કોરોના કાળના કારણે અંતરાલ બાદ આ વર્ષે ફરી તા. 2થી 4 મે, સોમ, મંગળ અને બુધ ભાવનગર કાર્નિવલનું આયોજન થયું છે. જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગર કાર્નિવલ- 22નું વિધિવત ઉદ્ઘાટન રાજ્યપાલ દેવવ્રતજી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર કિર્તીબેન દાણીધારીયા, યુવરાજ જયવીરરાજસિહ, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાની ઉપસ્થિતિમાં થયો. આ સાથે પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ખેતી કરી રહેલા 10 પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તા.3ને મંગળવારે અક્ષય તૃતીયાના દિવસે ભાવનગરનો સ્થાપનાદિવસ છે.
આ દિવસે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. સાંજે 5 કલાકે ભવ્ય 750 તિરંગા સાથેની ભવ્ય પદયાત્રા સરદારથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ( આરટીઓ સર્કલથી નિલમબાગ સર્કલ) સુધી યોજાશે. રાજવી પરિવારના સમાધી સ્થળ પર પુષ્પાંજલિ, ભાવાંજલિ અર્પણ સહિતના કાર્યક્રમ પણ યોજાશે. ત્યાર બાદ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાંજે 7 કલાકે કૈલાસ વાટિકા, બોરતળાવ ખાતે રાષ્ટ્રની પ્રખ્યાત કલા સંસ્થાઓ દ્વારા લોકનૃત્ય અને સમૂહ નૃત્યનો રંગારંગ કાર્યક્રમ યોજાશે.
આ સાથે ભાવનગરની ગરિમાને વધુ ગૌરવ અપાવનારનુ સન્માન પણ યોજાશે તો ભાવનગરના 299માં જન્મ દિવસ નિમિત્તે 299 કિલોનો લાડું બનાવાશે અને તે ગરીબ બાળકોને પહોંચાડવામાં આવશે કાર્યક્રમ પ્રારંભે સ્વામિનારાયણ ગુરુકુળ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કૃતિએ સહુને ખુશ કર્યા હતા. કાર્નિવલના પ્રથમ કાર્યક્રમ સ્વરૂપે સુખ્યાત કલાકારો પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, સાંઈરામ દવેએ ગીત સંગીત અને સાહિત્યની જમાવટ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષણા તુષાર જોષી એ કર્યું હતું તો સંકલન સહયોગ નરેશ મહેતાનું રહ્યું હતુ.
કૈલાસ વાટિકા બોરતળાવ ખાતે કરાયેલ લેસર શો, ભવ્ય રોશનીએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. કૈલાસ વાટિકા ખાતે રાહત દરે ખાણી પીણીના સ્ટોલ, બાળકો માટે વિનામૂલ્યે જમ્પિંગ સહિતની ફન રાઈડ્સ પણ આ ત્રણ દિવસ દરમિયાન રાખવામાં આવી છે. ભાવેણાવાસીઓને કાર્નિવલનો લાભ લેવા નિમંત્રણ અપાયું છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ભાવનગર જન્મોત્સવ સમિતિ અને ભાવનગરના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.