બેઠક:ઓડિટોરિયમ 55 વાર ફ્રી આપ્યુ આજે ટાઉન હોલનું ભાડું નક્કી થશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવા પાંચ કરોડના ખર્ચે રિનોવેટ થયેલું ટાઉન હોલ ફ્રીમાં અપાતા ઓડિટોરિયમનો વીજ, સફાઇ ચાર્જ કોર્પો.ભોગવે છે

ભાવનગર કોર્પોરેશન દ્વારા સવા પાંચ કરોડના ખર્ચે મોતીબાગ ટાઉનહોલને રીનોવેશન કરાવ્યો છે. હેરિટેજ પ્રકારની આ બિલ્ડિંગ ભાડેથી આપવાનો આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરાશે. પરંતુ સરદારનગર ઓડિટોરિયમની જેમ હું તું અને રતનીયાની મંજૂરી સાથે વિનામૂલ્યે આપવાનું નક્કી થશે તો હેરિટેજ જર્જરિત થતાં વાર નહિ લાગે. ભાવનગર કોર્પોરેશન દ્વારા સરદારનગર ખાતે અદ્યતન સુવિધાઓ સાથે ઓડિટોરિયમ બનાવવામાં આવ્યો છે. શરૂઆતના તબક્કામાં તેનું ભાડું પણ નિયત કરાયું હતું. પરંતુ કલાકારો અને જુદી જુદી સંસ્થાઓની માગણીને કારણે ભાડામાં 30 ટકાનો ઘટાડો પણ કરાયો હતો.

પરંતુ ત્યારબાદ રાજકીય દરમિયાનગીરી તેમજ વાહ વાહ મેળવવા માટે મેયર, ચેરમેન, કમિશનરની કમિટી બનાવી વિનામૂલ્યે કોને આપવું તે નક્કી કરે છે અને અત્યાર સુધી મીની હોલ 21 વખત અને મુખ્ય હોલ 32 વાર મળી કુલ 53 વાર વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. હાલમાં મીની હોલનું 4 હજાર થી માંડી રૂ. 5700 અને મુખ્ય હોલ 16500 થી લઈ શિફ્ટ મુજબ 24500 સુધી ભાડુ વસુલવામાં આવે છે. પરંતુ વિનામૂલ્યે આપવામાં આવતા હોલનો વીજ વપરાશ અને સફાઈ, મેન્ટેનન્સનો ખર્ચ કોર્પોરેશનના માથે આવે છે. જેથી કોર્પોરેશનને ઓડિટોરિયમનો ખર્ચ આવક કરતા મેન્ટેનન્સ સહિતમાં વધુ થાય છે.

આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીમાં સવા પાંચ કરોડના ખર્ચે રીનોવેશન કરેલા મોતીબાગ ટાઉન હોલને પણ કાર્યક્રમો માટે ભાડે આપવાનો નિર્ણય કરવામાં આવનાર છે. હેરિટેજ પ્રકારે ટાઉન હોલને અધ્યતન રિનોવેટ કરેલો છે. ત્યારે આ હોલની જાળવણી થાય અને સરકારી કાર્યક્રમ તેમજ આળપંપાળના કાર્યક્રમો માટે વિનામૂલ્યે અપાય નહીં તે માટે પણ સ્ટેન્ડીંગે મક્કમ રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...