હાશકારો:ભાવેણાવાસીઓને ઉનાળામાં ટાઢક, આખો ઉનાળો કોઈ કાપ વગર નિયમિત પાણી મળશે

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઉનાળે નહિ વર્તાય કહેર તંત્રની પાણી માટે થશે મહેર
  • જુલાઇના અંતમાં પણ શેત્રુંજી ડેમમાં 10 ફુટ અને બોરતળાવમાં 31 ફુટ સુધી પાણીનો જથ્થો જળવાયેલો રહેશે
  • શેત્રુંજી ડેમ અને બોરતળાવમાં જુલાઈના અંત સુધી ચાલે તેટલો પાણીનો જીવંત જથ્થો પડ્યો છે, પાણી કાપ વગર વિતરણ કરશે તો પણ તળીયા નહીં દેખાય

ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. સાથોસાથ ભાવેણાના નગરજનોને ઉનાળામાં પીવાના પાણીની ચિંતા પણ સતાવતી હોય છે. પરંતુ આ વર્ષે ભાવેણાવાસીઓ માટે સારા વાવડ છે. ભાવનગર શહેરમાં આ વર્ષે ઉનાળામાં પીવાના પાણીની જરાય ચિંતા રહેશે નહીં. પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવા શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પુરતો પાણીનો જથ્થો પડયો છે. જે પ્રમાણે આગામી જુલાઈના અંત સુધી એક પણ પાણીકાપ આપ્યા વગર નિયમિત રીતે ભાવેણાવાસીઓને પીવાનું પાણી મળી રહેશે.

ભાવનગર માટે છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા ખૂબ જ હળવી બની ગઈ છે. એકાંતરા પાણી અને અઠવાડીક પાણીકાપ ભૂતકાળ બની ગયો છે. પહેલા જેવી પાણીની સમસ્યા હવે રહી નથી. પાણીના નેટવર્ક પણ ડેવલોપ થઈ ગયા છે. સાથોસાથ કુદરતની મહેર થી પાણીના સ્ત્રોતમાં પણ જથ્થો જળવાયેલો રહે છે. ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં 1,55,000 નળ જોડાણ છે. અને નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારો સિવાય ખાસ કોઇ ફરિયાદ રહેતી નથી. પરંતુ આ વર્ષે ઉનાળામાં પણ ખાસ પીવાના પાણીની ફરિયાદ રહેશે નહીં તેવો તંત્રનો દાવો છે.

ભાવનગર શહેરની જરૂરિયાત મુજબ પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવા શેત્રુંજી ડેમ, મહી પરીએજ અને બોરતળાવમાં હાલમાં જે જીવંત જથ્થો છે. તે પ્રમાણે આગામી 31મી જુલાઇ સુધી એક પણ પાણીકાપ આપ્યા વગર લોકોને નિયમિતપણે પાણી મળી રહેશે. ભાવનગરની 165 MLDની જરૂરિયાત સામે 155 MLD પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે મુજબ આગામી દિવસોમાં પણ પાણી વિતરણ કરવામાં આવશે.

બોરતળાવમાં 38.6 ફુટનું પાણીનું લેવલ
ભાવનગરના ઘર આંગણે આવેલા પાણીના સ્ત્રોત બોરતળાવમાં પણ હાલમાં 38.6 ફૂટનુ લેવલ છે. જેમાં 470 એમસીએફટી જીવંત પાણીનો જથ્થો પડયો છે. હાલમાં બોરતળાવમાંથી 24 એમએલડી પાણી મેળવવામાં આવે છે. તે પ્રમાણે પણ પાણી વિતરણ કરે તો આગામી 31મી જુલાઈ સુધી કોઈ મુશ્કેલી પડશે નહીં. અને જુલાઈ બાદ પણ 31 ફૂટ પાણીનો જથ્થો જળવાઈ રહેશે. જેમાં 200 એમસીએફટી પાણી બેલેન્સ રહેશે.

શેત્રુંજી ડેમમાં 8000 MCFT પાણીનો જીવંત જથ્થો
શેત્રુંજી ડેમ માંથી ભાવનગર કોર્પોરેશન 90 થી 95 એમ.એલ.ડી. પાણી મેળવે છે. હાલમાં શેત્રુંજી ડેમમાં 31 ફુટનું લેવલ છે. ડેમમાં 8 હજાર એમસીએફટી પાણીનો જીવંત જથ્થો પડયો છે. કુલ ક્ષમતાના 80 ટકા પાણીનો જથ્થો પડયો છે. હાલમાં જે રીતે પાણી મેળવે છે તે પ્રમાણે 31મી જુલાઈ સુધી પાણી મેળવે તો પણ ઓગસ્ટ મહિનામાં 10 ફૂટનું પાણીનું લેવલ જળવાઈ રહેવાની શક્યતા છે.

પાણીના જીવંત જથ્થા મુજબ 31મી જુલાઇ સુધી મુશ્કેલી નહીં
ભાવનગર શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત એવા શેત્રુંજી ડેમ અને બોર તળાવમાં હાલમાં પાણીનો પૂરતો જીવંત જથ્થો પડયો છે. તદુપરાંત મહી પરીએજ માંથી પણ પુરતુ પાણી મળી રહે છે. જે મુજબ આગામી 31મી જુલાઈ સુધી પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં. પરંતુ ઉનાળામાં વપરાશ વધતા લોકોએ પણ કરકસર ભર્યો ઉપયોગ કરવો પડશે. > સી.સી. દેવમુરારી, કાર્યપાલક ઈજનેર વોટર વર્કસ

ઔદ્યોગિક એકમો માટે ખોડીયાર તળાવ પૂરતું છે
ભાવનગરના ઉદ્યોગિક એકમોને ખોડીયાર તળાવમાંથી કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. હાલમાં ખોડીયાર તળાવમાં એક 21 ફુટનું લેવલ છે. અને 90 એમસીએફટી પાણીનો જથ્થો છે. રોજના 6 એમએલડી પાણી ઔદ્યોગિક એકમો અને નારી ફિલ્ટરને પહોંચાડવામાં આવે છે. જેથી તેમાં પણ આગામી દિવસોમાં કોઈ મુશ્કેલી રહેશે નહીં. ઔદ્યોગિક એકમોને મીટર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનને આ વર્ષે 6.50 કરોડની આવક તેમાંથી થઈ છે.

પાણીના વધનારા વપરાશ સામે જળ શ્રી કૃષ્ણ અભિયાન, કરકસર જરૂરી
ભાવનગર મહાનગરપાલિકા હાલમાં પાણીના જીવંત જથ્થા મુજબ પાણી વિતરણ કરે તો લોકોને કોઈ મુશ્કેલી પડશે નહીં. પરંતુ ઉનાળામાં ગરમી વધતા પીવાના પાણીનો વપરાશ પણ વધી જશે. ઉનાળા દરમિયાન લોકોની જીવનશૈલીમાં પણ ફેરફાર થાય છે. જેથી લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન રહે તે માટે પીવાના પાણીનો બગાડ થતો અટકાવવો પણ જરૂરી બનશે. ઘર વપરાશ અને ન્હાવા ધોવામાં તેમજ વાહનો સહિત ચીજવસ્તુઓની સાફ-સફાઈમાં થતાં પાણીના વપરાશને પણ કરકસર પૂર્વક કરવો આવશ્યક બની રહેશે.

ફેક્ટ ફાઈલ
90 MLD, શેત્રુંજીમાંથી પાણી
24 MLD, બોરતળાવમાંથી પાણી
52 MLD, મહિપરિએજમાંથી પાણી
165 MLD, પાણીની કુલ જરૂરિયાત
155000, કુલ નળ કનેકશન

અન્ય સમાચારો પણ છે...