ભયનો માહોલ:બાડી ગામે 1200 લોકોની વસતીથી 400 મીટર દૂર 8 મીટર જમીન બેઠી

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GPCL દ્વારા પ્રોટેક્શન વોલ બનાવ્યા વિના માટી ડમ્પ કરાતા
  • અગાઉ હોઇદડ-સુરકા, થોરડીમાં જમીન બેઠી ગઇ હતી : ગ્રામ્યજનો ભય તળે

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા નજીક આવેલા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ) દ્વારા માઇનિંગ કરવામાં આવે છે ત્યાં બાડી ગામે રવિવારે ધડાકા સાથે જમીન એકદમ બેઠી જતા ગ્રામ્યજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો અને લોકો ઘરની બહાર નિકળી આવ્યા હતા. આ અગાઉ હોઇદડ-સુરકા વચ્ચે તથા થોરડી ગામે પણ આવી રીતે ડમ્પિંગ સાઇટની જમીન બેઠી જતા આજુબાજુના ગામોમાં ભૂકંપ આવ્યો હોય તેવો ડરનો માહોલ સર્જાયો છે.

આ સ્થળની રૂબરૂ મુલાકાત લેતા જણાયુ હતુકે, બાડી ગામની માનવ વસતીથી માત્ર 400 મીટર દૂર જીપીસીએલની માઇનિંગ સાઇટના બનાવવામાં આવેલા ડમ્પ જમીનની અંદર બેઠી જતા ગ્રામ્યજનો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે.બાડી ગામના 1200 લોકોની વસતી પોતાના મકાન- ખેતીની જમીનો પણ બેઠી જશે તો? તેવી ચિંતામા ગરકાવ થયેલા છે. આ અગાઉ હોઇદડ અને સુરકા ગામની વચ્ચે આવેલી માઇનિંગ સાઇટનો ડમ્પ આવી રીતે જ બેઠી ગયો હતો અને તેના અંગે પણ 12 ગામની ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા સંબંધિત સરકારી તંત્રને રજૂઆતો કરવામાં આવેલી હતી, પરંતુ તંત્રના બહેરા કાને ગ્રામ્યજનોનો અવાજ અથડાયો નહીં.

ત્યાં બાડી ગામને અડીને આવેલી જીપીસીએલની ડમ્પ સાઇટની જમીન 8થી 10 મીટર જમીનમાં ઉંડે ઉંડે બેઠી ગઇ છે. આ અંગે જીપીસીબી, ખાણ ખનીજ વિભાગ અને મામલતદારની બનેલી ટુકડી સોમવારે બનાવના સ્થળની મુલાકાતે આવી હતી અને તેઓએ જણાવ્યુ હતુકે, સમગ્ર ઘટના અંગે હવે તેઓ રિપોર્ટ બનાવી જિલ્લા કલેકટરને સુપરત કરશે.

દરમિયાન ગ્રામ્યજનો દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપાનુસાર, ડમ્પ સાઇટ કરતા અગાઉ તેના માટીના ઢગલાને જમીન સહન કરી શકશે કે કેમ તેના અંગેના જરૂરી સોઇલ ટેસ્ટ કરવામાં આવેલા નથી, ડમ્પ સાઇટની પ્રોટેકશન વોલ પણ બનાવવાની નિયમમાં હોય છે, પરંતુ તેનું પણ પાલન કરવામાં આવ્યુ નથી. પરિણામે એક પછી એક જમીનોમાં મોટા મોટા ગાબડા પડી રહ્યા છે. બાડી-પડવા, હોઇદડ, થોરડી સહિતના ગામોમાં આવી સમસ્યા વકરી રહી છે.

નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે
જીપીસીએલના પાવર પ્લાન્ટ નજીકની જમીન બેઠી ગયા અંગે સત્તાવાર માહિતી મારી પાસે નથી. પરંતુ જીપીસીબી સહિતના સંબંધિત તંત્રના રિપોર્ટ, માહિતીના આધારે જે કાંઇ હશે તેમાં નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. - યોગેશ નિરગુડે, કલેકટર, ભાવનગર.

સરકારી તંત્ર મોટા અકસ્માતની રાહ જુએ છે?
બાડી-પડવા નજીકના પાવર પ્લાન્ટ દ્વારા નિયમ મુજબના એસટીપી, ઇટીપી પ્લાન્ટ પણ બનાવાયા નથી, છતા સરકારી તંત્ર મૌન સેવે છે. હવે બાડી ગામની નજીક જ જમીન 8 મીટર ઉંડે સુધી બેઠી ગઇ છે, શું સરકારી અધિકારીઓ મોટી હોનારત થવાની રાહ જોઇ રહ્યા છે? સમયસર કાર્યવાહી કરી અને કંપનીને પ્રોટેક્શન વોલ બનાવો. - નારણભાઇ જાંબુચા, ખેડૂત અગ્રણી, હોઇદડ (ઘોઘા)

ગ્રામ્યજનો ભયના ઓથાર તળે છે
જીપીસીએલ દ્વારા માઇનિંગ સાઇટની નિયમ પ્રમાણેની પ્રોટેક્શન વોલ બનાવવામા આવેલી નથી, ડમ્પ કરતા અગાઉ આ જમીન કેટલો વજન ખમી શકે તેમ છે તેનો સોઇલ ટેસ્ટ પણ કરાવાયો નથી, બાડી ગામની તદ્દન નજીક 8 મીટર જમીન અંદર બેઠી ગઇ છે અને ગ્રામ્યજનો સતત ભય તળે છે. - વાસુદેવસિંહ ગોહિલ, ખેડૂત અગ્રણી, બાડી (ઘોઘા)

અન્ય સમાચારો પણ છે...