સરકારી અધિકારીઓ સાથે ઝપાઝપી:દરોડો પાડવા ગયેલી CGSTની ટીમ પર હાલારી જૂથ દ્વારા કરાયેલો હુમલો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આતાભાઇ રોડ પર સ્વરા લેન, નવાપરા મહેક એપાર્ટમેન્ટમાં રેડ
  • ફ્લેટ સીલ કરાયો : ઉસ્માન હાલારીની ઓફિસમાંથી દસ્તાવેજ મળ્યા

ગુજરાતમાં બોગસ બિલિંગના પીયર સમાન ભાવનગરમાં સીજીએસટીની ટુકડીઓએ બે સ્થળો પર બુધવારે બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ અંગેના દરોડા પાડી અને કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન નવાપરામાં સરકારી અધિકારીઓ સાથે ઝપાઝપી થતા પોલીસ બોલાવવી પડી હતી.

યુ.વી.ગ્રુપના વલી હાલારી અને તેઓના ભાઇ ઉસ્માન હાલારી અંગે બોગસ બિલિંગ આચરી રહેલા સીજીએસટીને મળેલી બાતમીના આધારે આતાભાઇ રોડ પર આવેલા સ્વરા લેન કોમ્પલેક્સમાં ઉસ્માન હાલારીની ઓફિસમાં રેડ કરવામાં આવી હતી, અને દરોડા દરમિયાન અધિકારીઓને મોટા જથ્થામાં વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. આ દરોડા બાદ મોટા માથા સામે પણ કાર્યવાહી થવાના સંકેતો અધિકારીઓ પાસેથી સાંપડી રહ્યા છે.

નવાપરા વિસ્તારમાં આવેલા મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માં સીજીએસટીની ટુકડીએ દરોડો પાડ્યો હતો, દરમિયાન હાલારી જૂથના માણસોએ સીજીએસટીના અધિકારીઓ-કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી અને શર્ટના ગજવા ફાડી નાંખ્યા હતા તથા ફ્લેટની નીચે લંગડાતી હાલતમાં ઉતરી રહ્યા હતા.

સીજીએસટીની ટુકડી પર કરવામાં આવેલા હુમલા બાદ સ્થાનિક પોલીસને પણ બોલાવવામાં આવી હતી, સિહોરમાં ગોપાલ રોલિંગ મિલ બાદ આ બીજી વખત સીજીએસટીની ટુકડી પર હુમલો કરવામાં આવ્યો છે. જો કે બુધવારે નવાપરામાં સરકારી અધિકારીઓ પર કરાયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ગંગાજળીયા પોલીસ તથા નીલમબાગ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં આ વિસ્તાર નીલમબાગ પોલીસ મથક હેઠળ આવતો હોવાથી મોડી રાત્રે જીએસટીના અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી.

CGST હાઇટેક રેડ : ફોનના IP એડ્રેસના આધારે મુંબઈના બીલ ભાવનગરમાં બનાવતા પડ્યા દરોડા
મહારાષ્ટ્રના થાણેમાં બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન કરાવી અને તેના બિલ ભાવનગરના નવાપરા મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માંથી બનાવવામાં આવી રહ્યા હોવાની બાબત ટેકનિકલી સકંજામાં આવી હતી. આઇ.પી. એડ્રેસના આધારે અધિકારીઓ નવાપરા સુધી પહોંચી ગયા હતા અને ફ્લેટમાં મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો, કોમ્પ્યુટર હોવાનું પ્રાથમિક રિપોર્ટ છે,પરંતુ અધિકારીઓ પર હુમલો થતા ફ્લેટને સીલ મારી અને અધિકારીઓ જતા રહ્યા હતા, પરંતુ વધુ કાર્યવાહીના સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે.

SGSTના દરોડામાં ઉસ્માન ફરાર આરોપી છે
આ અગાઉ સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગરમાં ઉસ્માન હાલારીની પેઢી, રહેઠાણ પર બોગસ બિલિંગના દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે પણ ઉસ્માન હાલારી મળી આવ્યો ન હતો. લાંબા સમયથી સ્ટેટ જીએસટીના ચોપડે ઉસ્માન હાલારી ફરાર છે, છતા ભાવનગરમાં ખુલ્લેઆમ ધંધાને અંજામ આપી રહ્યો છે, ત્યારે અધિકારીઓ સામે પણ શંકાઓ ઘેરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...