ભાવનગર શહેરના સુભાષનગર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરેલો પરશુરામ પાર્ક શુરુઆતથી જ વિવાદમાં સપડાયેલો રહ્યો છે. લોકાર્પણના વિવાદ બાદ હવે પરશુરામ ભગવાનની 30 લાખના ખર્ચે રાજકોટમાં બનાવેલી મૂર્તિ લાંબા સમયથી બનાવેલી પાર્કમાં રાખી છે માત્ર લોકાર્પણની રાહમાં પડી છે. કોના હસ્તે લોકાર્પણ કરવી તે માટે ભગવાનની મૂર્તિને ઢાંકેલી રાખી છે.
કોર્પોરેશન બ્યુટીફિકેશનને જ વિકાસ માનતુ હોય તેમ શહેરમાં મનોરંજન માટે અનેક બાગ બગીચાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ તે પૈકી ઘણા તો વિવાદમાં સપડાયેલા જ રહે છે. શહેરના સુભાષનગર ધર્મરાજ સોસાયટી પાસે ટીપી સ્કીમ નંબર 3, રુવા ફાઈનલ પ્લોટ નંબર 125માં શૈક્ષણિક હેતુની રિઝર્વ જગ્યાને તબદિલ કરી 39000 ચોરસ વાર જગ્યામાં અમૃત યોજના અંતર્ગત રૂ.1.38 કરોડના ખર્ચે પરશુરામ પાર્ક બનાવવામાં આવ્યો છે.
શરૂઆતમાં મંજૂરી બાદ લાંબા સમય સુધી બાંધકામ ખોરંભે પડ્યું હતું. ગત વર્ષ 2020માં કોર્પોરેશનને સાઈડ લાઇન કરી સમાજ દ્વારા લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. જેની પત્રિકા પણ છપાઈ હતી અને તેમાં કોર્પોરેશનના પદાધિકારીઓની જ બાદબાકી કરી હતી. પરંતુ વિવાદ વકરતા અંતે કાર્યક્રમ મુલત્વી રાખ્યો હતો. અંતે કોર્પોરેશન દ્વારા જુન 2021માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં પણ લોકાર્પણ બાદ પાર્કમાં જીમના સાધનો પણ ના હતા અને વીજ કંપની દ્વારા જોડાણ નહીં આપતા લાંબો સમય સુધી પાર્ક અંધારામાં રહ્યુ હતું.
હજુ પણ પરશુરામ પાર્કના વિવાદનો અંત નહીં આવતા પાર્કમાં પરશુરામ ભગવાનની મૂર્તિ ખાસ રાજકોટ રૂ.30 લાખના ખર્ચે બનાવવામાં આવી હતી. મૂર્તિ બનાવતા સમયે ભાજપના આગેવાનો દ્વારા મોટી બડાસ હાંકી હતી પરંતુ મૂર્તિ બની ગયા બાદ હવે છેલ્લા લાંબા સમયથી પાર્કમાં પરશુરામ ભગવાનની મૂર્તિ વસ્ત્ર ઢાંકીને લોકાર્પણના વાંકે પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.