વીડિયો વાઈરલ:ભાવનગરના ASP સફીન હસન વીડિયો ગેમ પાર્લરના માલિકને ઢોર માર મારતા CCTVમાં કેદ, જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો

ભાવનગરએક વર્ષ પહેલા
ASPએ  દરોડા પાડી સંચાલકને ઢોર માર માર્યો હતો.  - Divya Bhaskar
ASPએ દરોડા પાડી સંચાલકને ઢોર માર માર્યો હતો. 
  • ઈજાગ્રસ્ત ગેમ પાર્લરના માલિકને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ભાવનગરના ASP સફીન હસન વીડિયો ગેમ પાર્લરના માલિકને માર મારતા હોવાના CCTV વાઈરલ થયા છે. ઈજાગ્રસ્ત હાલતમાં દુકાન માલિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ASP સફીન હસનને વીડિયો ગેમ પાર્લરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેથી દરોડા પાડી સંચાલકને ઢોર માર માર્યો હતો.

દરોડા દરમિયાન કંઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી
ભાવનગરના શિવાજી સર્કલ વિસ્તારમાં આવેલા ગોપી કોમ્પ્લેક્સમાં પટેલ વીડિયો ગેમ પાર્લર નામની દુકાનમાં ASP સફીન હસન અને તેમના સ્ટાફે વીડિયો ગેમ્સની દુકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બપોરના સમયે દરોડા પાડ્યા હતાં. દરોડા દરમિયાન કશું વાંધાજનક મળી આવ્યું ન હતું. બાદમાં ASP સફીન હસન માર મારતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

બેલ્ટ વડે માર મારી દુકાન બંધ કરી દીધી હોવાનો દુકાન માલિકે આક્ષેપ કર્યો
ASP સફીન હસને વીડિયો ગેમ્સ પાર્લરમાં હાજર યજ્ઞેશભાઈ મકવાણાને ઢોર માર મારતા ઈજાગ્રસ્ત યજ્ઞેશભાઈને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. યજ્ઞેશ મકવાણાએ જણાવ્યુ હતું કે છેલ્લાં 15 વર્ષથી મનોરંજનની દુકાન ચલાવું છું. ASP સફીન હસન બપોરના સમયે તપાસમાં આવ્યા હતા અને ઢીકાપાટુ અને થપાટો મારી બેલ્ટ વડે માર મારી દુકાન બંધ કરી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો.

(ભરત વ્યાસ-ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...