GST વિભાગની કાર્યવાહી:ભાવનગરના ભાવેશ પંડ્યા, ઉસ્માન જન્નતીએ 1128 કરોડના બોગસ બિલ ફાડ્યા; ​​​​​​​બંનેની ધરપકડ, 23 પેઢીઓમાંથી 191 કરોડની ખોટી વેરાશાખ મળી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાવનગરમાં બોગસ બિલિંગ અંગેના DGGI-SGSTના દરોડામાં

બોગસ બિલિંગના ભાવનગરના કરોળીયાના ઝાળાની જેમ ફેલાયેલા નેટવર્કને નાબૂદ કરવા મેદાને પડેલા સરકારી તંત્રના ભાગે વધુ એક સફળતા આવી છે. ડાયરેક્ટોરેટ જનરલ અોફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) અમદાવાદ અને સ્ટેટ જીએસટી વિભાગના સંયુક્ત ઓપરેશનમાં 23 પેઢીઓમાંથી 1128 કરોડના બોગસ બિલો પધરાવવામાં આવ્યા હોવાનું ખુલ્યુ છે, અને તેના થકી 191 કરોડની ખોટી વેરાશાખ લીધી હોવાનું સપાટી પર આવ્યુ છે. આ પ્રકરણમાં બે લોકોની ધરપકડ કરી અને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

સંયુક્ત ઓપરેશનમાં ઉસ્માનગની જન્નતી (પ્રો.અલીફ એન્ટરપ્રાઇઝ) અને ભાવેશ શાંતિલાલ પંડ્યા (પ્રો.શિવાય ટ્રેડલિંક)ની સંડોવણી ખુલતા બંનેની જીએસટી કાયદાની કલમ 69 તળે ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેને ચિફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે બંનેને ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે. ભાવનગરમાં ગુરૂવારથી બંને વિભાગોના સંયુક્ત ઓપરેશનમાં કાળીયાબિડ, કાળાનાળા, વાઘાવાડી રોડ, કુંભારવાડા, મોતીતળાવ, વીઆઇપી, પ્રભૂદાસ તળાવ સહિતના વિસ્તારોમાં 33 પેઢીઓના 57 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 16 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી તે પૈકી 11માં ગેરરીતિઓ જણાઇ આવી હતી અને આવી પેઢીઓ બોગસ હોવાનું જણાઇ આવ્યુ હતુ, જ્યારે બાકીની પાંચ પેઢીઓ પર કાર્યવાહી ચાલુ છે. 11 પેઢીઓમાંથી 712.04 કરોડના બિલ ખોટી રીતે ઇશ્યુ કરવામાં આવ્યા હોય અને તે પૈકીની 128.16 કરોડની ખોટી વેરાશાખ મેળવવામાં આવી હોવાનુ અને અન્ય વેપારીઓને તબદીલ કરી હોવાનું ખુલ્યુ છે.બીજી તરફ ડીજીજીઆઇ અમદાવાદ દ્વારા 17 પેઢીઓમાં કામગીરી કરવામાં આવી હતી તે પૈકી 12 પેઢીઓ બોગસ જણાઇ આવી છે.

આ પેઢીઓ થકી કુલ 416 કરોડના બોગસ બિલો ઇશ્યુ કરવામાં આવ્યા હતા અને 63 કરોડની વેરાશાખ અન્ય વેપારીઓને તબદીલ કરવામાં આવેલી છે.સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગરમાં બોગસ બિલિંગને ડામી દેવા માટે છેલ્લા બે માસથી કરવામાં આવેલી ઘનિષ્ઠ કાર્યવાહીમાં 13 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તમામ પ્રકરણમાં આગળની લિન્કની પણ તપાસ કરવામાં આવી રહી છે. ખોટી વેરાશાખ લેનાર વેપારીઓ પાસેથી વેરા વસુલાત કરવાની કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...