સમગ્ર વિશ્વમાં 'બાપા સીતારામ’નો નાદ ગુંજવનારા પૂ. સંત બજરંગદાસબાપાની કર્મભૂમિ બગદાણામાં હજારો ભાવિકભક્તો પ્રસાદ ગ્રહણ કરી પોતાની જાતને ધન્ય ગણે છે. સંત બજરંગદાસ બાપા એક પરમહંસ કક્ષાના સંત હતા. ખાસ તો ગુરૂપૂનમના પર્વે રજારો ભાવિકો દર્શનાર્થે ઉમટે છે. આ માટે બગદાણા ગુરૂ આશ્રમમાં સ્વયંસેવકોની મોટી ફૌજ છે. 450 ગામોના 25 હજાર જેટલા સ્વયંસેવકો છે જેમાં 20 થી લઇ 60 વર્ષ સુધીનાનો સમાવેશ થાય છે. આ ફોજ બાપાની બ્રિગેડ તરીકે વિશ્વ વિખ્યાત છે.
બગદાણા ગુરુ આશ્રમમાં હજારોની ભીડ માટે વ્યવસ્થાને સૂપેરે પાર પાડવા માટે આશ્રમના ૧પ હજાર ઉપરાંત સ્વયં સેવકોએ ખડે પગે સેવા બજાવે છે. દર્શન વિભાગ, ચા-પાણી, રસોડા વિભાગ, પાર્કિંગ સહિતના વિભાગોમાં 48 કલાકથી વધુ સેવા બજાવે છે. અંદાજે 100 ગામોના પાંચેક હજાર જેટલી મહિલાઓ પણ સેવા માટે આવે છે. સંત બજરંગદાસબાપાની પ્રતિભા માત્ર ધાર્મિક જ ન હતી પરંતુ જ્યારે દેશને જરૂર પડી ત્યારે યુદ્ધ સમયે પોતાના આશ્રમની જમીન તો ઠીક પરંતુ પોતે જે પહેરતા તે બંડી પણ દેશસેવા માટે સમર્પિત કરી દીધી હતી. આ પરમહંસ કક્ષાના સંતની અનેક મઢુલીઓ આજે પણ સૌરાષ્ટ્રભરમાં જોવા મળે છે.
દર પૂનમે બગદાણામાં 50 હજાર ભક્તોની ભીડ...
બગદાણા ધામ આમ તો દરરોજ બાપાના દર્શનર્થીઓની ભીડથી ધમધમતું રહે છે તેમાં જોઇએ તો દર સોમવારથી શનિવાર સુધી પાંચ હજારથી લઇ 10 હજાર સુધી ભક્તો હોય છે. તો દર રવિવારે 25 હજારથી 30 હજાર ભક્તો દર્શનાર્થે આવે છે. જ્યારે ચૌદશ અને પૂનમે આ આંક 50 હજારથી 60 હજારને આંબી જાય છે. જ્યારે ગુરુપૂનમ અને બાપાની તિથી હોય ત્યારે આ આંક 2 લાખને આંબી જાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.