પર્વમાં ફટાકડા દ્વારા ઉજવણી કરવાની પરંપરા અને ઉત્સવ પ્રિય પ્રજાના ફટાકડા ફોડવાના આનંદમાં તકેદારી નહીં રખાતા કોઈવાર જાનલેવા દુર્ઘટના પણ બને છે. જે માટે જ ફટાકડા વેચાણ માટે દુર્ઘટના ના બને તેની તકેદારી રાખવા અને દુર્ઘટના સમયે સુરક્ષા માટે ફાયર સેફ્ટી આવશ્યક હોય છે. જે માટે જ ફટાકડા વેચાણ માટેની ગાઈડ લાઈન પણ હોય છે. અને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પણ ફટાકડાના જથ્થાબંધ અને છુટક વેપારીઓને ફાયર સેફ્ટી તેમજ તંત્ર પાસેથી એન.ઓ.સી. લેવા તાકીદ કરવામાં આવી છે. પરંતુ વેપારીઓએ તેની કોઈ ગંભીરતા લીધી જ નથી. શહેરમાં જ્યાં ને ત્યાં ફટાકડાના સ્ટોલ ખુલી ગયાં છે. હજારોની સંખ્યામાં દુકાનો ધમધમી રહી હોવા છતાં આખા શહેરમાંથી માત્ર 30 ફટાકડાના વેપારીઓએ જ ફાયર એન.ઓ.સી. મેળવ્યું છે.

દુર્ઘટના બાબતની કોઈ ગંભીરતા જ ના હોય તેમ રહેણાંકી વિસ્તારમાં, નજીક નજીક ફટાકડાની દુકાનો ખડકાઈ છે. અને તેમાં ફાયર સેફ્ટીની કોઈ તકેદારી રાખવામાં આવી નથી. ફાયર સેફ્ટીની એક પણ સાધન સામગ્રી રખાઈ નથી. તહેવાર ટાણે વેપારીઓને હેરાનગતિ ના થાય તે માટે તંત્રની પણ મજબૂરી હોય તેમ ફાયર એન.ઓ.સી. લીધા ના હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

30 દુકાનોએ NOC લીધી છે
ફટાકડાના સ્ટોલ માટે ટેમ્પરરી ફાયર સેફ્ટી ઉભી કરી ફાયર એન.ઓ.સી. મેળવવું ફરજીયાત છે. જે પૈકી 30 વેપારીઓએ ફાયર એન.ઓ.સી. મેળવ્યુ છે. અન્યની કાર્યવાહી શરૂ છે. > મહેશ હીરપરા, ચીફ ફાયર ઓફિસર

જાહેર માર્ગો પર ખડકાયેલી દુકાન પણ મંજૂરી વગર
શહેરમાં મોટાભાગના વિસ્તારમાં જાહેર માર્ગ પર સાઈડમાં ફુટપાથ પર ફટાકડાના સ્ટોલ ઉભા છે. પરંતુ તે પૈકી મોટાભાગની ગેરકાયદેસર છે. કોર્પોરેશનની કોઈ જાતની મંજૂરી લીધા વગર દુકાનોને કારણે કોર્પોરેશનને પણ આર્થિક નુકસાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...