તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષ્ણકુમાર સિંહજીનું ‘ભાવેણા’ 298નું થયું:હેપ્પી બર્થ ડે ટુ યુ ભાવનગર, અખાત્રીજે 299મા વર્ષમાં મંગલ પ્રવેશ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌ પ્રથમવાર સમગ્ર ભાવેણાના એરિયલ વ્યૂહની તસવીર - Divya Bhaskar
સૌ પ્રથમવાર સમગ્ર ભાવેણાના એરિયલ વ્યૂહની તસવીર

આ શહેરની નવી પેઢીના બહુ ઓછા લોકોને તેમજ યુવાનોને જાણ હશે કે આવતી કાલ તા.14 મેને શુક્રવારે અખાત્રીજનો આ અતિ શુભ દિવસ એ આપણા શહેર ‘ભાવેણા’નો જન્મદિન છે. આજે 298 વર્ષ પૂરા કરી આ શહેર 299માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આજે અક્ષય તૃતિયા એટલે અખાત્રીજ. આ અતિ પવિત્ર દિવસ અનેકવિધ માંગલિક અને ઐતિહાસિક ઘટના " અને પ્રસંગો સાથે જોડાયેલો છે. આજનો દિવસ ભાવનગર શહેરના સ્થાપના દિન-જન્મદિન છે. ‘Happy Birthday To You Bhavena’!

ભાવનગરને સર્વાંગી વિકાસની કેડી પર દોડાવનારા ચાર સ્વપ્ન

સી.એન.જી. પોર્ટ ટમિર્નલ
ભાવનગરના સર્વાંગી વિકાસ માટે એક સ્વપ્ન છે. રૂા.1900 કરોડના ખર્ચે સી.એન.જી. (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામવાનું છે. વિશ્વના સૌ પ્રથમ આ સી.એન.જી. ટર્મિનલની સી.એન.જી.ની ક્ષમતા વાર્ષિક 1.5 મિલીઅન મેટ્રીક ટનની હશે. ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, ઉપરાંત બે લોકગેટસ, કિનારા ઉપર સી.એન.જી.ના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

મુંબઈ સુધી રો-રો ફેરી સર્વિસ
ભાવનગરથી સૌ પ્રથમ વખત ઘોઘાથી દહેજ સુધી ફેરી સર્વિસ અને બાદમાં વાહનો સાથેની રો રો ફેરી સર્વિસનો આરંભ થયો. બાદમાં હવે ઘોઘાથી હજી રા સુધી રો રો ફેરી સર્વિસને પ્રબળ પ્રતિસાદ મળ્યો છે. હવે ભાવનગરથી મુંબઇ સુધીની રો-રો ફેરી સર્વિસ શરૂ થાય તો ભાવનગરનું દશકાઓ જૂનું આંતર રાજ્ય જળ પરિવહન સેવાનું સ્વપ્ન પણ સાકાર થશે. જેથી ભાવનગરથી હજીરા, સુરત, મુંબઇ સુધી લોકો જળમાર્ગે અવરજવર કરી શકશે.

અમદાવાદ સુધી બ્રોડગેજ રેલવે
હાલ ભાવનગરથી અમદાવાદ જવા માટે ભાવનગરથી વાયા સુરેન્દ્રનગર થઇ જવું પડે છે. કારણ કે બોટાદથી અમદાવાદ જવાનો રેલ માર્ગ હાલ બ્રોડગેજમાં રૂપાંતરણ પામી રહ્યો છે. અમદાવાદ-ભાવનગર વચ્ચેનો રેલવે બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ પૂરો થવાની તૈયારીમાં છે, જેથી ભાવનગરવાસીઓને નવા કનેકશન મળી શકશે. અમદાવાદથી ભાવનગર માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી શકાય તેવા ટાર્ગેટ સાથેની કામગીરી ચાલુ છે. રેલવે ટ્રેક ઉપર સફળતાપૂર્વક એન્જિનનું ટેસ્ટિંગ પણ પૂરું કરાયું છે.

જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક
શહેરની જહાંગીર વકીલ મીલમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક સાકાર કરવાની યોજના હતી. મીલની મોંઘીદાટ 67 હજાર વારની જમીન ઉપર અત્યાધુનિક જેમ્સ અને જ્વેલરી પાર્ક બનાવવાની યોજના છે. ગુજરાત હાઈર્કોટ સમક્ષ ગુજરાત સરકારે ભાવનગરમાં હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી જેમ્સ અને જ્વેલરી પાર્ક બનાવવાનો ઈરાદો જાહેર કર્યો હતો. સુરત શહેર તેના જેમ્સ અને જવેલરીના પાર્કનો મીઠાફળ ભોગવી રહ્યું છે. જો શહેરમાં આ યોજના સાકાર થાય તો હિ‌રા ઉદ્યોગને પણ તેનો લાભ મળશે.

રાજ્યમાં અનોખી ભાત પાડતી ભાવનગરની મુખ્ય 4 વિશેષતાઓ

વિક્ટોરિયા પાર્ક
ભાવનગર શહેરમાં વચ્ચે જંગલ આવેલું હોય તેવું ગુજરાતમાં અનોખું શહેર છે.શરીરમાં જે રીતે ફેફસાં ઓક્સિજન માટે મહત્વ ધરાવે છે, તે રીતે વિક્ટોરિયા પાર્કનું જંગલ પણ ભાવનગર માટે ફેફસા સમાન છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ભેટ કોઈ શહેરને મળેલી નથી. અહીં 150થી વધારે ઔષધીય વૃક્ષો ઉપરાંત પશુ-પક્ષીઓની જૈવિક વિવિધતા પણ જોવા મળે છે. વિક્ટોરિયા પાર્કને વિકસાવીને તેને નેશનલ પાર્ક પણ બનાવી શકાય તેમ છે.

શિપ બ્રેકિંગ યાર્ડ
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડથી ભાવનગર ની ઓળખ સમગ્ર વિશ્વમાં છે. 39 વર્ષથી અલંગમાં જહાજ તોડવાનો વ્યવસાય એશિયામાં સૌથી મોટા ધોરણે ચાલી રહ્યો છે. જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ દોઢ લાખ જેટલા માણસો નભે છે. દર વર્ષે 150થી 200 જેટલા શિપ અહીં તોડવા માટે લાવવામાં આવે છે.અલંગના કારણે રોલિંગ મિલ, ભંગારના ડેલા, જહાજમાંથી નીકળતી વસ્તુઓનું બજાર સહિતના એકમો ચાલી રહ્યા છે. ભાવનગર બહારથી આવનારા લોકોને અલંગની મુલાકાતનું આકર્ષણ હંમેશા હોય છે

નવા બંદરનો લોક ગેટ
ભાવનગરમાં નવા બંદરે આવેલો રજવાડા સમયનો લોકગેટ વિશેષ છે. અહીં કોઈ પણ સીઝન હોય કે ભરતી હોય કે ઓટ હોય 4 મીટર ડ્રાફટ સુધી પાણી જળવાઈ રહે છે. રાજવી પરિવારની દીર્ઘદ્રષ્ટિથી સમગ્ર એશિયા ખંડમાં ગૌરવ રૂપ ગણી શકાય તેવી આ ટેકનિકથી ભાવનગર બંદર બારમાસી બન્યું છે. અત્યારે લોકગેટની સ્થિતિ જર્જરિત છે અને સમારકામ ચાલી રહ્યું છે. સ્થાપના સમયે ભાવનગરનો લોકગેટ સમગ્ર એશિયામાં નમૂનેદાર ગણાતો.

ગાંઠિયા અને પાઉંગાંઠિયા
ભાવનગરી ગાંઠીયા સમગ્ર દેશમાં અને વિદેશમાં લોકપ્રિય છે. અંદાજે રૂપિયા 1 કરોડનું ગાંઠિયાનું દરરોજ ટર્નઓવર થાય છે. ઉપરાંત પાઉં ગાંઠિયા પણ ભાવનગરમાં લોકપ્રિય છે. પાઉ સાથે ભાજી ઉશળ વગેરેનું ચલણ હોય છે, પરંતુ ભાવનગરના ગાંઠિયા જાણીતા છે. ભાવનગરથી બહાર જનારા લોકો ભેટ સોગાદમાં ગાંઠીયા લઈને જાય છે. ઉપરાંત બહારના લોકો પણ ભાવનગરીઓ પાસે ગાંઠિયાનો આગ્રહ અચૂક રાખે છે ભાવનગરી ગાંઠીયા સમગ્ર દેશમાં અને વિદેશમાં લોકપ્રિય છે.

અન્ય સમાચારો પણ છે...